ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવાની કોન્વોકેશનની તારીખ માર્ચ સુધી જાહેર ના થતાં સિન્ડીકેટ સભ્યોએ વીસીને વોટ્સએપ ગૃપમાં ઘેર્યા હતા. સિન્ડિકેટ સભ્ય મયંક પટેલે ગૃપમાં જ મેસેજ કર્યો હતો કે જો શનિવાર સુધીમાં તારીખ જાહેર નહીં થાય તો સિન્ડીકેટ સભ્યો હેડ ઓફિસ બહાર જ ધરણાં કરશે. રાત્રે 9.43 વાગ્યે મેસેજ આવતાં જ વીસીએ માત્ર 5 મિનિટમાં 9.48 વાગ્યે કોન્વોકેશનની તારીખ 18મી માર્ચ છે તેમ વીસીએ લખવું પડ્યું હતું.
ગૃપમાં વીસીને લીધે 46 હજાર વિદ્યાર્થીઓનુ ભાવી અંધકારમય બની રહ્યુ છે, બે મહિનાથી વિદ્યાર્થીઓ કોન્વોકશનની રાહ જોઈ રહ્યા છે, વીસીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવો મેસેજ પણ લખવામાં આવ્યો હતો. જેને સિન્ડિકેટ-સેનેટ સભ્યોનું અનુમોદન મળ્યું હતું. વીસી મોટી ડિગ્નિટરીનો સમય મેળવવા સમારોહ પોતાની અનુકુળતાથી કરવાની પેરવીમાં હોય તેવી પણ સિન્ડિકેટ સભ્યોમાં ચર્ચા હતી. જ્યારે સિન્ડિકેટ સભ્યોએ વિદ્યાર્થીઓના વાલી બનીને મેદાને ઉતરવું જોઈએ તેવી વાત પણ કરી હતી.
વીસીની મનમાની અંગે પણ સભ્યોએ ગૃપમાં જ રોષ ઠાલવ્યો હતો. કોઈપણ મહાનુભાવો કોન્વોકેશન માટે હાજર રહી શકે તેમ ન હોય તો ચાન્સેલર રાજમાતાની અધ્યક્ષતામાં પણ આ કોન્વોકેશન કરી દેવું જોઈએ તેવી ચર્ચા પણ સભ્યો વચ્ચે થઇ છે. ઉલ્લેખનિય છે કે, 9 માર્ચે મળનારી સિન્ડિકેટની બેઠક તોફાની બને તેવી શક્યતાઓ છે. કોન્વોકેશનમાં મનમાની, વિદ્યાર્થીઓની બાકી માર્કશીટ સહિતના મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ શકે છે.
વીસી વાલી ઓછા, ફોટોજેનિક વધુ છે
50 હજાર વિદ્યાર્થીના ગાર્ડીયન તરીકે વીસીએ કામ કરવું જોઈએ. નહીં કે સેલિબ્રિટી બનીને ફોટા પડાવવા કાર્યક્રમ કરવો. અમારા વીસી ફોટોજેનીક વધારે છે. > મયંક પટેલ, સિન્ડિકેટ મેમ્બર, એમ.એસ.યુ
સભ્યોની ચિંતા યોગ્ય
એકેડેમિક અને પરિણામની બાબતોમાં સમયની ચોક્કસાઇ જરૂરી છે. સભ્યોની ચિંતા વ્યાજબી છે. > સત્યેન કુલાબકર, સિન્ડિકેટ સભ્ય, MSU
વીસીનું તીર હવામાં
કોન્વોકેશનમાં ગેસ્ટની તારીખ ના મળે તો બદલી શકે. વીસી હવામાં તીર મારતા હોય તેવું લાગે છે. > હસમુખ વાઘેલા, સિન્ડિકેટ સભ્ય, MSU
કોન્વોકેશન સમયસર થવું જ જોઈએ
સિન્ડિકેટ મેમ્બર તરીકે મારું માનવું છે કે કોન્વેકશનની કામગીરી સમયસર થવી જોઈએ. યુનિવર્સિટીના સત્તાધીશોએ આયોજનપૂર્વક કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. > હિમાંશુ પટેલ, સિન્ડિકેટ સભ્ય, એમ.એસ.યુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.