લૂંટ:ગોત્રીમાં બાઇક પર રોંગ સાઇડે આવી 2 ગઠિયા નર્સનો અછોડો લૂંટીને ફરાર

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મકરંદ દેસાઇ રોડ પર મહિલા ઇવનિંગ વોક પર નીકળી હતી
  • પોલીસે 4 કલાકમાં એક લૂંટારાને પકડ્યો, બીજો બીજા દિવસે સવારે પકડાયો

ગોત્ર મકરંદ દેસાઈ રોડ પર ઇવનિંગ વોકમાં નીકળેલી મહિલાનો 1 લાખની કિંમતનો અછોડો તોડી બે ગઠિયા બાઈક પર ફરાર થયા હતા. ગોત્રી પોલીસે 4 કલાકમાં એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા આરોપીને ડીસીબીએ પકડ્યો હતો.

મકરંદ દેસાઈ રોડ અંશુ બંગ્લોમાં રહેતાં મમતાબેન આશુતોષભાઈ રાવલ એસએસજીમાં સ્ટાફ નર્સ છે, જ્યારે તેમના પતિ એલએન્ડટી નોલેજ સિટીમાં મેનેજર છે. તેઓ શનિવારે મકરંદ દેસાઈ રોડ પર ખોડિયાર ડેરીથી આગળ એટીએમ સામેથી પસાર થતાં હતાં ત્યારે રોંગ સાઈડે બાઈક પર 2 ગઠિયા આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા આરોપીએ તેમની સોનાની સાડા ત્રણ તોલાની ચેન તોડી રાણેશ્વર તરફ ભાગી ગયા હતા. ચેન તૂટતાં તેમના ગળામાં ઇજા થઈ હતી. બીજી તરફ ગોત્રી પોલીસના પીઆઈ એમ.કે.ગજ્જર અને ટીમે ઘટના સ્થળે લોકો પાસેથી માહિતી મેળવી તપાસ કરી હતી.

દરમિયાન પોલીસે બાતમીના આધારે જૂના પાદરા રોડ જીઇબી સ્કૂલ સામે રહેતા અને કૂકર રિપેરિંગ કરતા અછોડાતોડ દિલીપ રમણભાઈ વાદી (સલાટ)ને હાલોલથી ઝડપી પાડ્યો હતો, જ્યારે બાઈક ચલાવનાર રાહુલ પ્રવીણ રાઠોડ (જૂના પાદરા રોડ)ને ડીસીબીએ પકડ્યો હતો.ડીસીપી ઝોન-2 અભય સોનીએ જણાવ્યું કે, પોલીસે આખી રાત મહેનત કર્યા બાદ બંને પકડાતાં રાહત થઇ હતી.ઘટના બની ત્યારે સોસાયટીના છોકરાઓએ બાઈક સવારોનો વીડિયો બનાવી લીધો હતો. બંનેએ મોઢા પર માસ્ક કે કશું રાખ્યું ન હતું, જેથી બંનેના ચહેરાના ફોટા શહેર પોલીસમાં મોકલી દેવાયા હતા.

પોલીસ 50 ફૂટ દૂર હતી ત્યારે રાહુલ બાઈક રોડ પર મૂકી અંધારામાં ઝાડીમાં છુપાઈ ગયો
અછોડો તૂટવાની ઘટનાના પગલે ગોત્રી પોલીસે બાઈકનો નંબર મેળવી માલિકને શોધી નાખ્યો હતો. બાઈક માલિકે જણાવ્યું હતું કે, રાહુલ રાઠોડ 2 કલાક પહેલાં મારી બાઈક લઇ ગયો હતો. હે.કો. ભૂપેન્દ્રસિંહે બાઈક પર રાહુલનો પીછો કર્યો હતો. તેમની બાઈક 50 ફૂટ દૂર હતી ત્યારે રાહુલ રોડ પર બાઈક મૂકી અંધારાનો લાભ લઇ ઝાડીમાં અદૃશ્ય થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ડીસીબી પોલીસ પણ તપાસમાં લાગી હતી. રાહુલ અંધારામાં ભાગી ગયો છે તેવી જાણ થતાં ડીસીબીએ તેના પિતાને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. તે પછી વહેલી સવારેે રાહુલ હાજર થયો હતો.
અછોડો તોડી દિલીપ હાલોલ પહોંચી ગયો

દિલીપ જૂના પાદરા રોડ પર જીઇબી સ્કૂલની સામે રહે છે, તેવી જાણ થતાં પોલીસ તેના રહેઠાણ પર પહોંચી હતી. જ્યાં તેનો ભાઈ મળતાં તેની કડક રાહે તપાસ કરતાં તેણે કહ્યું કે, દિલીપ હાલોલ ગયો છે. જેથી પોલીસ હાલોલ પહોંચી હતી અને હાલોલ નજીકના ગામે રહેતા તેના કાકાના ઘેરથી દિલીપ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...