બેદરકાર કોર્પોરેશન:વડોદરાના અટલાદરામાં વરસાદી પાણી ઓસરતા જ નથી ને ગટરો ઉભરાય છે, લોકો ત્રાહિમામ

વડોદરા12 દિવસ પહેલા
અટલાદરામાં નિલકંઠ રેસીડેન્સી બહાર ભરાયેલા પાણી.

શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાવી સમસ્યા સર્જાઇ રહી છે, ત્યારે હવે અટલાદરા વિસ્તારમાં આવેલ નિલકંઠ રેસિડેન્સીની બહાર ભરાતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ પાણીનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અટલાદરાની નિલકંઠ રેસિડેન્સીની મહિલાઓ પાણી ભરાવાથી ત્રાહિમામ.
અટલાદરાની નિલકંઠ રેસિડેન્સીની મહિલાઓ પાણી ભરાવાથી ત્રાહિમામ.

એક સપ્તાહથી પાણી ઓસરતા નથી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ પ્રિમોન્સુન કામગીરી કરી દેવામાં આવી હોવાની વાતો કરાઇ હતી. જો કે શહેરમાં સામાન્ય વરસાદ થાય તો પણ અનેક જગ્યાએ પાણી ભરાય છે અને અનેક દિવસો સુધી પાણી ઉતરતા નથી. આવી જ સમસ્યા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ નિલકંઠ રેસિડેન્સી પાસેના મુખ્ય રોડની છે. જ્યાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી પાણી ભરાઇ રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનની પોલ ખુલ્લી પાડી હતી. તેમજ જો પાણીનો નિકાલ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે અટલાદરા વિસ્તારની મુલાકાત લઇ સ્થિતિ નિહાળી.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે અટલાદરા વિસ્તારની મુલાકાત લઇ સ્થિતિ નિહાળી.

કોર્પોરેશન કહે છે ઉઘાડ નિકળે એટલે આવીશું
અટલાદરમાં આવેલ નિલકંઠ રેસિડેન્સીમાં રહેતી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, છેલ્લા 21 દિવસથી અહીં પાણી ભરાઇ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને સ્થાનિક કોર્પોરેટર પર મુલાકાત કરીને જતાં રહ્યા. પરંતુ હજું પણ અહીં પાણી ઓસર્યું નથી. અહીં વરસાદની સાથે સાથે ગટર ઉભરાવાને કારણે આ સમસ્યા સર્જાઇ છે. અહીંથી પસાર થતાં અનેક વાહનચાલકોને પાણીમાંથી વાહન પસાર કરવા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહનચાલકો તો પાણીમાં પડી જાય છે. કોર્પોરેશન દ્વારા માત્ર એટલો જ જવાબ આપવામાં આવ્યો છે કે ઉઘાડ નિકળશે એટલે આવીશું.

અટલાદરાના પ્રમુખ વાટિકા ટેનામેન્ટમાં પણ પાણી ભરાવાની સમસ્યા.
અટલાદરાના પ્રમુખ વાટિકા ટેનામેન્ટમાં પણ પાણી ભરાવાની સમસ્યા.

અન્ય સોસાયટીમાં પણ પાણીનો ભરાવો
અટલાદરાની અન્ય એક સોસાયટી પ્રમુખ વાટિકા ટેનામેન્ટના ગેટ અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. આ પાણી ન ઉતરતા સ્થાનિકો પરેશાન છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી.