તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં પરિણીતા પર ત્રાસ:'વહુ ક્યારેય દીકરી બની શકે નહીં, તું મારી દીકરી નથી' તેમ કહીને સાસુએ પુત્રવધૂને 2 વર્ષની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી

વડોદરાએક મહિનો પહેલા
  • લગ્ન બાદ દહેજ માટે પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયરે પરિણીતા પર ત્રાસ ગુજાર્યો
  • 6 વર્ષના લગ્નજીવન બાદ પરિણીતાએ 6 સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

'વહુ ક્યારેય દીકરી બની શકે નહીં, તું મારી દીકરી નથી' પત્નીના વિરોધી બની ગયેલા દીકરાને પોતાના વશમાં કરી પરિણીતાને ત્રાસ આપી રહેલા પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બે વર્ષની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકાયેલી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દહેજ ભુખ્યા સાસરીયાએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરાની યુવતી ધાનવી(નામ બદલ્યુ છે)નું લગ્ન વર્ષ-2015માં લક્ષ્મીપુરા રોડ પર રહેતા સુપ્રિયો ભુનીયા સાથે થયું હતું. લગ્ન બાદ ધાનવી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન સમયે ધાનવીના પરિવારજનોએ 7 તોલા સોનું સહિત વિવિધ ચિજવસ્તુઓ દહેજમાં આપી હતી. પરંતુ, દહેજ ભુખ્યા સાસરીયાને દહેજમાં મળેલી ચિજવસ્તુઓથી સંતોષ ન થતાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

લગ્ન બાદ દહેજ માટે પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયરે પરિણીતા પર ત્રાસ ગુજાર્યો(પ્રતિકાત્મક તસવીર)
લગ્ન બાદ દહેજ માટે પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયરે પરિણીતા પર ત્રાસ ગુજાર્યો(પ્રતિકાત્મક તસવીર)

પિયરમાંથી નાણાં લાવવા સાસરીયા દબાણ કરતા હતા
ધાનવી અન સુપ્રિયોનું લગ્નજીવન થોડા સમય સુધી સાંસારીક જીવન સારું પસાર થયું હતું. ત્યાર બાદ પતિ, સાસુ, સસરા, નણંદ અને દીયરે ધાનવી ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. સાસરીયાઓ ધાનવીને કહેતા હતા કે, તારા પિતાએ લગ્ન સમયે કશું આપ્યું નથી. મારા દીકરાની જિંદગી ખરાબ કરી નાખી છે. તું કાળી છે. કાળી યુવતીનું અમારા ઘરમાં કામ નથી. તેવા મહેણાં ટોણાં મારીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. અવાર-નવાર પતિ તથા સાસરીયા ધાનવી પર પિયરમાંથી નાણાં લઇ આવવા માટે દબાણ કરતા હતા. અને ધાનવી પિયરમાંથી નાણાં લાવવાનો ઇન્કાર કરે તો તેની મારઝૂડ કરતા હતા.

યુવતીના પિતાનું સાસુ અને નણંદે અપમાન કર્યું
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સાસુ પતિની ચઢામણી કરીને ત્રાસ અપાવતા હતા. એ તો ઠીક સાસુ કહેતા હતા કે, વહુ ક્યારેય દીકરી બની શકે નહીં, તું મારી દીકરી નથી. ધાનવી પતિના નોકરી-ધંધાર્થે સુરત રહેવા ગયા હતા. ત્યાં પણ સાસુ અને નણંદ જતા હતા. અને પતિની ગેરહાજરીમાં ધાનવીને ત્રાસ આપતા હતા. ધાનવીના પિતા સુરત મળવા ગયા હતા, ત્યારે સાસુ અને નણંદે અપમાન કર્યું હતું. ધાનવીના પિતાએ જમાઇને બદલે દીકરો(સુપ્રિયો) ક્યાં છે. તેમ પૂછતા ધાનવીના સાસુએ ધાનવીના પિતાને જણાવ્યું કે, મારો દીકરો તમારા ઘરનો જમાઇ છે. દીકરો કહીને બોલાવવો નહીં. તેમ જણાવી ધાનવીને લઇ જવા માટે જણાવ્યું હતું.

પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક તસવીર)
પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક તસવીર)

સાસરીયાએ પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, ધાનવીના પિતા સુરત ગયા ત્યારે સાસુ અને નણંદે જણાવ્યું કે, તમારી દીકરીને સારી રીતે રાખવી હોય તો તેના માટે ગાદલા, તકીયા, ચાદર મોકલી આપો. નહીં તો તમારી દીકરીને ભોંયતળીએ જ સુવાનો વખત આવશે. દીકરીના સુખ માટે પિતાએ તુરંત જ ગાદલા, તકીયા, ચાદર વિગેરે લઇ આપ્યા હતા. દીકરી સુખીથી રહે તે માટે પિતાએ તમામ માગ પૂરી કરવા છતાં સાસરીયાએ ત્રાસ આપવાનું બંધ કર્યું ન હતું અને આખરે પરિણીતા ધાનવીને તેની બે વર્ષની દીકરી સાથે પિયરની વાટ પકડાવી દીધી હતી.

પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
6 વર્ષનું લગ્ન જીવન સફળ ન થતાં આખરે ધાનવીએ પતિ સુપ્રિયો તેમજ સાસુ, સસરા, નણંદ અને દીયર સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.