ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી ત્રાહિમામ:ભણિયારા ગામમાં આધેડ શ્રમિકને ભૂંડે 24 બચકાં ભર્યાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી લોકો પરેશાન થઇ ગયા છે
  • ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

શહેરના હાલોલ રોડ પર ભણિયારા ગામમાં ભૂંડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. રવિવારે ગામમાં નજીક ખેતરમાં મજૂરી કરવા ગયેલા આધેડને ભૂંડે શરીરે 24 જેટલાં બચકાં ભર્યાં હતાં. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના હાલોલ રોડ પર ભણિયારા ગામે 45 વર્ષના નટુભાઈ નાગજી રાઠોડિયા રહે છે. તેઓ ભૂપેન્દ્રભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરે છે. રવિવારે તેઓ ખેતરમાં આંટો મારવા ગયા હતા, જેમાં અચાનક એક ભૂંડ તેઓની પાછળ દોડ્યું હતું.

ખેતરમાં ડાંગર વાવી હોવાથી ભાગી રહેલા નટુભાઈ રાઠોડિયા ખેતરમાં પડી ગયા હતા. જેના પગલે ભૂંડે તેઓને હાથ, પીઠ, કપાળ તેમજ શરીરના અન્ય ભાગો પર 24 જેટલાં બચકાં ભર્યાં હતાં. જેમાં તેઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, ભણિયારા ગામમાં મોટી સંખ્યામાં ભૂંડ અને નીલ ગાયનો ભારે ત્રાસ છે. લોકો ખેતરમાં જતાં પણ ડરી રહ્યા છે. આ અંગે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...