ફરિયાદ:20 દિવસમાં પાલિકાએ માત્ર 422 ઢોર રોડ પરથી પકડ્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબરમાં 1065, નવેમ્બરમાં 744 ઢોર પકડાયાં હતાં
  • પાલિકાનો આરંભે શૂરા જેવો ઘાટ,158 પોલીસ ફરિયાદ

શહેરને ઢોર મુક્ત કરવાના અભિયાનનું ફરી એક વખત સુરસુરિયું થઇ ગયું છે અને ચાલુ મહિનાના 20 દિવસમાં માત્ર 422 ઢોર પાલિકા પકડી શકી છે અને 158 કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આરંભે શૂરા જેવો ઘાટ પાલિકાની ઢોર પાર્ટીએ કર્યો છે અને ઓક્ટોબર મહિનામાં રોડ પરથી 1065 ઢોર પકડવાનું શુરાતન બતાવનારી પાલિકા નવેમ્બર મહિનામાં 744 ઢોર પકડી શકી હતી અને ઝુંબેશ શરૂ થઈ ત્યારથી આજદિન સુધીમાં કુલ 2231ઢોર પકડાયા છે તો તેની સામે 272 ઢોર છોડીને દંડ પેટે 12.38 લાખ રૂપિયાની કમાણી કરવામા આવી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે વડોદરામાં રોડ પર રખડતા ઢોરો અંગે મેયરના શાબ્દિક કાન આમળતા પહેલા મહિનામાં સપાટો બોલાવનાર પાલિકાની ઢોર પાર્ટી નવેમ્બર મહિનમાં મંદ પડી હતી અને ઓક્ટોબર મહિનામાં 1065 ઢોર પકડનારી પાલિકા નવેમ્બર મહિનામાં જાણે વેકેશનના મૂડમાં હોય તેમ 744 ઢોર પકડી શકી છે.

વડોદરામાં રખડતાં પશુઓનો પ્રશ્ન ગંભીર બનતા ઢોર પકડવાની કામગીરી વડોદરા પાલિકાએ તા. 1 ઓક્ટોબરથી વેગવંતી બનાવી હતી અને 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીમાં 1065 ઢોર પકડી લેનારી ઢોર પાર્ટી નવેમ્બર મહીનામાં 744 ઢોર એટલે કે 321 ઢોર ઓછા પકડી શકી હતી.એસ આર પી બંદોબસ્ત માટે પણ કાગડોળે રાહ જોતી પાલિકાએ શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તે રીતે પહેલા મહિને શૂરાતન બતાવી દેનાર તંત્ર બીજા મહિનામાં પાણીમાં બેસી ગયું હતું અને હજી તેની કળ વળી નથી.

બીજી તરફ બે મહિના અને 20 દિવસ સુધીમાં જેટલા ઢોર પકડાયા હતા તેમાંથી દંડ ભરીને 272 ઢોર દંડ ભરીને છોડાવી ગયા છે.અત્રે નોંધનીય છે જે નાઈટ શિફ્ટમાં ઢોર પકડવાની કવાયત માત્ર વડોદરામાં જ ચાલે છે પણ અમદાવાદ અને સુરતમાં ઢોર પાર્ટીની એક ટીમમાં 24 સભ્ય છે તો વડોદરામાં માત્ર 13 સભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...