વિવાદ:VCને મોબાઇલથી ડર લાગતો હોય તો મંગળ કે ચંદ્ર પર ઓફિસ શરૂ કરે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન પર પ્રતિબંધ અને ગનમેન રાખવા સામે સિન્ડિકેટ-સેનેટ સભ્યોમાં વિરોધ
  • છાત્રોમાં VCને આતંકી દેખાય છે,ડર લાગતો હોય તો રાજીનામું આપે : મયંક પટેલ

મ.સ. યુનિ.ના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે મુલાકાતીઓને ઓફિસમાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડેકેટ સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. જેમાં સંકલન સમિતિના જ નહીં સત્તાધારી પક્ષના સભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ વીસીએ ઓફિસ બહાર ગનમેન તૈનાત કર્યો છે, જેની સામે સભ્યોએ તીખી પ્રતિક્રિયા આપી છે.

સત્તાધારી પક્ષના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલે જણાવ્યું કે, મોબાઇલથી ડર લાગતો હોય તો મંગળ કે ચંદ્ર પર ઓફિસ શરૂ કરે, અહીંથી રાજીનામું આપે. રાજ્યની 16 યુનિવર્સિટીમાં આ એકમાત્ર એવા વીસી છે જેમણે ગનમેન પણ મૂક્યો છે. મારા મતે તેમને વિદ્યાર્થીઓમાં આતંકવાદી દેખાય છે. જ્યારે આ જ જૂથના અન્ય સિન્ડેકેટ સભ્ય દિનેશ યાદવે વીસીના આદેશને ફતવા તરીકે ગણાવતાં કહ્યું કે, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધ્ધાં કેબિનની બહાર ફોન મૂકાવતા નથી. સેનેટ-સિન્ડેકટ સભ્યોને પણ આ રીતે મળવાનું હોય તો તે દર્શાવે છે કે, વીસીને પોતાની ટીમ પર ભરોસો નથી.’ જ્યારે સંકલન સમિતિના સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું કે, વીસીને યુનિ.ના ગાર્ડિયન (વાલી)નો દરજ્જો અપાયેલો છે.

ગાર્ડિયન આવાં પગલાં ભરે તે ખોટો નિર્ણય છે, આ રીતે વિવાદ કરવો જોઇએ નહીં.’ સભ્યોએ એમ પણ જણાવ્યું કે, ખાનગી યુનિવર્સિટીમાંથી તેઓ આવે છે અને ત્યાં તેમની આસપાસ હજુરિયાની જેમ શિક્ષકો-કર્મચારીઓ ફરતા હોય છે. અહીં તેઓ ચૂંટાયેલા સભ્યો સાથે વહેવાર કરે છે જેમને કામ સિવાયની નિસ્બત હોતી નથી.

એક સિન્ડેકેટ-સેનેટ સભ્યે તો જણાવ્યું કે, વીસી એવા તો કયા વહીવટો કે ખોટાં કામ ઓફિસમાં કરે છે કે તે ફોન લાવવાની મંજૂરી આપતા નથી. સેનેટ-સિન્ડિકેટની બેઠકોમાં પોતે ફોન લઇને બેઠા હોય છે અને આવી મીટિંગમાં જ્યાં સંવેદનશીલ બાબતોની ચર્ચા થતી હોય છે ત્યારે ચાલુ મીટિંગે બહાર નીકળીને વાતો કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...