રાહત:એક જ દિવસમાં 121 વિસ્તારો રેડમાંથી ઓરેન્જ ઝોનમાં ફેરવાયા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં ઝડપભેર વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે મંગળવારે એક જ દિવસમાં 121 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.

25 એપ્રિલથી 6 જુલાઇ સુધી  કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતાં પાલિકા દ્વારા 74 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. બપોરે જાહેર કરેલી યાદીમાં 1 મેથી 7 જુલાઈ દરમિયાન કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતાં 47 રેડ ઝોન વિસ્તારને ઓરેન્જ ઝોનમાં મૂકાયા હતા. રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં પરિવર્તિત કરવામાં આવેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 33 વિસ્તારો, પૂર્વ ઝોનના 31, પશ્ચિમ ઝોનના 27, ઉત્તર ઝોનના 26 વિસ્તારોનો સમાવેશ થાય છે. જે વિસ્તારોમાંથી ઓરેન્જ મૂકાયા છે, તેમાં બાપોદ, વાઘોડિયા રોડ, આજવા રોડ, હરણી-વારસિયા રિંગ રોડ, યાકુતપુરા, અકોટા, તાંદલજા, ગોત્રી, કારેલીબાગ, હરણી રોડ, બાવામાનપુરા, વાડી, દંતેશ્વર, મકરપુરા, માજલપુર, નવીધરતી, સલાટવાડા, વારસિયા, યાકુતપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

 વધુ 101 લોકો કોરોનામુક્ત જાહેર કરાયા

કોરોનાની સારવાર લેતાં વધુ 101 લોકોને મંગળવારે કોરોનામુક્ત જાહેર કરાયા હતા. આ દર્દીઓ પૈકી 13ને ગોત્રી અને એસએસજીમાંથી અને 79ને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે 9 દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્ત જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં 1991 દર્દીઓને સાજા જાહેર કરાયા છે. જ્યારે 100 કરતાં વધુ એક જ દિવસમાં સાજા થયા હોય તેવું શહેરમાં ચોથીવાર બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...