મોન્સૂનમાં માથાકૂટ:અડધો ઇંચ વરસાદમાં જ દાંડિયાબજાર સહિતના 5 વિસ્તારમાં પાણીનો ભરાવો, જિલ્લામાં 6 રસ્તા બંધ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોન્સૂન કામગીરીમાં તંત્રની બેદરકારીના પગલે નજીવા વરસાદમાં રોજ નવા સ્થળે પાણી ભરાતાં રહીશોમાં રોષ
 • શહેરમાં વરસાદ મોડો શરૂ થયો છતાં કાંસ-ગટરની યોગ્ય સફાઈ ન કરાઈ
 • આખો દિવસ ઉઘાડ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ : આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

વડોદરામાં સોમવારના રોજ મોડી સાંજે અડધો કલાક વરસેલા વરસાદમાં જ દાંડિયાબજાર સહિત કુલ 5 વિસ્તારો જળબંબોળ થઈ જતાં રહીશો પરેશાન થઈ ગયા હતા. વરસાદી કાંસ અને ગટરની યોગ્ય સફાઈ ન કરવામાં આવતાં ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. શહેરીજનોના મતે ચાલુ વર્ષે ચોમાસું પણ બે મહિના મોડું શરૂ થયું છે તેવામાં તંત્ર પાસે પ્રિ મોન્સૂન કામગીરી માટે પૂરતો સમય હતો, તેમ છતાં અડધો ઈંચ વરસાદમાં શહેરની સ્થિતિ બદતર થઈ જાય છે.

સોમવારે બપોરના સમયે તડકો નીકળ્યો હતો. તે પછી અચાનક સાંજના 5 વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ સાંજના 5:30 વાગ્યાથી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. 6 વાગ્યા સુધીમાં શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે આ વરસાદમાં શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

જેમાં ચાર દરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં અડધા કલાકમાં પાણીનો ભરાવો થઈ જતાં રાહદારીઓ પણ રસ્તો બદલીને બીજા રસ્તે જવા મજબૂર બન્યા હતા. ચાર દરવાજા વિસ્તારમાં પાણી જવાની કાંસ પર દબાણો વધી જવા ઉપરાંત યોગ્ય સફાઈ ન થતી હોવાથી પાણીનો ભરાવો થાય છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ પણ ભારે વરસાદની વકી છે.

આ રસ્તાઓ બંધ

 • પાદરા-કોટણા એપ્રોચ રોડ : કોઝવે પરથી પાણી ફરી વળ્યાં
 • ધનીયાવી-હાસજીપુરા : ઢાઢર નદીનું પાણી ખેતરો અને રસ્તા પર ફરી વળ્યું
 • ડભોઈ તાલુકો
 • દાંગીવાડા-નારણપુરા
 • કરાલીપુરા-નારણપુરા
 • ગોઝાલી-કરાલીપુરા
 • કરાલીપુરા-પ્રયાગપુરા

​​​​​​​આ વિસ્તારોમાં પાણી ભરાયાં
​​​​​​​બહુચરાજી રોડ, દાંડિયાબજાર,, મચ્છીપીઠ, નવાબજાર, ચાર દરવાજા વિસ્તાર

​​​​​​​17મી સુધી 75 થી 125 મિમી વરસાદની વકી
લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન જે મંગળવારના રોજ ઉત્તર ગુજરાત,કચ્છ આસપાસ હતું, તે હવે દક્ષિણ ગુજરાત અને સંલગ્ન પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો આસપાસ રહેલું છે. જ્યારે મોનસુન ટ્રફ લો પ્રેશરના કેન્દ્રમાંથી ડીપ ડિપ્રેશનના કેન્દ્ર સુધી જોડાયેલો છે. આ પરિબળોની અસર હેઠળ 17 સપ્ટેમ્બર સુધી 75 થી 125 મીમી વરસાદ વરસી શકે છે. - અંકિત પટેલ, હવામાન શાસ્ત્રી

48 કલાક વરસાદનું પાણી ભરાઈ રહ્યાં બાદ માંડ પાણી ઊતર્યું
​​​​​​​શહેરના પૂર્વ વિસ્તારોમાં આજવા રોડ, વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં 48 કલાક સુધી પાણી ભરાઈ રહેતાં રહીશો ત્રસ્ત થઈ ગયાં હતાં. તેવામાં રવિવારના રોજ મોડી સાંજે માંડ પાણી ઊતર્યા હતા. ત્યાંં સોમવારના રોજ સાંજે ધોધમાર વરસાદ વરસતાં પૂર્વ વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા.

જિલ્લામાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં ડાયવર્ઝન અપાયું
છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસતા વડોદરા, પાદરા અને ડભોઈ તાલુકાના 6 રસ્તાઓ પર પાણી ફરી વળતા આ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. જ્યારે તંત્ર દ્વારા વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરી ડાયવર્ઝન આપ્યાં છે. પંચાયત વિભાગના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના જણાવ્યા અનુસાર, પાદરા તાલુકાનો 1, વડોદરા તાલુકાનો 1 અને ડભોઈ તાલુકાના 4 મળીને કુલ 6 રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરામાં 6 ઈંચ, પાદરામાં 7 ઈંચ અને ડભોઈમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ડભોઈના દાંગીવાડા, નારણપુરા સહિતના ગામોને જોડતા રસ્તાઓ પર ઢાઢર નદીના પાણી ફરી વળતા આ રસ્તાઓ બંધ થઈ ગયાં છે. આ તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોચી છે. જેમાં રસ્તાઓ પર ડાયવર્ઝન કરવામાં આવતા વાહનોને 5 થી 10 કિમી ફરીને જવું પડી રહ્યું છે. જ્યારે કુદરતી આફત હોવાથી પાણી ઉતરતા જ આ રસ્તાઓ ખુલી શકશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે. કલેક્ટર આર.બી.બારડના જણાવ્યા અનુસાર, શહેરમાં 15મી સુધી ભારે વરસાદની આગાહીને પગલે કર્મચારીઓને સતર્ક રહેવાની સૂચના આપી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...