હેલ્પ લાઈન શરૂ:દારૂ પીતા પકડાવ તો પોલીસને પૈસા આપી ભ્રષ્ટાચાર ન કરશો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂબંધી મુક્તની માંગ કરતા ગ્રુપે હેલ્પ લાઈન શરૂ કરી
  • પીધેલા કે મહેફિલ માણતા પકડાવ તો ગ્રુપ મદદ કરશે

ગુજરાત રાજ્યને દારૂબંધીમાંથી મુક્ત કરવા માટે લાંબા સમયથી માંગ કરી રહેલા અને આ મામલે હાઈ કોર્ટમાં પણ લડાઈ લડી રહેલા વડોદરાના એક ગ્રુપ દ્વારા 24 કલાક કાર્યરત રહેતો હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પ્રોહિબીશન ફ્રી ગુજરાતની માંગ કરી રહેલા રાજીવ પટેલ અને સાથી યુવક-યુવતીઓનું માત્ર 25 લોકોનું ગ્રુપ આજે 19 હજાર સભ્યો ધરાવે છે. દેશના બંધારણે નાગરિકોને અભીવ્યક્તિની આઝાદી આપી છે, શું કરવું કે શું ના કરવું એ પસંદગીનો અધિકાર આપ્યો છે.

ત્યારે ગુજરાતમાં જ કેમ દારૂ બંધી છે, ગુજરાતીઓને કેમ પીવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે? એવા મુદ્દે આ ગ્રુપ લડાઈ ચલાવી રહ્યુ છે. ગુજરાતીઓ પોતાના ઘરમાં બંધ બારણે કેમ મેહફીલ માણી શકે? એવો સવાલ ઉઠાવી હાઈકોર્ટમાં પણ ન્યાય માટે આ ગ્રુપ પહોચ્યું છે. ત્યારે હાલમાં આ ગ્રુપ દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયો છે અને પીધેલા કે મહેફિલ માણતા પકડાય તો ફોન કરવાથી તાત્કાલિક મદદ માટે આ ગ્રુપ પહોંચી જશે એમ જણાવાયું છે.

ગ્રુપના અગ્રણી રાજીવ પટેલે જણાવ્યું છે કે, મોટાભાગના ગુજરાતીઓ વિદેશી દારૂ-બિયર પીતા હોય છે. પરંતુ કાયદાની જાણકારી નહિ હોવાથી પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ ગભરાઈ જાય છે અને પોલીસને મોટી રકમ ઓફર કરી છૂટવા ધમપછાડા કરે છે. પોલીસ પણ આવા સમયે જેલની બીક બતાવી 5 હજારથી માંડી લાખો રૂપિયાની લાંચ લઈ લે છે. ખરેખર તો દારૂ પીવો કે પીધા પછી પકડાઈ જવું એ કોઈ મોટો ગુનો નથી. ગણતરીની મિનિટોમાં પોલીસ મથકેથી જ જામીન મળી જાય છે.

એટલે ભ્રષ્ટાચારને પોષવો જોઈએ નહિ. કાયદાની મદદ લેવી જોઈએ. એવી જાગૃતિ નાગરિકોમાં ફેલાવા માટે આ હેલ્પ લાઇન શરૂ કરી હોવાનું રાજીવ પટેલે જણાવ્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે વડોદરા માટે શરૂ કરાયેલી આ હેલ્પ લાઇન આગામી દિવસોમાં રાજ્યભરમાં શરૂ થશે. અમારા ગ્રુપના સભ્યો રાજ્યભરમાં ફેલાયેલા છે. જે હેલ્પ લાઈન ઉપર ફોન કરનારને મદદ કરશે. આ હેલ્પ લાઇન નંબર 9898333311 ચોવીસ કલાક કાર્યરત રહેશે એમ તેમણે ઉમેર્યું છે.

અન્ય સમાચારો પણ છે...