ખનિજ ચોરી:વડોદરાના દોડકા ગામે સાદી માટીનું ગેરકાયદે ખનન ઝડપ્યું, 2 હિટાચી મશીન અને 2 ટ્રક મળી ₹ 65 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા19 દિવસ પહેલા
ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ગેરકાયદે ખોદકામ ઝડપી પડાયું
  • સરકારી જમીનમાંથી માટી ખનીજના ખોદકામની પરમીટની મુદત પૂરી થઈ હતી
  • ખાનગી કંપનીના પેટા કોન્ટ્રાક્ટર દ્વારા માટી ખોદીને વહન કરાતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી

ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા વડોદરા તાલુકાના દોડકા ગામે સરકારી પડતર જમીનમાંથી સાદી માટી ખનિજનું ગેરકાયદે ખોદકામ અને વહન ઝડપીને ફરજ પરસ્તીની દેવ દિવાળી ઉજવી હતી. હિટાચી મશીનો અને ટ્રકોનો અંદાજે રૂ.65 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બાતમીના આધારે કાર્યવાહી
આ સરકારી જમીનમાંથી માટી ખનીજના ખોદકામની પરમીટની મુદત પૂરી થઈ ગઈ હતી એવી જાણકારી આપતાં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું કે, તેમ છતાં ખાનગી કંપનીના પેટા કોન્ટ્રાક્ટર દ્વારા માટી ખોદીને વહન કરવામાં આવી રહ્યાંની બાતમી મળી હતી.

એક્સપ્રેસ-વે માટે માટી ખોદીને નખાતી હતી
બિન અધિકૃત ખનન કરનારાઓ સાવધ ન થઈ જાય તે માટે કચેરીની ટીમે સરકારી વાહન ને બદલે ખાનગી વાહનમાં ઘટના સ્થળે જઈને દરોડો પાડ્યો હતો. તે સમયે ત્યાં ખોદકામ માટેના બે હિટાચી મશીન અને સાદી માટી ખનીજ ભરેલી બે ટ્રકો ઝડપાઈ હતી. અહીંથી ગેરકાયદે માટી ખોદીને પેટા કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં નિર્માણ હેઠળના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કામ માટે ઠાલવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદના પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ખનન થતું હતું
હિટાચી મશીનો અને ટ્રકોનો અંદાજે રૂ.65 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બિન અધિકૃત કામગીરી એલ.એન્ડ ટી.કંપનીના પેટા કોન્ટ્રાક્ટર અમદાવાદના પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. તેના અનુસંધાને ઉચિત કાયદાકીય કાર્યવાહી ખાણ અને ખનીજ વિભાગે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...