રજૂઆત:1 હજારથી વધુ સિક્કા ડિપોઝિટ પેટે ન ભરાય,આપના ઉમેદવારનું ફોર્મ રદ કરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાની રજૂઆત
  • 1 કલાકની ચર્ચા બાદ આપના સ્વેજલ વ્યાસનું ફોર્મ માન્ય રખાયું

ચૂંટણીમાં ફોર્મ ભરવાની 17મીએ છેલ્લી તારીખ બાદ 18મીએ ફોર્મની ચકાસણી થઈ હતી. જેમાં સયાજીગંજમાં સ્ક્રૂટિની સમયે ભાજપના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયા અને તેમના વકીલો દ્વારા આપના ઉમેદવાર સ્વેજલ વ્યાસે 10 હજારની રકમ સિક્કામાં ભરી છે અને બોન્ડ ભરવાના નિયમ મુજબ 1 હજાર સુધી સિક્કા ડિપોઝિટ પેટે ભરી શકાય તેવી રજૂઆત કરી હતી. સ્વેજલ વ્યાસે પણ ઉગ્ર રજૂઆત કરતાં 1 કલાક બાદ આરઓ દ્વારા તેમનું ફોર્મ માન્ય રખાયું હતું.

આપ પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, 18મીએ સવારે 11 વાગે સમા મામલતદાર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરાઈ હતી. જે દરમિયાન ભાજપના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયાએ વકીલની ફોજ સાથે આવી મારું ફોર્મ રિજેક્ટ કરી મારા ડમીનું ફોર્મ મંજૂર કરવા રજૂઆત કરી હતી. તેમની દલીલ હતી કે, મેં ડિપોઝિટની 10 હજારની રકમ સિક્કાથી ભરી છે. જ્યારે ડિપોઝિટમાં 1 હજારથી વધુ સિક્કા જમા કરાવી ન શકાય, જેથી ફોર્મ રદ કરવું જોઈએ.

સ્વેજલ વ્યાસે દલીલ કરી હતી કે, મારાં ડોક્યૂમેન્ટ બરાબર છે અને મેં રૂા.200-200ના સિક્કા જુદી જુદી થેલીમાં ભરી આપ્યા ત્યારે મને તેની સ્લિપ પણ અપાઈ હતી. જો ભારત સરકારના રૂા.1ના સિક્કા માન્ય ન હોય તો તેને રદ કરાય. જો મારું ફોર્મ રિજેક્ટ થશે તો હું આંદોલન કરીશ. બંને પક્ષની રજૂઆત બાદ મહિલા આરઓ દ્વારા 1 કલાક બાદ સ્વેજલ વ્યાસનું ફોર્મ મંજૂર રાખ્યું હતું. ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ જણાવ્યું કે, બોન્ડ ભરવાના નિયમમાં સેક્શન 6 મુજબ લીગલ ટેન્ડર, બોન્ડ વગેરે ભરવા 1 હજારથી વધુના કોઈન જમા કરાવી ન શકાય. આ નિયમોનું ધ્યાન દોર્યું હતું. કલેક્ટરનું પણ ધ્યાન દોરીશું.

અન્ય સમાચારો પણ છે...