ભાસ્કર સ્ટિંગ:ટ્રાફિક જવાનોની વાહન છોડાવનારને ‘ઓફર’ પાવતી લેશો તો રૂ. 700 નહીંતર 500માં પતાવટ

વડોદરાએક મહિનો પહેલાલેખક: નીરજ પટેલ
  • કૉપી લિંક
  • નો પાર્કિંગમાંથી વાહન ઉઠાવ્યા બાદ ટ્રાફિક જવાનો-ક્રેઇનના માણસોનો ભ્રષ્ટાચાર
  • સયાજીગંજના મેદાનમાં ટ્રાફિક પોલીસ કર્મી વાહન છોડાવવાના રૂપિયા ગણી ખિસ્સામાં મૂકતો છુપા કેમેરામાં કેદ થયો
  • લાઇસન્સ નથી, ગાડીના કાગળ નથી, પીયુસી નથી.. બધું મળીને રૂ. 2500 દંડ થશે!

શહેર ટ્રાફિકના જવાનો અને ક્રેઇનના માણસોને જાણે ભ્રષ્ટાચાર કરવાની છૂટ મળી ગઈ હોય એ પ્રમાણેની કાર્યવાહીને કારણે શહેરીજનો હેરાન-પરેશાન થઈ ગયા છે. દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ટ્રાફિક વિભાગના સયાજીગંજ અને મોતીબાગ તોપ પાસેના મેદાનમાં વાહન ચાલકો પાસે પોલીસ કર્મીઓ પાવતી આપ્યા વગર રૂપિયા ઉઘરાવતા આબાદ ઝડપાયા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ઉપરી અધિકારીઓ આ વાતથી અજાણ છે કે મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું છે.

પાવતી જોઇતી હોય તો રૂા.700 અને પાવતી વગર રૂા.500માં પતાવટ : ટ્રાફિક પોલીસ
સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરતાં ટ્રાફિક પોલીસને રોકડી કરવાની મજા પડી ગઈ છે.શહેરમાં નાગરિકો નો પાર્કિંગમાં કે રસ્તામાં દ્વિચક્રી વાહનો મૂકીને ગયા બાદ ક્રેઇન તેમનાં વાહનો ઉપાડી જાય છે. ત્યારબાદ સયાજીગંજ પોલીસ ચોકીની સામે અને મોતીબાગ તોપ પાસેના મેદાનમાં લોકો વાહન છોડાવવા જાય ત્યારે પોલીસના જવાનો જ પાવતી જોઇતી હોય તો રૂા.700 અને પાવતી વગર રૂા.500માં પતાવટની ઓફર કરે છે.

ટ્રાફિક પોલીસ કર્મી રૂપિયા ખિસ્સામાં મૂકતો ઝડપાયો
દિવ્ય ભાસ્કરે છુપા કેમેરામાં કરેલા સ્ટિંગ ઓપરેશનમાં સયાજીગંજ પોલીસ મથકની સામેના મેદાનમાં ટ્રાફિક પોલીસ કર્મી પોતાના હાથમાં રૂપિયા લઈ ગણીને ખિસ્સામાં મૂકતો ઝડપાયો છે, જ્યારે મોતીબાગ પાસેના મેદાનમાંથી નીકળતી વાહન ચાલક મહિલાએ જણાવ્યું કે, મને પોલીસે કીધું કે પાવતી જોઈએ તો રૂા.700 અને પાવતી વગર રૂા.500 આપી દો તો વાહન પરત કરું.

આટલું મોટું કૌભાંડ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર હોઈ શકે?
મહિલાએ આખી ઘટના વર્ણવી હતી.ગણતરી પ્રમાણે ક્રેઇન દ્વારા ઉઠાવાતાં વાહનો પૈકી 40 ટકા વાહનોને દંડની પાવતી આપ્યા વગર રોકડી કરી ખિસ્સામાં મૂકી દેવાય છે, જે રકમ રોજની લાખોમાં થવા જાય છે. આટલું મોટું કૌભાંડ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં ન હોય એવી વાત ગળે ઊતરે એવી નથી.

