વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બની રહેલા બનાવોને પગલે વ્યાજખોરો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે વડોદરાના કરજણ અને જરોદ પોલીસ મથકમાં બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કરજણમાં ઓટો ગેરેજના સંચાલક પાસેથી રૂપિયા 6 લાખ મૂડી સામે વ્યાજખોરે 10 ટકા વ્યાજ પ્રમાણે 20 લાખ વસુલ કર્યા હોવા છતાં, ધમકી આપી વધુ રકમ માંગી રહ્યો હોવાનો ગુનો દાખળ થયો છે.
નાણાંની જરૂરીયાત ઉભી થઇ હતી
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, કરજણ જુના બજારમાં આવેલી 2, વૃંદાવન સોસાયટીમાં સંતોષકુમાર રાધેશ્યામ તિવારી પરિવાર સાથે રહે છે અને કરજણ શિવકૃપા હોટલવાળા ગેરેજ નામે વ્યવસાય કરે છે. તા.1-2-2016માં તેઓની નાણાંની જરૂરીયાત ઉભી થઇ હતી. આથી કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં રહેતા અને ગેરકાયદે ધીરધારનો ધંધો કરતા હુસેનભાઇ મુસાભાઇ સરનારીયાએ તેઓને પ્રતિ માસ 10 ટકાના વ્યાજે રૂપિયા 6 લાખ આપ્યા હતા.
ગેરેજમાંથી સામાન ઉઠાવી ગયો
રૂપિયા 6 લાખ વ્યાજે આપનાર હુસેન સરનારીયાએ ગેરેજના સંચાલક સંતોષકુમાર તિવારી પાસે સેફ્ટી માટે બે બેંકોના કોરા ચેક સહી કરાવીને લઇ લીધા હતા અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હતી. પાંચ માસ પહેલાં હુસેન વ્યાજની ઉઘરાણી માટે સંતોષકુમારના ગેરજમાં પહોંચી ગયો હતો. અને ગેરેજમાં ટ્રક રીપેરીંગ માટે લાવેલ રૂપિયા 3,50,000ની કિંમતનો સામાન બળજબરીથી પોતાની કારમાં ભરીને રવાના થઇ ગયો હતો. અને તે સામાન રૂપિયા 2,50,000 માં વેચીને વ્યાજની વસુલાત કરી હતી.
કરજણ પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ ઉપરાંત હુસેને ગેરેજ સંચાલક સંતોષકુમાર તિવારીને ધાકધમકી આપીને માર પણ માર્યો હતો. અને સંતોષકુમાર પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર હુસેનભાઇને રૂપિયા 18 લાખ આપવાના છે તેવું લખાણ લખાવી લીધું હતું. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વ્યાજખોર હુસેને ગેરેજ સંચાલક સંતોષકુમાર તિવારી પાસેથી રૂપિયા 6 લાખની મૂડીની સામે રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા. આમ છતાં વ્યાજખોર હુસેન ધાકધમકી આપી નાણાં વસુલી રહ્યો છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર હુસેન સરનારીયાએ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રકમ ચૂકવી દીધી છતાં, વ્યાજની ઉઘરાણી
આ ઉપરાંત જરોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામમાં રહેતા ઐયુબભાઇ દાઉદભાઇ પટેલે આણંદ જિલ્લાના આંકલાવ ગામમાં રહેતા રાજુ પટેલ પાસેથી વર્ષ-2016-17માં મરઘાના વેચાણના બાકી રૂપિયાનો હિસાબ કરતા આશરે રૂપિયા 40 લાખ આપવાના હતા. અને તે રકમ ઐયુબભાઇ પટેલે ચૂકવી પણ દીધી હતી. પરંતુ, રાજુ પટેલ અવાર-નવાર ઐયુબભાઇના ઘરે આવતો હતો અને વ્યાજની રકમ માટે ઉઘરાણી કરતો હતો. સાથે ધાકધમકી આપતો હતો. જરોદ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.