મેયર કેયુર રોકડિયાએ શનિવારે દબાણોના કારણે પાલિકાનો માથાનો દુઃખાવો બનેલા મંગળબજાર અને લહેરીપુરા દરવાજા નજીકના વિસ્તારમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જેના પગલે દબાણકર્તા સહિત ગ્રાહકોમાં દોડધામ મચી હતી. દબાણશાખાએ સ્થળ પરથી 5 ટ્રક સામાન અને બે કોન્ક્રીટ મિક્સર જપ્ત કર્યા હતા. જોકે મેયરે દબાણો દૂર કરાવ્યા બાદ સાંજે ફરી કેટલાક પથારા લાગી જતાં સ્થિતિ જૈસે થે જેવી થઈ હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં તમામ દાવેદારોએ શક્તિ પ્રદર્શન શરુ કર્યું છે.
મેયરે દબાણો હટાવવા સૂચના આપતાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી. જેને પગલે મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં નાસભાગ મચી હતી. રોડ પર મૂકાયેલા દબાણો હટાવાય તે પહેલાં જ દબાણશાખાએ તેને કબજે કરતા વેપારીઓ-ટીમ વચ્ચે ખેંચતાણ થઇ હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે જેસીપી ચિરાગ કોરડીયા, ડીસીપી અને એસીપી સહિતનો કાફલો સ્થળે દોડી ગયો હતો.
મેયર અને મ્યુ.કમિશનરે વેપારીઓને દબાણ ન કરવા સૂચના આપી હતી. મેયર મંગળબજાર બાદ દૂધવાળા મહોલ્લા તરફ પહોંચ્યા હતા. જ્યાં ન્યાયમંદિર કોર્ટ બહાર પાર્ક કરેલા વાહનો હટાવવા જણાવ્યું હતું. જોકે દૂધવાળા મહોલ્લા તરફ લારી-ગલ્લાનાં દબાણ અને પથ્થર ગેટ સાઇકલ બજારમાં ન જતાં ચર્ચા થઇ હતી. ફેરિયાઓએ પણ પાલિકાની આવી નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો.
દબાણ શાખાની ટીમ મોડી પડી જતાં મેયર જાહેરમાં અકળાયા
સરપ્રાઈઝ વિઝિટ કરવા પહોંચેલા મેયર કેયુર રોકડિયા અને પાલિકાના કાફલાને જોઈ દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી હતી. કેટલાક લારીધારકો લારી લઈ ભાગતા મેયરે લારી રોકી હતી. જોકે દબાણશાખાની ટીમ નહિ હોવાથી મેયરે લારી છોડવી પડી હતી. આ સમયે ત્યાં હાજર એંક્રોચમેન્ટ અધિકારી પર મેયર ગીન્નાયા હતા અને તાત્કાલિક સ્ટાફ બોલાવવા જણાવ્યું હતું.
કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસેના પાર્કિંગનાં દબાણો પણ ત્વરિત હટાવી દેવાં જોઈએ
વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને જણાવ્યું હતું કે, ભરઉનાળે લારીગલ્લા અને પથારાઘારકોની રોજગારી ન છીનવવી જોઈએ. ચૂંટણી પૂર્વે ટીકીટ મેળવવાની ઘેલછામાં પોતાની કાર્યક્ષમતા બતાવવા કોઈની રોજગારી ન છીનવી લેવાય. દબાણો હટાવવા હોય તો કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગમાં થયેલા દબાણો, વરસાદી કાંસ, વિશ્વામિત્રી નદીના પટમાં દબાણો હટાવવા જોઈએ.
ટેમ્પામાં જપ્ત કરેલો માલ વેપારીઓ લઈ ગયા
દબાણશાખાએ 5 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. જોકે દબાણ શાખાની કામગીરીથી નારાજ દબાણકર્તાઓ ટ્રક પર ચઢી ગયા હતા અને કેટલોક સામાન ઉતારી લઈ ગયા હતા. દબાણશાખાનું ધ્યાન જતા જ તેઓએ ટેમ્પા પરથી સામાન લેવા ચઢેલા યુવકોને ઉતાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.