કિસ્સો 1 - વાહન ચાલકને ટ્રાફિક જમાદાર મોટા દંડની બીક બતાવી રૂ. 500 લાંચ લે છે વાહન ચાલક : મારી ગાડી છોડી દો, ગયા અઠવાડિયે પણ મે દંડ ભર્યો છે. ટ્રાફિક જવાન: ભાઈ લાઇસન્સ નથી, ગાડીના કાગળિયા નથી, પીયુસી નથી એ બધું મળીને 2500 રૂપિયા દંડ થાય છે. વાહન ચાલક : સાહેબ મારી પાસે એટલા બધા રૂપિયા નથી, કંઈ સમજી લઈએ. ટ્રાફિક જવાન: શું સમજવાનું તને કીધું કેટલો દંડ થયું, હવે તું કહે એ સમજું વાહન ચાલક : સાહેબ મારે કોઈ પાવતી નથી જોઇતી, આ 500 આપું છું રાખો અને ટ્રાફિક જવાન 500 લે છે અને નોટો ગણીને પોતાના ખિસ્સામાં મૂકતો છુપા કેમેરામાં ઝડપાયો છે.

કિસ્સો 2 - નો પાર્કિંગમાં પેઇડ પાર્કિંગ કરી દઈ ત્યાં જ પોલીસ રૂપિયા લે તો દરેકને ફાવે પત્રકાર: બેન કેટલા આપ્યા? મહિલા: જવા દોને ભાઈ બધુ પતાવી દીધું બધું... પત્રકાર: પણ કેટલા રૂપિયા, દંડની પાવતી આપી? મહિલા: એમણે કીધું કે પાવતી જોઈતી હોય તો 700 અને પાવતી વગર 500 આપો. પત્રકાર: તો તમે શું કર્યું? મહિલા: આપડે પાવતી લઈને શું કામ, મેં તો 500 આપી દીધા. ખરેખર તો પોલીસે નો પાર્કિંગમાં પેઇડ પાર્કિંગ કરી દઈ ત્યાં રૂપિયા લે તો દરેક ને ફાવે.. પત્રકાર: પણ આ 500 રૂપિયા તો પોલીસના ખિસ્સામાં જાય ને ? મહિલા: હા એ તો છે જ પણ આપડે શું કરીએ, સરકારે સમજવું જોઈએ ને?

તમારે આ અંગે DCPનો સંપર્ક કરવો જોઈએ - ટ્રાફિક પોલીસ
શહેર ટ્રાફિક પોલીસ પશ્ચિમ વિભાગના એસીપી પીએન કટારિયાનો સંપર્ક કરી આ અંગે પ્રતિભાવ પૂછતાં જણાવ્યું કે, આ અંગે તમારે ડીસીપી જૂલી કોઠિયા સાથે વાત કરવી પડશે, એ જ તમને પ્રતિભાવ આપી શકશે. ડીસીપીનો સંપર્ક કરવાનો 2 વાર પ્રયત્ન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

અગાઉ કરાતી વીડિયોગ્રાફી શા માટે બંધ કરાઈ?
અગાઉ પોલીસ પર લાગતા આરોપોથી બચવા અને કેટલાં વાહનો ક્રેઇનથી લવાયાં, કેટલો દંડ વસૂલાયો તેના માટે વાહન ઉઠાવે એ સમયે વીડિયો ઉતારાતો હતો,જે બંધ કરાતાં લાંચિયા પોલીસ કર્મીઓને મજા પડી ગઈ છે.

ટ્રાફિક શાખામાં જવા લાગવગ લગાવતા હોવાની ચર્ચા
પહેલાં ટ્રાફિકમાં બદલી શિક્ષાત્મક કહેવાતી હતી. સરકારે દંડ બમણો કરતાં લોકો રૂા.500 આસાનીથી આપી દેતા હોવાથી લાંચિયા પોલીસ કર્મી સામેથી ટ્રાફિકમાં બદલી માટે લાગવગ લગાવતા હોવાની ચર્ચા છે.

​​​​

અન્ય સમાચારો પણ છે...