સારાભાઈ કેમ્પસની ઇન્ટિરીયર ફર્નીચર કંપનીમાં પગાર લેવા ગયેલા કર્મચારી પર કંપનીના માલિકે ધોકાથી હુમલો કર્યો હતો. તે વેળા કર્મચારીએ ધોકો પકડી લેતાં માલિકે બચકું ભરી લીધું હોવાનો આરોપ કર્મચારીએ મુકયો હતો. ઘટના બાદ બંને પોલીસ મથકે ગયા હતા જયાં સમાધાન થયું હતું.ગોરવા પોલીસ મુજબ પશ્ચિમ વિસ્તારમાં સારાભાઈ કેમ્પસના નોટસ આઈટી પાર્કમાં એ માર્ટ ઇન્ટિરિયર ડિઝાઈન કંપની છે. બપોરે ચિરાગ પટેલ અને દીપ રાઠોડ કંપનીમાં પગાર લેવા ગયા હતા. જેમાં ચિરાગ પટેલ પગાર માટે માલિક અનિલ કનેરીયા સાથે વાત કરવા ગયા હતા.
બંને વચ્ચે સામાન્ય વાતચીત બાદ શાબ્દીક ટપાટપીથી મામલો ઉગ્ર બનતાં માલિક અનિલ કનેરિયાએ ચિરાગ પટેલ પર લાકડાથી હુમલો કરતાં બચાવમાં ચિરાગે લાકડું પકડી લીધું હતું. ત્યારે અનિલ કનેરિયાએ ચિરાગના શરીર પર વિવિધ જગ્યાએ બચકાં ભરી લીધા હતા. ઘટનાને પગલે ચિરાગ પટેલ અને દીપ રાઠોડે 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી જેથી પોલીસ અનિલ કનેરીયા અને ચિરાગ પટેલ-દીપ રાઠોડને ગોરવા પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.
ગોરવા પીઆઈ એચ.એમ.ધાંધલે જણાવ્યું હતું કે ‘બંને પાસેથી હકીકત જાણ્યા બાદ બંનેને ફરિયાદ આપવાનું કહ્યું હતું પણ ચિરાગ પટેલે માફી માંગી લેતાં અને અનિલ કનેરીયા પગાર આપવા તૈયાર થઇ જતાં બનાવમાં સમાધાન થયું હતું. બંનેના નિવેદનો પણ લેવાઈ ગયા છે.
‘માલિક ગોળી મારવાની ધમકી આપતા હતાં’
કર્મચારી દીપ રાઠોડ દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે થોડા વખત પહેલાં જ્યારે ઓફિસમાં મિટિંગ થઈ હતી ત્યારે અનિલ સરે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે જો કોઈ પગારને લઈને માથાકૂટ કરશે તો મારી ડ્રોવરમાં બંદૂક પડી રહે છે, હું કોઈને પણ ઠોકી દઈશ. આ સંબંધમાં અનિલ કનેરીયાના બંને મોબાઈલ પર વારંવાર પ્રયાસ કરવા છતાં તે કોઈ પણ ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ થયા ન હતા.
અગાઉ કોન્સ્ટેબલની પુત્રીએ માલિક સામે ફરિયાદ કરી
ચિરાગ પટેલ ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે, આ માલિક સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલની પુત્રીએ પણ પગારને લઈને કેસ કર્યો હતો. જો કે તે કેસમાં પણ માલિકે સમાધાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.