વળતરની માગ:સંચાલકો 24 કલાકમાં વળતર નહીં ચૂકવે તો આજથી સિટી બસ અટકાવી ચક્કાજામ થશે

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જનમહેલ ખાતે NSUI દ્વારા વિદ્યાર્થિનીના પરિવારને વળતરની માગ કરાઈ. - Divya Bhaskar
જનમહેલ ખાતે NSUI દ્વારા વિદ્યાર્થિનીના પરિવારને વળતરની માગ કરાઈ.
  • ભીની આંખે શિવાનીના પિતાએ કહ્યું, મારી દીકરીનો અકસ્માત નથી થયો, આ મર્ડર છે
  • NSUIની જનમહેલમાં રામ ધૂન બાદ આંદોલનની ચીમકી

સિટી બસના જન મહેલ સ્થિત સ્ટેન્ડ પર મંગળવારે સાંજે મ. સ. યુનિ.માં ભણતી સુરતની વિદ્યાર્થિનીનું બસની અડફેટે મોત થતાં શુક્રવારે એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થીઓ મોરચો લઈ બસ સંચાલકો પાસે પહોંચ્યા હતા. તેમણે મૃતકના પરિવારને ન્યાય આપવા સાથે ૨૪ કલાકમાં મૃતકના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો શનિવારથી સિટી બસ અટકાવીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી રામધૂન કરી હતી.

વિનાયક લોજિસ્ટીકની બસ દ્વારા મંગળવારે થયેલા અકસ્માત અંગે મૃતકના પરિવારને વળતરની જાહેરાત કરાઇ નથી. ત્રણ દિવસ થવા છતાં બસનો ડ્રાઈવર ખુલ્લેઆમ ફરતો હોવાના અાક્ષેપ સાથે એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થીઓ જનમહેલ પહોંચ્યા હતા. જ્યાં માહોલ ગરમાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીના પિતા અને સંબંધીઅોએ ડ્રાઇવર સામે પગલાંની માગ કરી હતી. વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ કબૂલ્યું હતું કે ડ્રાઈવરની ભૂલ છે.

હજુ લાગે કે દીકરી અહીં જ છે
સુરતથી વડોદરા દોડી આવેલા મૃતક શિવાનીના પિતા રણજીત સોલંકીએ જણાવ્યું હતું કે અમે આખી જિંદગી હીરા ઘસી દીકરી ને મોટી કરી હતી. આજે પણ વડોદરામાં એવું લાગે છે કે મારી દીકરી અહીંયા જ કશેક ઉભી છે. મારી દીકરીનો અકસ્માત નહીં પરંતુ મર્ડર થયું છે. આ ડ્રાઈવરને કડક સજા મળે એ જ અમને સાચો ન્યાય છે.

કાલે અમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે
યુનિ.ના હજારો વિદ્યાર્થી સિટી બસમાં અપડાઉન કરે છે. બેફામ દોડતી બસથી અમારી સાથે પણ દુર્ઘટના સર્જાઇ શકે છે. સંચાલકોએ યોગ્ય ડ્રાઇવરો રાખવા જોઈએ. કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. - રાજવી રાજપુત, વિદ્યાર્થિની, MSU

અમે નોટિસ આપી ડોક્યૂમેન્ટ મગાવ્યાં છે
અમે સિટી બસ સંચાલક વિનાયક લોજિસ્ટિકને નોટિસ આપી બસોની ફિટનેસ અંગેનાં ડોક્યુમેન્ટ મગાવ્યાં છે. જો તેમાં કોઈપણ ચૂક જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. - ધર્મેશ રાણા, કા.ઇ., પાલિકા

ડ્રાઈવરોને યોગ્ય ટ્રેનિંગ આપીને જ લેવા જોઈએ
આખા શહેરમાં બસ બેફામ દોડે છે. આપણે વાહન લઇને જતા હોય તો અકસ્માતની બીક લાગે છે. સંચાલકોએ ડ્રાઈવરને ટ્રેનિંગ આપવી જોઈએ. - શિવાની જગાની, વિદ્યાર્થિની, MSU

અન્ય સમાચારો પણ છે...