ધાર્મિક:16 દિવસમાં ચાણોદ તીર્થમાં 15 હજારથી વધુ શ્રાદ્વની વિધ કરાઈ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશથી અનેક શ્રદ્ધાળુઓ ચાણોદ પહોચ્યાં
  • નર્મદા તટે નારાયણબલી શ્રાદ્વ, ત્રિપિંડી શ્રાદ્વ, મહાલય શ્રાદ્વ કરાયા

હિંદુ પંચાગ અનુસાર, ભાદરવા મહિનામાં ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી આ મહિનામાં જ શ્રાદ્વ આવતા હોય છે. જેથી ભાદરવા મહિનામાં પિતૃઓના શ્રાદ્વ અને તર્પણનું વિધાન છે. જ્યારે વડોદરા જિલ્લાના દક્ષિણપ્રયાગ તિર્થ ચાણોદ-કરનાળીમાં શ્રાદ્વનો વિશેષ મહિમાં રહેલો છે. જ્યાંશ્રાદ્વના દિવસોમાં રોજની 800 થી 1 હજાર વિધી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી.

એક અંદાજ મુજબ ચાણોદ તીર્થ ક્ષેત્રે શ્રાદ્વના 16 દિવસમાં 15 હજારથી વધુ શ્રાદ્ધ વિધી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હોવાનું ચાણોદ બ્રહ્મ સમાજના પ્રમુખ સી.પી.શાસ્ત્રી એ જણાવ્યું હતું. 21 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા શ્રાદ્વ પક્ષ 6 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસની તિથીથી પુર્ણ થયા હતાં. ચાલુ વર્ષે 27 સપ્ટેમ્બરનો દિવસ પડતર હતો. શ્રાદ્વના દિવસોમાં પોતાના પૂર્વજો અને સ્વજનોની શ્રાદ્વ વિધી માટે સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજયમાંથી પણ અનેક શ્રધ્ધાળુઓ ચાણોદ આવી પહોચ્યાં હતાં.

ઉલ્લેખનિય છે કે, ચાણોદ ખાતે પિતૃઓના 16 શ્રાદ્વ અને દર અમાસના દિવસે તર્પણ પિંડદાન કરી પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે લોકો ચાણોદ આવે છે. આ તીર્થક્ષેત્રમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નારાયણબલી શ્રાદ્વ, ત્રિપીંડી શ્રાદ્વ, મહાલય શ્રાદ્વ તથા મૃત્યુ પછીની શ્રાદ્વાદિક ક્રિયા પણ શાસ્ત્રોક્ત વિધી અનુસાર સંપન્ન કરવામાં આવે છે. શ્રાદ્વ માટે તિર્થભૂમીનું ખૂબ મહત્વ રહેલું હોવાનું શાસ્ત્રી નયન જોષીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય તીર્થક્ષેત્ર ચાણોદને દક્ષિણ પ્રયાગ પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...