પ્રેમલગ્ન કરવાનું ભારે પડ્યું:વડોદરામાં અફેરમાં પતિએ સંમતિ વિના જ પત્નીનો ગર્ભપાત કરાવ્યો, જબરજસ્તી ગોળીઓ ખવડાવતા કેન્સર થયું

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ સંમતિ વગર ગર્ભવાત કરાવી દીધો હોવાનો પત્નીનો ફરિયાદમાં આક્ષેપ

20 વર્ષ પહેલાં 10 વર્ષ મોટા અને બીજવર સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરનાર પતિ સામે પરિણીતાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પતિએ સંમતિ વગર ગર્ભવાત કરાવી દીધો હતો અને ઊંઘની જબરદસ્તી ગોળીઓ ખવડાવતાં બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીના મુખમાં ધકેલી દીધી હતી. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સાથે પ્રેમસંબંધ બંધાતાં લગ્ન કર્યા
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિગત એવી છે કે રાવપુરા વિસ્તારમાં રહેતી પલ્લવી (નામ બદલ્યું છે) 20 વર્ષ પૂર્વે અમદાવાદી પોળ સરદાર ભુવનના ખાંચામાં દુકાન ચલાવી ગુજરાન ચલાવતી હતી. દરમિયાન તેને તેની દુકાન સામે ઓફિસ ધરાવતા મુકેશ સાથે આંખો મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ પરિવારજનોની સંમતિથી સાદાઇથી લગ્ન કરી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી.

યુવાને પહેલાં લગ્નની વાત છુપાવી હતી
ફરિયાદમાં જણાવ્યું છે કે પલ્લવીને ખબર હતી કે મુકેશ તેનાથી 10 વર્ષ મોટો છે, પરંતુ, તેને મુકેશના બીજા લગ્ન છે એની ખબર નહોતી. મુકેશે પોતાના પ્રથમ લગ્ન છુપાવીને પલ્લવી સાથે લગ્ન કર્યા હતા. પલ્લવીને જ્યારે મુકેશના બીજા લગ્ન છે એવી જાણ થતાં ચોંકી ઊઠી હતી. જોકે તેની પાસે સાંસારિક જીવન જીવવા સિવાય બીજો કોઇ માર્ગ નહોતો. આથી તે મુકેશ સાથે જીવન જીવી રહી હતી. દરમિયાન પલ્લવી ગર્ભવતી બની હતી.

પત્નીની સંમતિ વિના પત્નીનો ગર્ભપાત કરાવ્યો
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મુકેશને હું ગર્ભવતી હોવાની જાણ થતાં તેણે ડોક્ટર સાથે મળી મારા(પલ્લવી)ના બાળકનો વિકાસ થયો નથી, એમ જણાવી ગર્ભપાત કરાવી દીધો હતો. એ તો ઠીક, મુકેશે પત્નીને જબરદસ્તી ઊંઘની ગોળીઓ ખવડાવતો હતો. વધુપડતી ઊંઘની ગોળીઓ ખાવાને કારણે પલ્લવી જીવલેણ બ્લડ કેન્સરનો ભોગ બની હતી, પરંતુ તેણે કેન્સરને માત આપી હતી. એ બાદ મુકેશે પલ્લવીથી પીછો છોડાવવા માટે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું.

પતિને પરસ્ત્રી સાથે આડાસંબધો હતા
પલ્લવી સાથે પતિ મુકેશ દ્વારા થતા ઉપેક્ષાભર્યા વર્તન અને વલણને કારણે પલ્લવી ત્રાસી ગઇ હતી. દરમિયાન પલ્લવીને ખબર પડી કે મુકેશને અન્ય મહિલા સાથે આડાસંબંધ છે અને તેની સાથે અનૈતિક સંબંધો રાખે છે. દરમિયાન પલ્લવીએ પતિ મુકેશને અન્ય મહિલા સાથેના સંબંધ અંગે પૂછતાં પતિ મુકેશે જણાવ્યું હતું કે "હું તને પત્ની તરીકે રાખવાનો નથી. તું મને ગમતી નથી. મારે તેની સાથે લગ્ન કરવાના છે. તું માર્ગમાંથી ખસી જા. તમે માતા-પિતાની સેવા-ચાકરી માટે લાવ્યો છું. તું ઘરની નોકરાણી છે', જેઠ પણ પતિને સહકાર આપી રહ્યા છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી
પલ્લવીએ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન સમયે પરિવારે પતિને સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા 1 લાખનું કરિયાવર આપ્યું હતું. જે પરત ન આપતાં મને ઘરમાંથી કાઢી મૂકી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ મુકેશ સાથે સાંસારિક જીવન શક્ય ન જણાતાં પરિણીતા પલ્લવીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એ સાથે તેણે કોર્ટમાં ભરણપોષણ માટે પણ પતિ સામે દાવો કર્યો છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...