પુરવઠાના દરોડા:કાર્યવાહીની ગંધ આવતાં ગેરકાયદે બાયોડીઝલ પંપને તાળાં મારી દીધા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા હાઈવે પર બાયોડીઝલ પંપના સંચાલકો બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. - Divya Bhaskar
કડોદરા હાઈવે પર બાયોડીઝલ પંપના સંચાલકો બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
  • મુખ્યમંત્રી દ્વારા ગેરકાયદે વેચાણને અટકાવવા આદેશ
  • 20 પૈકી 14 પંપ બંધ, 6 ખુલ્લા મળતાં નમૂના લઇ કન્ટેનર સીઝ કરાયા

વડોદરા જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં વેચાઈ રહેલા ડુપ્લિકેટ બાયોડીઝલને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આદેશ અપાયો છે. વડોદરા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 20 બાયોડીઝલ પંપ પર રવિવારે મોડી રાતે દરોડો પાડી 6 પંપ પરથી નમુના લીધા હતા, જ્યારે રેડની ગંધ આવી જતા 14 પંપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. બીજી તરફ પેટ્રોલિયમ ડિલર્સે ‘નો પરચેસ’ આંદોલન પાછુ ખેંચ્યું છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં વેચાઈ રહેતા ડુપ્લિકેટ બાયોડીઝલને અટકાવવા માટે સોમવારના રોજ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિઅેશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી દ્વારા વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં વેચાઈ રહેલા ડુપ્લિકેટ બાયોડીઝલના વેચાણને અટકાવવા દરેક જિલ્લાના પુરવઠા વિભાગને સૂચના આપી છે.

બીજી તરફ વડોદરા પુરવઠા તંત્ર દ્વારા રવિવારે મોડી રાતે જિલ્લાના મોટાભાગે હાઈવે પર આવેલા 20 જેટલા બાયોડીઝલના પંપ પર રેડ કરી હતી. જેમાં 14 પંપના સંચાલકોને રેડ અંગે ગંધ આવી જતા તેઓ પંપ બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે 6 પંપ ખુલ્લા મળતા બાયોડીઝલના કન્ટેનરમાંથી નમુના લઈને તે કન્ટેનરને સીઝ કરવામાં આવ્યાં હતાં. જ્યારે નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે.

વડોદરામાંથી જ સરકારને દર મહિને રૂ. 1.75 કરોડનું નુકસાન સેન્ટ્રલ ગુજરાત પેટ્રોલ-ડીઝલ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં જ દર મહિને 5 લાખ લિટર જેટલું આ ઈંધણ વેચાતા વેટ અને એક્સાઈઝની ચોરી થતા સરકારને ફક્ત વડોદરામાંથી જ રૂ.1.75 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી રૂ.50 થી રૂ.70 કરોડનું નુકસાન જાય છે. જેના પગલે પેટ્રોલ-ડીઝલ ડિલર્સ એસોશીયેશન દ્વારા વડોદરા કલેક્ટરને અગાઉ પણ રજુઆત કરાઈ હતી.

બાયોડીઝલમાં પામ ઓઇલ અને અન્ય કેમિકલનું મિશ્રણ વધુ પ્રદૂષણ ફેલાવે છે
ડો.અરૂણ આર્ય, નિવૃત HOD એન્વાયરમેન્ટલ સાયન્સએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ જ્યારે પુરૂ થઈ જશે ત્યારે શું? તેના બાદ બાયોડીઝલ જે જેટ્રોફા, કરંટ જેવી જંગલમાં ઉગતી વનસ્પતિમાંથી ઈંધણ બનાવી તેનો ઉપયોગ કરવાનું વિચારાયું હતું. જેમાં આણંદ કૃષિ યુનિ. દ્વારા જેટ્રોફાના છોડમાંથી બાયોડીઝલ બનાવાયું.પરંતુ આણંદમાં બાયો ડીઝલનો પંપ હોવાથી તે યોગ્ય રીતે વેચાણ થતું ન હતું. બીજી તરફ જેટ્રોફા અને કરંજની ખેતી પડતર જમીનમાં કરવા માટે સરકારનો પ્લાન હતો. પરંતું તેમાં ધારી તેવી સફળતા મળી નથી. બીજી તરફ હાલ જે બાયોડીઝલના પંપ છે. જો તેમાં પામઓઈલ કે અન્ય પ્રકારનું કેમિકલ ભેગુ થતું હોય તો તે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. જે ડીઝલ અને પેટ્રોલ થી વધુ પ્રદુષણ ફેલાવે છે.

અન્ય સમાચારો પણ છે...