તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:RTOના વાહન-4માં ખોટા હેડમાં પૈસા ભર્યા તો હવે રિફંડ નહીં મળે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ તે કેવું ડિજિટલ ઇન્ડિયા? વાહન-4 સોફ્ટવેરમાં ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખજો, ભૂલ થઈ તો આરટીઓ પૈસા પાછા નહીં આપે
  • નવું સોફ્ટવેર લાગુ કર્યા બાદ અત્યાર સુધીમાં 15 હજારથી વધુ લોકોના પૈસા અટવાયા

લોકડાઉન બાદ આરટીઓની તમામ સુવિધા ઓનલાઇન કરાઇ છે ત્યારે વાહનને લગતી કામગીરી કરતા વાહન-4 સોફ્ટવેરમાં જો ખોટા હેડમાં પૈસા જમા થયા હોય અથવા અરજી કર્યા બાદ ફોર્મ રિજેક્ટ કરાવ્યું તો તે પૈસાનું રિફંડ મળતું નથી. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ફોર્મ ભરાયા બાદ ફોર્મ સમજી-વિચારીને ભર્યું છે અને રિફંડ જોઈતું નથી, તેવું ડેકલેરેશન સિલેક્ટ કરાયા બાદ જ પૈસા ભરી શકાય છે.

વડોદરા આરટીઓમાં વાહનને લગતી વિવિધ કામગીરીના રોજ 400 સ્લોટ છે, જે પૈકી 5 ટકા લોકો ફોર્મ ભરવામાં ગફલત કરે છે. વાહન-4 સોફ્ટવેર શરૂ કરાયા બાદ અત્યાર સુધી અંદાજે 15 હજાર લોકોના પૈસા અટવાયા છે. ટ્રાન્સપોર્ટ વિભાગ નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ સ્વીકારે છે. રૂા. 500 ઉપરના દરેક ટ્રાન્ઝેક્શનમાં રૂા. 7.68 કપાય છે, જ્યારે બેંક પણ સર્વિસ ટેક્સ કાપે છે. સરકાર દ્વારા 7.68 પરત કરવા માટેનો પરિપત્ર થયો છે, પરંતુ તેનો અમલ કરાતો નથી. શહેરમાંથી રોજની 800 અરજીમાં નેટ બેન્કિંગ થાય છે.

પીયુસીમાં પણ ખોટા હેડમાં રિફંડ નથી
પીયુસી સેન્ટરના લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે જો રિન્યૂઅલને બદલે નવા લાઇસન્સનું ઓપ્શન સિલેક્ટ થયું તો 3 હજાર રૂપિયા ખોટા હેડમાં જતા રહેશે. આ પૈસાનો રિપોર્ટ પણ મળતો નથી અને નવી અરજી કરવી પડે છે.

COT દ્વારા રિફંડનો પરિપત્ર થયો છે
વાહન-4માં ખોટી અરજીના રિફંડ માટે 18 મેના રોજ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, ગુજરાત સરકાર દ્વારા રિફંડ માટે પરિપત્ર કરાયો છે. દેશનાં અન્ય રાજ્યો માટે ખબર નથી. - એ.એમ.પટેલ, ઇન્ચાર્જ આરટીઓ, વડોદરા

એક્સપર્ટ વ્યૂ / રિફંડની પ્રક્રિયા જટિલ નહીં સરળ હોવી જોઈએ
ટ્રાફિક નિષ્ણાત સત્યેન કુલાબકરે કહ્યું હતું કે, રિફંડ દરેક નાગરિકનો અધિકાર છે. કામ કરાવે તેના પૈસા હોય છે. રેલવે પણ રિફંડ આપે છે. ઓનલાઇન સોફ્ટવેરમાં ત્રુટિ હશે તો રાજ્ય સરકારને રજૂઆત કરી દૂર કરાશે. રિફંડની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. જેથી દરેક માણસ રિફંડ માટે પ્રોસિજર કરે. 500 રૂપિયા પરત લેવા માટે જટિલ પ્રક્રિયા અને આખો દિવસ બગાડવાનું થતું હોય તો લોકો ટાળતા હોય છે.

કેસ 1ઃ 11 મહિનાથી રૂા.3.50 લાખ અટવાયા છે
ટુ વ્હીલરનો શોરૂમ ધરાવતા આરએસએ ઇનોવેટિવનાં 40 વાહનના ટેક્સના રૂા. 3.50 લાખ SBI બેંકમાંથી કપાયા, પરંતુ બ્રેઝર એમાં ન દેખાતાં 11 મહિનાથી પૈસા અટવાયાછે. - મનોજ પટેલ, કર્મચારી

કેસ 2ઃ ભરૂચને બદલે વડોદરા RTO સિલેક્ટ થયું
ભરૂચના વ્યક્તિને ટુ-વ્હીલર વેચ્યું, જેનું રજિસ્ટ્રેશન ભરૂચમાં કરાવવાને બદલે વડોદરા આરટીઓ સિલેક્ટ થયું હતું. વડોદરા આરટીઓ ઓફિસ ચેન્જ ના કરી આપે તો 750 રૂપિયા જાય. - મુકેશ સોની, વડોદરા

અન્ય સમાચારો પણ છે...