આકારણી રજિસ્ટર પ્રસિદ્ધ:દોઢ વર્ષે નવાં 7 ગામને કોઈ સુવિધા નહીં છતાં રું.28 કરોડના વેરાની ઉઘરાણી શરૂ

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાયલી સહિત 7 ગામની 47 હજાર મિલકતના બિલ આપવાનું શરૂ

દોઢ વર્ષ અગાઉ ગ્રામજનોના વિરોધ વચ્ચે 7 ગામોનો પાલિકામાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ હવે પાલિકા દ્વારા આકારણી રજિસ્ટર પ્રસિદ્ધ કરી 47 હજાર મિલકતોના વેરાબીલ આપવાનું શરૂ કરાયું છે. હજી સુધી 7 ગામોમાં એક પણ નવાં કામો થયાં નથી છતાં 28 કરોડનો વેરો વસૂલવાની તૈયાર કરાતાં ભારે રોષ ફેલાયો છે.

પાલિકામાં 2020ના જૂનમાં વેમાલીનો વહીવટી વોર્ડ 2માં, બિલનો વહીવટી વોર્ડ 6, ઉંડેરા અને કરોડિયાનો વોર્ડ 10,ભાયલી અને સેવાસીનો વહીવટી વોર્ડ 11 અને વડદલાનો વહીવટી વોર્ડ 12માં સમાવેશ કરાયો છે. દોઢ વર્ષ થવા છતાં એક પણ વિકાસનાં કામો નહિ થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે સુવિધા મળી જ નથી તેનો વેરો ભરવા બિલ આપવાની તજવીજથી વિવાદ થવાની વકી છે.

વિકાસની આશા ઠગારી, પાલિકાને માત્ર આવક જોઈએ છે
પંચાયત જે સેવા આપતી હતી તેના પર જ અમે નિર્ભર છીએ. પાલિકાને માત્ર આવક જોઈએ છે. શહેરમાં સમાવેશ કરાયો છે ત્યારથી 1 રૂપિયાનું કામ બિલ ગામમાં થયું નથી. - જય ભટ્ટ, પૂર્વ સરપંચ, બીલ

  • મુખ્ય પ્રશ્ન વરસાદી પાણીનો નિકાલ-ડ્રેનેજ લાઈનનો છે. રજૂઆતો છતાં પગલાં નથી લેવાયાં. - વિજય ચાવડા, પૂર્વ સરપંચ, કરોડિયા
  • ગાયોનો ત્રાસ વધ્યો છે અને કચરો લેવા માટે કોઈ આવતું નથી.માત્ર સ્ટ્રીટ લાઈટનું કામ દેખાય છે.- દર્પણ પટેલ, પૂર્વ સરપંચ, ભાયલી
  • પંચાય અમારા ગામમાં કોઇ સુધારો થયો નથી જે સ્થિતિમાં હતું એ જ છે. વરસાદની સિઝન બાદ ગામમાં મચ્છરોનો ભારે ત્રાસ છે પરંતુ કોઈ ફોગિંગ કરવા અાવતું નથી. - હર્ષાબેન, પૂર્વ સરપંચ, સેવાસી ગામ
અન્ય સમાચારો પણ છે...