પ્રદૂષણ:મહીમાં ડબકા પાસે ફરી ફીણવાળાં પાણી દેખાયાં,GPCB હજુ મૂળ શોધી શકી નથી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
શા માટે મહીસાગરમાં જ પીળાં પાણી દેખાય છે ? - Divya Bhaskar
શા માટે મહીસાગરમાં જ પીળાં પાણી દેખાય છે ?
  • અમાસ દરમિયાન પ્રદૂષિત પાણી કેમ દેખાય છે તેનો રિપોર્ટ કમિટી સબમિટ કરતી નથી
  • ઉદ્યોગોનાં કરોડો લિટર પ્રદૂષિત પાણી દરિયાના તળિયે જમા થાય છે, ભરતીમાં તે ઉપર આવતાં ફીણ દેખાય છે : રોહિત પ્રજાપતિ

ગત વર્ષે નવેમ્બરથી મહીસાગર નદીમાં ફીણવાળા પીળા પાણી દેખાવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ડબકા નજીકના મહીસાગરમાં રવિવારે કિલોમીટરો સુધી પીળા, ફીણવાળા પાણી જોવા મળ્યાં હતાં. વડોદરા શહેર જિલ્લામાં મોટી સંખ્યામાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી હોવાના કારણે પ્રદૂષણનો મામલો દિવસે દિવસે ગંભીર બની રહ્યો છે. એક તરફ જિલ્લાના અનેક ગામોમાં ભૂગર્ભજળ પ્રદૂષિત થયેલા છે ત્યારે હવે નદીમાં પણ પીળા ફીણવાળા પાણી જોવા મળી રહ્યાં હોવાના કારણે આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

મહીસાગરમાં ફીણવાળા પાણી થવાનું કારણ જાણવા માટે સરકારે કમિટી નિયુક્ત કરી હતી. આ કમિટીના ચેરમેને બે મહિના અગાઉ આ પાણીનું કારણ વનસ્પતિઓ હોવાનું જણાવ્યું હતું. જ્યારે આજે ફરીવાર આ પાણી દેખાયા બાદ પર્યાવરણ કર્મશીલ રોહિત પ્રજાપતિએ તેને પ્રદુષિત ગણાવી કહ્યું હતું કે, વર્ષો સુધી સરકારોની બેદરકારીને લીધે ગુજરાતના ઉદ્યોગો જે રોજનું કરોડો લિટર પ્રદુષિત પાણી ઠાલવે છે તે દરિયાના તળિયે જમા થાય છે. અમાસની મોટી ભરતી દરમિયાન આ તળિયાના પાણી ઉપર આવી જતાં ફીણવાળા પાણી જોવા મળી રહ્યાં છે.

રવિવારે સવારે અમાસ હોવાથી ફરી એકવાર પીળા ફીણવાળા પાણી જોવા મળ્યાં હતા. આ અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિએ સવારે જીપીસીબીને જાણ કરતા ટીમ ડબકા પહોંચી હતી અને નમૂનાઓ લઇને સરકારી કાર્યવાહી પૂરી કરી હતી.

ખંભાતના અખાતમાં જ્યાંથી અમદાવાદ ઉદ્યોગોના ગંદા પાણી ઠલવાય છે. ત્યાંથી ફક્ત 35 કિમી દૂર આ જ અખાતમાં વડોદરાના ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી રેડાય છે. સાબરમતી નદીનું મુખ નાનું હોવાથી દરિયાનું અમાસનું પાણી સાબરમતીમાં પ્રવેશતું નથી. જ્યારે મહીસાગરનું મુખ પહોળુ હોવાથી પાણી અંદર સુધી આવે છે. તેથી અમાસના દિવસો ભરતીમાં પાણી ઉપરની તરફ આવી જાય છે તેવું પર્યાવરણવાદીઓનો મત છે.

અમદાવાદ-વડોદરા સહિતના ઉદ્યોગોના પોલ્યૂશન લોડની માહિતી GPCB પાસે નથી
જીપીસીબીએ ક્યારેય અમદાવાદ, વડોદરા, પાનોલી, ઝઘડિયા દહેજ, ખંભાતના ઉદ્યોગોનું ખંભાતના અખાતમાં કેટલું પ્રદુષિત પાણી ઠલવાય છે, ક્યા કેમિકલ ઠલવાય છે તેની જાણકારી નથી રાખી, જેને લીધે પોલ્યૂશન લોડ કેટલો છે તેની માહિતી નથી તેમજ સરકાર મહીસાગરના પ્રદુષણનો રિપોર્ટ જાહેર કરવામાં અચકાય છે એમ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું.

તમામ તજ્જ્ઞોને એકત્ર કરીને મિટિંગ કરીશું
જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘હજી સુધી કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો નથી. કમિટી જલ્દીથી રિપોર્ટ સબમિટ કરશે. આ ઉપરાંત સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી સહિતના તમામ તજજ્ઞોની એક મીટિંગ પણ આગામી ટૂંક સમયમાં યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...