અતિભારે વરસાદે તબાહી મચાવી:બોડેલીમાં 22 ઇંચ વરસાદથી ઘરવખરી પાણીમાં તણાઈ, મહિલાઓએ કહ્યું: 'અમે રાતથી ભૂખ્યાં છીએ, કોઈ જોવા આવ્યું નથી, મદદ કરો'

બોડેલી3 મહિનો પહેલા
  • લોકોનો અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો
  • છોટાઉદેપુર જિલ્લામાં 5700 લોકોનું સ્થળાંતર, 369 લોકોને રેસ્ક્યૂ કરાયા
  • ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવેટ્રેક ધોવાઈ જતાં આજે ટ્રેન સેવાઓ બંધ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બોડેલીના રજાનગરનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. એને પગલે લોકો તંત્ર પાસેથી મદદની રાહ જોઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યારસુધીમાં 5700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વડોદરાથી ફાયરબ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદ રોકાયો છે, પરંતુ અતિભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટે પાયે નુકસાન થયું છે.

અમારી પાસે ખાવાની કોઈ વસ્તુ નથી
સ્થાનિક મહિલા ઉર્મિલાબેને જણાવ્યું હતું કે પાણીમાં બધી વસ્તુઓ તણાઈ ગઈ છે. અમારી પાસે ખાવાની કોઈ વસ્તુ નથી. અમે રાતના ભૂખ્યા છીએ. સરકાર અમને કંઇક સહાય કરે. અમારી પાસે અનાજ કે કપડાં નથી. અમને કોઈ જોવા નથી આવ્યું. અમે નાનાં-નાનાં બાળકો સાથે રસ્તા પર આવી ગયાં છીએ. અમારાં બાળકો પણ ભૂખ્યાં છે.

બોડેલીના રજાનગર સહિતના વિસ્તારોમાં લોકોનો સામાન પાણીમાં પલળી ગયો.
બોડેલીના રજાનગર સહિતના વિસ્તારોમાં લોકોનો સામાન પાણીમાં પલળી ગયો.

સરકાર અમારી મદદ કરે
સ્થાનિક મહિલા રતનાબેને જણાવ્યું હતું કે અમારું બહુ મોટું નુકસાન થયું છે. ખાવા-પીવાનું, કપડાં સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. અમારી એક જ માગ છે કે અમારી નુકસાનીની ભરપાઈ કરી આપો. અન્ય એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દર વખતે વોટ લેવા આવી જાય છે, અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે, કોઈ જોવા આવે છે? અમારું અનાજ પાણીમાં પલળી ગયું છે. અમને સુવિધા કરી આપે એવી અમારી સરકાર સમક્ષ માગ છે.

ભારે વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ભારે વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

5700 લોકોનું સ્થળાંતર કરાયું
છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. બોડેલીમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં હતાં, જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સૂકીભઠ્ઠ જિલ્લાની ઔરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. ભારે વરસાદને કારણે માર્ગો તૂટી જવાને કારણે વ્યવહાર બંધ થયો હતો, જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે.

લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે.
લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે.

ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવેટ્રેક ધોવાઈ જતાં આજે ટ્રેન સેવા બંધ

  • 09108 એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09110 એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09109 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09113 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર ટ્રેન રદ
  • 02947 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ડભોઈ સુધી ટૂંકાવી, ડભોઈ-એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ
લોકો તંત્ર પાસથી મદદથી રાહ જોઈને બેઠા છે.
લોકો તંત્ર પાસથી મદદથી રાહ જોઈને બેઠા છે.

છોટાઉદેપુરમાં પાણી ફરી વળતાં અનેક ગામો કપાયાં
બોડેલીના દીવાન ફળિયા અને ઢોકલિયાના રજાનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં હોવાથી NDRF અને પોલીસની ટીમોએ મળીને 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સોસાયટી, દુકાનોમાં પાણી ફરી વળ્યાં હતાં. બોડેલી, અલીપુરા ચોકડી અને છોટાઉદેપુર રોડ પરની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. નદીના પાણી ફરી વળતાં અનેક ગામો કપાયાં હતાં.

ભારે વરસાદને કારણે દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ છે.
ભારે વરસાદને કારણે દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ છે.

નસવાડીનાં 12 ગામ સંપર્કવિહોણાં
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં. જોકે SDRFની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

બોડેલીમાં SDRFની સાથે સાથે પોલીસ પણ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાઈ હતી.
બોડેલીમાં SDRFની સાથે સાથે પોલીસ પણ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાઈ હતી.

ચાણોદમાં નર્મદા નદી બે કાંઠે, મલ્હારરાવ ઘાટનાં 28 પગથિયાં ડૂબ્યાં
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતાં તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકને કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટનાં 28 જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયાં છે. છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદી-નાળાં છલકાઈ ગયાં છે.

અતિભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે.
અતિભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે.

ક્વાંટ અને બોડેલીનો સંપર્ક કપાયો
કવાંટમાં ધોધમાર 17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદ વરસતાં નગરના માર્ગો નદીમાં ફેરવાયા હતા અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. કવાંટના નસવાડી રોડ પર આવેલાં ઘરોમાં પાણી ભરાયાં હતાં, અતિભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતાં કવાંટનો નસવાડી તેમજ બોડેલી સાથેનો સંપર્ક કપાયો હતો. પાવીજેતપુરમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં નગરમાં તેમ જ તાલુકાનાં ગામડાંમાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવેટ્રેક ધોવાઈ જતાં આજે ટ્રેન સેવાઓ બંધ કરાઈ.
ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવેટ્રેક ધોવાઈ જતાં આજે ટ્રેન સેવાઓ બંધ કરાઈ.

આગામી 5 દિવસ મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં અત્યારે મોન્સૂન એક્ટિવ છે, જેને પગલે રાજ્યભરમાં 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ, ઓડિશા નજીક ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગળ વધતાં એની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. એની સાથે જ ભેજયુક્ત વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. નવસારી, વલસાડ અને સુરત તથા જૂનાગઢ તેમજ કચ્છ વિસ્તારમાં બે દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

બોડેલીના અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલાં છે.
બોડેલીના અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલાં છે.
લોકોનો અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે.
લોકોનો અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો સામાન પાણીમાં પલળી ગયો છે.

(અહેવાલઃ મિતેશ પટેલ, પાવીજેતપુર)

અન્ય સમાચારો પણ છે...