શહેરના મધ્યે ન્યાયમંદિર હેરિટેજ ઇમારતની આસપાસની જગ્યા ખુલ્લી કરવા ધારાસભ્યની રજુઆત બાદ તંત્રએ કવાયત હાથ ધરી છે. ન્યાયમંદિરની ઈમારત પાસે દૂધવાળા મહોલ્લા સામે પાર્ક કરવામાં આવેલા વાહનોને ત્યાંથી હટાવી લેવા બોર્ડ લગાવવામાં આવ્યું છે.
ન્યાય મંદિરમાં સીટી મ્યુઝિયમ બનાવવાની ચર્ચા છે ત્યારે તેની આસપાસ પાર્ક કરેલા વાહનો અને લારી-ગલ્લા પથારાથી ટ્રાફિકજામ થાય છે. ન્યાયમંદિરની આસપાસનો વિસ્તાર ખુલ્લો કરવા માટે ધારાસભ્ય બાળકૃષ્ણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે તદુપરાંત મ્યુનિસિપલ કમિશનરે પણ આસપાસના એરિયામાં બેરીકેટ લગાવવા, સિક્યુરિટી ગાર્ડ મુકવા સહિતની સૂચનાઓ આપી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ન્યાયમંદિર ઇમારતની પાસે દૂધવાળા મહોલ્લા સામે અનેક વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે.
ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, બે દિવસ માટે અહીંયાથી તમારા વાહનો હટાવી લેવા વિનંતી. જો તમારા વાહનો કોર્પોરેશનવાળા લઈ જાય તો જવાબદારી અમારી રહેશે નહીં. એક તરફ પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.
તેવામાં પાર્ક કરેલા વાહનોને હટાવી લેવાનું બેનર લાગતા ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે કોઈપણ બેનર કે હોડિંગ્સ લાગે તો ને તેના નીચે લગાવનાર સંસ્થા કે વ્યક્તિનું નામ લખવામાં આવતું હોય છે પરંતુ આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યું છે તે અંગે અનેક તર્કવિતર્ક ફેલાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.