સંશોધન:IIT મદ્રાસે વધુ આયુ ધરાવતી બેટરી બનાવી, તેમાં વડોદરાનો યુવક પણ સામેલ; 6 મહિનામાં કોમર્શિયલ ઉત્પાદન માટે તૈયાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝીંક એર બેટરી વિકસાવનારા આઈઆઈટી મદ્રાસની ટીમમાં રાહુલ કાપડિયા (છેક જમણે) - Divya Bhaskar
ઝીંક એર બેટરી વિકસાવનારા આઈઆઈટી મદ્રાસની ટીમમાં રાહુલ કાપડિયા (છેક જમણે)
  • ઝીંક એર બેટરી ફાસ્ટેસ્ટ ચાર્જ હોવાનો દાવો, ત્રણ વર્ષની મહેનત બાદ સફળતા

ઇ-વાહનોમાં ફિટ કરાતી લિથિયમ બેટરીથી વધુ લાંબી આવરદા ધરાવતી ઝીંક એર બેટરી આઇઆઈટી મદ્રાસની ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. લિથિયમ બેટરી કરતાં આ બેટરી ઝડપી ચાર્જ કરી શકાય છે અને તેમાં આગ લાગવાની શક્યતા પણ નહીંવત્ હોવાનો દાવો ટીમ દ્વારા કરાયો છે. સાથે જ આ બેટરી લિથિયમની તુલનામાં 40 ટકા સસ્તી પુરવાર થશે. જે નિષ્ણાતોની ટીમે આ બેટરી વિકસાવી છે એમાં વડોદરાનો ગુંજન કાપડિયા પણ સામેલ છે.

એમએસ યુનિ.માંથી કેમિકલ એન્જિનિયિરંગ ભણેલો બી.ટેક.નો વિદ્યાર્થી ગુંજન હાલ આઇઆઇટી મદ્રાસ ખાતે પ્રો. અરવિંદ ચંદીરનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.માં ઝીંક-એર બેટરીની ટેક્નોલોજી પર સંશોધન કરે છે. આ બેટરીની ખાસિયત એ પણ છે કે જેટલા કિલોવોટ લિથિયમ બેટરી ફિટ કરેલું વાહન ચાલે છે તેટલા જ કિલોવોટમાં આ બેટરી ફિટ કરેલું વાહન 50 ટકા વધુ અંતર કાપે છે. ગુંજન કાપડિયાને આ બેટરી સેફ કેવી રીતે બને તેના વિશેષ સંશોધનની કામગીરી અપાઇ હતી.

આ બેટરી વિશે વાત કરતા તેઓ કહે છે કે આ બેટરીની વિશેષતા એ છે કે તેમાં પાણી હોવાથી ગંભીર અકસ્માતના સંજોગોમાં પણ તેમાં આગ લાગતી નથી. એક ઘનમીટર વિસ્તારમાં લિથિયમ બેટરી જે ઊર્જાનો સંગ્રહ કરે છે તેના કરતાં 50 ટકા વધુ ઊર્જાનો આ બેટરીમાં સંગ્રહ થાય છે. હાલમાં લેબમાં આ બેટરી બનાવવાનો જે ખર્ચ અમને આવ્યો છે તેના કરતાં પણ વ્યાપારિક ઉત્પાદન થશે ત્યારે કોસ્ટિંગ હજુ નીચે આવશે. 6 મહિનામાં અમે વ્યાપારિક ઉત્પાદનની ક્ષમતા મેળવી લઇશું.

હાલમાં કિલોવોટ પ્રતિકલાકની બેટરી 250 ડોલરના ભાવે વેચાય છે, જ્યારે ઝીંક-એર બેટરી 100થી 150 ડોલરમાં બને છે. ત્રણ વર્ષથી સમગ્ર ટીમ 12થી 15 કલાક આ સંશોધન પાછળ કામ કરે છે, વીકલીઓફ સુદ્ધા લેવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે ગુંજન કાપડિયાએ 2019માં ગેટ પાસ કરી હતી. બેટરી ટેક્નોલોજીના આ સંશોધન માટેની પેટન્ટ પણ લેવામાં આવી છે.

આ બેટરી કામ કરવાની રીત અને તેને લગતી મહત્ત્વની બાબતો

  • હિયરિંગ એઇડ્સમાં ઝીંક-એર બેટરી વપરાય છે. આ બેટરી ઇલેક્ટ્રોનિકલી ચાર્જ કરવી પડે, જ્યારે આઈઆઈટી મદ્રાસે બનાવેલી બેટરીનું ચાર્જિંગ મિકેનિકલ છે.
  • આ બેટરીમાં ઝીંક અને હવાને મિક્સ કરીને પેદા થતી એનર્જીથી સર્કિંટને કરંટ મળે છે. આ ક્રિયામાં ઝીંકમાંથી ઝીંક ઓક્સાઈડ બને છે. જો તે વધે તો બેટરીની ક્ષમતા ઘટે.
  • ઝીંક ઓક્સાઈડની ટ્રે કાઢીને ઝીંક પાઉડરની ટ્રે સાથે રિપ્લેસ કરાતા બેટરી ફરી કાર્યરત થાય છે. ઝીંક ઓક્સાઈડમાંથી ઝીંક સરળતાથી મેળવી શકાય.
  • ઝીંક એર બેટરીની ખાસ સર્કિટ પણ આઇઆઇટી મદ્રાસમાં ડેવલપ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...