તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ગોત્રીમાં 15 વર્ષની કિશોરીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં એક જ દિવસમાં આત્મહત્યાના બે કિસ્સા
  • બીલમાં રહેતી 2 સંતાનની માતાનો ફાંસો ખાઈ આપઘાત

શહેરના ગોત્રીના શિવમનગર રહેતી 15 વર્ષની કિશોરીએ મકાનમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે બિલની વ્રજવાટીકા સોસાયટીમાં 2 સંતાનોની માતાએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ગોત્રી વિસ્તારમાં શિવમનગરમાં રહેતી 15 વર્ષની કિશોરી તેની માતા સાથે તેના બનેવીને ઘરે રહેતી હતી. પિતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી માતા અને પુત્રી અનેક જગ્યાએ ઘરકામ કરતાં હતાં. રવિવારે સાંજે માતા ઘરકામ કરવા બહાર ગયાં હતાં તે સમયે ઘરે કિશોરી એકલી હતી. તેણે મકાનમાં ઓઢણી વડે ગળેફાંસો ખાધો હતો.

સાંજે નીચેના માળે રહેતી મોટી બહેન ઉપરના માળે બહેનને બોલાવવા ગઈ હતી. જોકે તેણીને ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા તેઓએ બુમરાણ મચાવી હતી. ઘટનાની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા કિશોરીએ આપઘાત કેમ કર્યો તે જાણવા મળ્યું નથી.

જ્યારે બીજા બનાવ અનુસાર શહેરના બીલ ગામની વ્રજવાટીકા સોસાયટીમાં રહેતા વિરલભાઈ પટેલ મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની કાજલબેન અને બે બાળકો છે. સોમવારે વિરલભાઈ સવારે નોકરી પર ગયા હતા. તેઓએ બપોરે ઘરે પત્નીને ફોન કર્યો હતો. જોકે પત્ની કાજલબેને ફોન રિસીવ કર્યો ન હતો. તેથી વિરલભાઈએ તેમના પાડોશીને ફોન કરી વાત કરાવવા કહેતાં પાડોશી તેમના ઘરે ગયા હતા. જ્યાં કાજલબેનને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેઓ ચોંકી ઊઠ્યા હતા.

પાડોશીએ આ અંગે વિરલભાઈને જણાવતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓએ કયાં કારણોસર આ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...