કરન્સી નોટમાં ગાંધીનો આત્મા નથી, હટાવી દો:'જો આ સરકાર નોટો પરથી બાપુનો ફોટો હટાવી દે તો હું આ સરકારનો ઋણી રહીશ, મારું તેમને સમર્થન': તુષાર ગાંધી

વડોદરા9 દિવસ પહેલા

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, જો આ સરકાર મહાત્મા ગાંધીના ફોટોને નોટો પરથી દૂર કરી દે, તો હું સરકારનું સમર્થન કરીશ.

ઇતિહાસ બદલવાની કોશિશ થઇ રહી છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દિવ્ય ભાસ્કરની વાતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવી છે, ત્યારે ઇતિહાસ બદલવાની એમની મુહિમ છે, તે બહુ જ જોરશોરથી ચલાવી છે. સરકાર અને તેના પક્ષોનાં તંત્રો એકત્રિત થઇને જે ઇતિહાસ એમને ગમતો નથી, ખટકે છે તે બદલવાની એ કોશિશ કરે. જે વિચારધારાએ બાપુની હત્યા કરાવી એ વિચારધારા બાપુનું મહિમામંડન ન કરે એ બહુ સ્વાભાવિક છે. એટલે ગાંધીને એમને ગમતા સ્વરૂપમાં પ્રસ્તુત કરવાની કોશિશ હોય કે, સાબરમતી આશ્રમ બદલવાની કોશિશ હોય. આ બધું એક એમનું કાવતરું છે, તેની જુદી-જુદી મુહિમો છે.

નોટો પર ગાંધી બાપુના ફોટો સહિતના મુદ્દે તુષાર ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યાં હતા.
નોટો પર ગાંધી બાપુના ફોટો સહિતના મુદ્દે તુષાર ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યાં હતા.

બાપુ એક વિચારધારા છે
ભારતની ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો ભવિષ્યમાં હટી હશે એવું તમને લાગે છે? તેવા સવાલના જવાબમાં ગાધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું કે, જો આ સરકાર નોટો પરથી બાપુની છબી કાઢી નાખશે તો હું આ સરકારનો ઋણી રહીશ. કારણ કે એ નોટો પર જે બાપુ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી નથી. એ એક ચિત્ર છે જેમાં કોઇ આત્મા નથી, કોઇ નિષ્ઠા નથી. જેમાં કોઇ એક વિચારધારા નથી. બાપુ એક વિચારધારા છે. એ વિચારધારા જળવાઇ રહેવી જોઇએ. એ તસવીરની આપણને જરૂર નથી. જો નોટો પરથી આ સરકાર બાપુની તસવીર હટાવી દેશે તો પહેલી અને છેલ્લીવાર હું તેમનું સમર્થન કરીશ અને એમની સાથે ઊભો રહીશ.

સાવરકરે ગોડસેની મદદ કરી હતી
તુષાર ગાંધીએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું કે, સાવરકરે માત્ર બ્રિટશરોને જ મદદ નહોતી કરી, પણ બાપુની હત્યા કરવા માટે ગન શોધવા માટે પણ સાવરકરે ગોડસેને મદદ કરી કરી હતી. આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં તેમણે કહ્યું કે, મેં આ વાત પહેલીવાર નથી કરી. ઇતિહાસના પુરાવાના આધારે મેં લખ્યું છે. વર્ષ 2007માં મારા પુસ્તક 'લેટ્સ કિલ ગાંધી'માં પણ લખ્યું હતું. કપૂર કમિશનના રિપોર્ટના આધારે મેં લખ્યું છે.

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી.
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી.

સાવરકરનાં પરિવાજનોએ કોર્ટમાં જવું હોય તો ભલે જાય
બ્રિટિશરો અને ગોડસેને મદદ કરવા અંગે કરેલા ટ્વિટ પર સાવરકરનાં પરિવારજનો દ્વારા કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી અંગે પ્રતિક્રિયા આપતા તુષાર ગાંધીએ કહ્યું કે, મેં કપૂર કમિશનના રિપોર્ટ અનુસાર બધું કહ્યું છે. સાવરકરનાં પરિવારજનોને કોર્ટમાં જવું હોય તો ભલે જાય. મને કોર્ટમાં કપૂર કમિશનના રિપોર્ટ રજૂ કરવાનો મોકો મળશે. રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, નથુરામ ગોડસે પાસે બાપુની હત્યા કરવા સાધન ન હતું અને કેવી રીતે હત્યાના બે દિવસ પહેલાં તે સમયનું આધુનિક હથિયાર મેળવ્યું.

બાપુની હત્યાનો કેસ રિઓપન કરવાની કોઇ જરૂર નથી
મહાત્મા ગાંધીની હત્યાના કેસ અંગે તેમણે કહ્યું કે, આ કેસ રિઓપન કરવાની કોઇ જરૂર નથી. આ કેસ બહુ સારી રીતે ચલાવવમાં આવ્યો હતો. હવે ન તો એ ઇન્વેસ્ટિગેશન સારી રીતે થઇ શકે, ન તો કેસ ચલાવી શકાય. કારણ કે હવે એ આરોપીઓ પણ જીવતા નથી. એ કેસની તપાસ કરનારા અધિકારીઓ પણ રહ્યા નથી. એટલે હવે ફરી ઇન્વેસ્ટિગેશન કરવાની કોઇ જરૂર નથી. ટ્વિટ કરવાનો મારો ઉદ્દેશ્ય એ નથી કરી આ કેસ રીઓપન થાય. પરંતુ, તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે, જે તથ્ય બહાર આવ્યાં છે તે યાદ તો કરો. તમે જાણો તો ખરા. તમે તેને ભુલાવી દો અને ફક્ત વોટ્સએપ યુનિવર્સિટીને જ માનીને બેસી રહો તો ઇતિહાસ એ રીતે આપણે સંભાળી ન શકીએ.

નોટો પર ગણેશજી-લક્ષ્મીજીનો ફોટો હોવો જોઈએ: કેજરીવાલ

થોડા દિવસ પહેલાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હિન્દુત્વનું કાર્ડ ફેંક્યું હતું. તેમાં સીએમ કેજરીવાલે ભારતીય કરન્સી પર ગાંધીજીની સાથે સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો ફોટો લગાવાની માગ કરી છે. તેમણે આગળ કહ્યું કે, એક તરફ ગાંધીજીની તસ્વીર હશે અને બીજી તરફ લક્ષ્મી ગણેશજીનો ફોટો હશે, તો તેનાથી સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળતા રહેશે.

કેજરીવાલે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, આપણે બધા જોઈ રહ્યા છીએ કે, આપણી અર્થવ્યવસ્થા ખૂબ જ નાજૂક સમયમાંથી પસાર થઈ રહી છે. ડોલરની સરખામણીમાં રૂપિયા દરરોજ નબળો થતો જાય છે. આ બધાનો માર સામાન્ય માણસને વેઠવો પડે છે. તેમાં સુધાર કરવા માટે હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, કોઈ મોટો નિર્ણય કરે. ઈંડોનેશિયા મુસ્લિમ દેશ છે. ત્યાંની 85 ટકા વસ્તી મુસ્લિમ છે. 2 ટકા હિન્દુ છે, તેમ છતાં પણ તેમની કરન્સી પર ગણેશની તસ્વીર છે.