તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટના એંધાણ:આજવા સરોવરમાંથી 48 કલાકમાં જ 14 લાખ લોકોને ચાલે તેટલું 30 કરોડ લિટર પાણી ઘટ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 14 દિવસમાં આજવા સરોવરની સપાટી 0.50 ફૂટ ઘટી હતી, છેલ્લા 2 દિવસમાં 0.10 ફૂટનો ઘટાડો
  • સંગ્રહ ઘટ્યો : આજવા સરોવરમાં કાંપ જમા થતાં સંગ્રહ શક્તિમાં પણ 20 ટકાનો ઘટાડો થયો
  • બાષ્પીભવન: હાલમાં ગરમીનો પારો 33થી 35 ડિગ્રી થઇ જતાં પાણીનું બાષ્પીભવન વધ્યું
  • આવક બંધ : વરસાદ ખેંચાતાં આજવા સ્રાવ વિસ્તારમાંથી થતી પાણીની આવક બંધ થઇ ગઇ
  • રોજિંદા પાણી વિતરણ ઉપરાંત વધારાનો જથ્થો ઘટતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ

આજવા સરોવરમાં 48 કલાકમાં 14 લાખ લોકોને એક દિવસ ચાલે તેટલું 30 કરોડ લિટર પાણી ઘટી ગયું છે. છેલ્લા 1 મહિનામાં આજવામાંથી 1300 એમ.એલ.ડી પાણી ઓછું થઈ ગયું છે. 15 સપ્ટેમ્બર સુધી વરસાદ ન થયો તો પીવાના પાણીની ગંભીર સમસ્યાં સર્જાઈ શકે છે. 23 ઓગષ્ટના રોજ આજવાની સપાટી 206.30 ફૂટ હતી જે 25 ઓગષ્ટના રોજ 206.20 ફૂટ થઈ ગઈ હતી. આમ 48 કલાકમાં આજવાની સપાટીમાં 0.10 ફૂટનો ઘટાડો નોંધાયો હતો. અગાઉ 14 દિવસમાં આ ઘટાડો માત્ર 0.50 ફૂટનો હતો.

શહેરને હાલમાં દરરોજ 550 મીલીયન લીટર પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જેમાં 150 એમએલડી પાણી આજવામાંથી અપાય છે. સામાન્ય રીતે 15 ઓગષ્ટ સુધી આજવા સરોવરની જળસપાટી 212 ફૂટ રાખવાની હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ ઓછો વરસતા આજવાની સપાટી 25 ઓગષ્ટે પણ 206.20 ફૂટ નોંધાઈ છે. 130 વર્ષ જુના આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 7 લાખ લોકોને રોજ 150 એમએલડી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

આજવા સરોવરની કુલ સંગ્રહ ક્ષમતા 2240 એમ.સી.એફ.ટી એટલે કે 30 હજાર મીલીયન લીટર પાણીની છે. અને હાલમાં 1111 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. આજવા સરોવરમાંથી ગ્રેવીટીથી પાણી લેવામાં આવે છે. આજવા સરોવરની 205 ફૂટ સુધી ગ્રેવીટી થી પાણી લઈ શકાય છે. આ સંજોગોમાં 25 જુલાઈના રોજ આજવા સરોવરની સપાટી 206.55 ફૂટ હતી જે હાલમાં 206.20 ફૂટે પહોચી છે. અને તેના કારણે આજવા સરોવરની જળ સંગ્રહ ક્ષમતામાં 48 એમસીએફટી એટલે કે 1300 મીલીયન લીટર પાણીનો ઘટાડો થયો છે.

છેલ્લા 48 કલાકમાં આજવા સરોવરની સપાટી 206.30 ફૂટથી ઘટીને 206.20 ફૂટ થઈ છે અને તેના પગલે 300 મીલીયન લીટર પાણીનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં નર્મદા કેનાલ પર નિર્ભર રહેવુ પડશે.

2017-18માં સપાટી 203 ફૂટે પહોંચી હતી
પાણીપુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2017-18માં વરસાદ ન વરસતા આજવાની સપાટી 203 ફૂટે પહોચી ગઈ હતી. ત્યારે શહેરીજનોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે નર્મદામાંથી પાણી લેવું પડ્યું હતું. રૂલ મુજબ 15 ઓગષ્ટ સુધી આજવા સરોવરની જળસપાટી 212 ફૂટ રાખવાની હોય છે. ત્યારે ત્રણ વર્ષ બાદ આજવાની જળસપાટી 212 ફૂટ રાખી શકાઈ ન હતી.

આગામી સપ્તાહ સુધી વરસાદ વરસવાની સંભાવના નહિવત્
શહેરમાં એક સપ્તાહ સુધી વરસાદ વરસવાની કોઈ સંભાવના નથી.વરસાદની ગતિવિધીઓ બંધ થઈ જતા ગરમીનો પારો વધી રહ્યો છે. બુધવારના રોજ ગરમીનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.ગુરૂવારના રોજ પણ ગરમીનો પારો 34 ડિગ્રી જ રહેવાની સંભાવના છે. શહેરમાં બુધવારના રોજ દિવસ દરમિયાન વાતાવરણમાં વાદળોની આવ-જા રહી હતી.પરંતુ વરસાદ વરસ્યો ન હતો. હવામાન શાસ્ત્રીઓના મતે 31 ઓગષ્ટ સુધી તો વડોદરામાં વરસાદની કોઈ ગતિવિધી નોંધાવાની નથી. જ્યારે શહેરમાં વાદળો ન હોવાથી ભેજનું પ્રમાણ પણ 80 ટકા થી નીચું રહે છે.

અન્ય સમાચારો પણ છે...