સાયબર માફિયાગીરી:લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોરોએ વડોદરાની મહિલાના નામ સાથે 'એક રાતના રુ. 500' લખી મેસેજ વાઈરલ કર્યો

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહિલાની ફરિયાદ લઈને સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહિલાની ફરિયાદ લઈને સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
 • આધારકાર્ડ સાથેનો મેસેજ મહિલાના સંબંધીઓને મોકલવામાં આવ્યો

વડોદરાના મહિલાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના માધ્યમથી મહિલાની જાણ બહાર લોન આપી હતી. જે બાદ મહિલાને વ્યાજ સાથે રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. છતાં, મહિલાએ દાદ ન આપતા સાયબર માફિયાઓએ મહિલાના આધાર કાર્ડના નંબર સાથે " call girl 500 for one night" લખીને સગા સંબંધીઓનો મોકલવામાં આવ્યા હતા. આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એપ્લિકેશનથી લોન લીધી હતી
વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા મહિલા રાધિકાબેનને ( નામ બદલ્યું છે ) સાયબર માફિયાઓનો કડવો અનુભવ થયો છે. રોમાબેને સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગાઉ 21 એપ્રીલ, 22 થી 13 મે, 22 દરમિયાન અજાણ્યા ઇસમે મહિલાની જાણ બહાર તેઓના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂપિયા 1,950 ની લોન આપી હતી. આ લોન ઇન્સ્ટન્ટ લોન તથા હેલ્લો રૂપિ લોન મોબાઇલ એપ્લીકેશન મારફતે લેવામાં આવી હતી.

મેસેજ વાઈરલ કરાયો
જે બાદ મહિલાને અલગ અલગ નંબર પરથી વ્યાજ સાથે રૂપિયા 3 હજાર ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે બાદ તો સાયબર માફિયાઓએ તમામ હદ વટાવીને મહિલાના આધાર કાર્ડ પર "call girl 500 for one night" એવું લખાણ લખીને મહિલાના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ નંબરોને વોટ્સએપના મારફતે મોકલી આપ્યા હતા. જેને કારણે મહિલા ચોંકી ઉઠી હતી. સાયબર માફિયા આટલેથી નહિ અટકતા મહિલાની દીકરીના મોર્ફ ફોટો વાઈરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા.

માનસિક રીતે હેરાનગતિ
માનસીક હેરાન મહિલાએ સમાજમાં બદનામ કરતી લોન આપનાર એપ્લીકેશન હેલ્લો રૂપિ લોન, તથા ઇન્સ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા મોબાઇલ નંબર ધારકો સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાઈનીઝ એપ સ્કેમ હેઠળ કેવી રીતે લોકોને જાળમાં ફસાવાય છે?

 • ચાઈના તેમજ સાઉથ ઈસ્ટ એશિયાના ગઠિયાઓ ઈન્સ્ટન્ટ લોન માટેની એપ્લીકેશન ડેવલપ કરી પ્લે સ્ટોર પર મૂકે છે.
 • ગઠિયાઓ ભારતમાં નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીને હાયર કરે છે.
 • એપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે મોબાઈલ પર લો ઈન્ટરેસ્ટની રૂા.1 હજાર થી માંડીને રૂા. 50 હજાર સુધીની ઈન્સ્ટન્ટ લોન માટેના મેસેજ કરે છે.
 • કોઈ પણ વ્યક્તિ એપ ડાઉનલોડ કરે એટલે જે તે વ્યક્તિના મીડિયા ગેલેરી, કેમેરા અને કોન્ટેક્ટ લિસ્ટની પરવાનગી મેળવી લેવાય છે.
 • વ્યક્તિ પોતાનાં ડોક્યૂમેન્ટ તેમજ બેંક વિગતો અપલોડ કરતા જ ગઠિયાઓ એકાઉન્ટમાં એક નાનકડી રકમ લોન પેટે જમા કરે છે.
 • 4 થી 5 દિવસમાં જ લોન લેનારા વ્યક્તિને ફોન કરીને વધુ વ્યાજ સાથેની રકમની ઉઘરાણી કરીને તેને બ્લેકમેલ કરતા હોય છે.
 • જેમાં વ્યક્તિના ફોટા પોર્ન સાઈટ પર મૂકી દેવા, કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને આ વ્યક્તિના બદનામ કરતા મેસેજ કરતા હોય છે.
 • ગઠિયાઓ દર અઠવાડિયે એપ્લિકેશનનું નામ બદલી ફરીથી તેને પ્લે સ્ટોર પર મૂકતા હોય છે.

શું સાવધાની રાખવી

 • ઈન્ટન્ટ લોન માટે કોઈ મેસેજ કે લીંક આવે તો જે તે એપ્લિકેશનની તપાસ કરો
 • એપ્લિકેશનના રિવ્યૂ છેક છેલ્લા સુધી વાંચો. જો ટ્રસ્ટેડ એપ ન હોય તો ડાઉનલોડ જ ન કરો.
 • જો એપ ડાઉનલોડ કરો અને હેરસમેન્ટ માટે ફોન અાવે તો એપ્લીકેશનને અનઈન્સ્ટોલ કરો અને સાયબર ક્રાઈમને જાણ કરો
 • મોબાઈલમાં એપ્લિકેશનને આપેલી તમામ પરમીશન જેવી કે કેમેરા,ગેલેરી અને કોન્ટેક્ટ ને કેન્સલ કરો.
 • કોઈ પણ પેનિકમાં આવ્યા વગર સોશીયલ મીડિયા એકાઉન્ટ થકી તમામ લોકોને જાણ કરો કે તમારી સાથે ફ્રોડ થયું છે. (હાર્દિક માકડીયા, એસીપી,સાયબર ક્રાઈમના જણાવ્યાનુસાર)