દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ વડોદરામાં ગુજરાત અને દિલ્હીની શાળાઓની સરખામણી કરતા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને તેની સાથે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાત છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ છે અને આ 27 વર્ષમાં, પ્રદર્શન દ્વારા ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ભાજપ દ્વારા બનાવવામાં આવેલી તમામ શાળાઓ બતાવવામાં આવી છે અને બીજી બાજુ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓની ઝાંખી છે.
27 વર્ષમાં ગુજરાતની શાળાઓ કેમ સુધરી નથી
2015 પહેલા દિલ્હીમાં પણ ગુજરાતમાં જેવી જ શાળાઓ હતી. પરંતુ, જો દિલ્હીની સરકારી શાળાની સ્થિતિ 5 વર્ષમાં બદલાઈ શકે છે તો ભાજપે 27 વર્ષથી ગુજરાતમાં સારી સરકારી શાળાઓ કેમ નથી બનાવી? જવાબ સરળ છે કે ભારતીય જનતા પાર્ટીને સારી સરકારી શાળાઓ બનાવવાનો કોઈ ઈરાદો નથી. 27 વર્ષ એ ઘણો લાંબો સમય છે. જો દિલ્હીની શાળાઓ 5 વર્ષમાં સારી થઈ શકે છે તો 27 વર્ષમાં ગુજરાતની શાળાઓ કેમ સુધરી નથી.
ગુજરાતના શિક્ષણ મંત્રીના ભાવનગરની સરકારી શાળાઓની હાલત ખરાબ છે
થોડા દિવસો પહેલા હું ગુજરાતના શિક્ષણ મંત્રીના શહેર ભાવનગર આવ્યો હતો. જ્યાં મેં શહેરની કેટલીક સરકારી શાળાઓ જોઈ. જે ખૂબ જ ખરાબ હતી. શાળાની બિલ્ડિંગની હાલત ખુબ જ ખરાબ હતી. તે પછી ઘણા લોકોએ અમને ગુજરાતની સરકારી શાળાઓના ફોટા અને વીડિયો મોકલ્યા, જે અમે આજે પ્રદર્શનમાં મૂક્યા છે. આ સાથે અમે દિલ્હીની સરકારી શાળાઓના ફોટા પણ અહીં મુક્યા છે.
એવી પાર્ટી પસંદ કરો કે જે તમારા બાળકોને સારૂ શિક્ષણ આપે
હું ગુજરાતના દરેક સામાન્ય માણસને એવો પક્ષ પસંદ કરવા અપીલ કરું છું જે તેમના બાળકો માટે સારી શાળાઓનું નિર્માણ કરે. કારણ કે જો દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા સારી બની શકે તો ગુજરાતમાં પણ ઘણી સારી બની શકે છે. જો તમારે તમારા બાળકોનું સારું ભવિષ્ય જોઈતું હોય તો એવી પાર્ટી પસંદ કરો કે જે તમારા બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા, સારી શાળા અને સારી સગવડો આપે, ના કે જેમ ગુજરાતમાં છે એમ તૂટેલી ફૂટેલી શાળાઓ આપે.
ગુજરાતની એક પણ સરકારી શાળા બતાવવાને લાયક નહોતી
છેલ્લા 2 દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતના શિક્ષણ મંત્રીઓ સાથે નવી શિક્ષણ નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે એક સારી પહેલ હતી. આ કાર્યક્રમમાં એક દિવસ ગુજરાતનું મોડલ જોવાનું હતું અને એક દિવસ શિક્ષણના નવા મોડલની ચર્ચા થવાની હતી. પરંતુ નવાઈની વાત એ છે કે સમગ્ર દેશમાંથી શિક્ષણ મંત્રીઓને બોલાવ્યા બાદ તે કાર્યક્રમમાં ગુજરાતની એક પણ સરકારી શાળા બતાવવામાં આવી ન હતી. ગુજરાત સરકારમાં એક પણ સરકારી શાળા બતાવવાની હિંમત ન હતી કારણ કે ગુજરાતની એક પણ સરકારી શાળા તે કાર્યક્રમમાં બતાવવાને લાયક નહોતી.
ગુજરાતમાં શિક્ષણનું વધુ સારું મોડલ કોણ લાગુ કરી શકે
આ પ્રોગ્રામમાં ગુજરાત સરકારે એક ડેટા સેન્ટર બનાવ્યું છે, તેઓ તે ડેટા સેન્ટર બતાવતા હતા અને જ્યારે મેં મને ગુજરાતની કોઈપણ બે શાળાનો ડેટા બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ અમને એક પણ શાળાનો ડેટા બતાવ્યો ન હતો. આજે કોઈ બહારથી દિલ્હી આવે તો તેને શાળા બતાવીએ છીએ. અમે બતાવીએ છીએ કે શાળાના બાળકોને મળો, તેમનો આત્મવિશ્વાસ જુઓ, શિક્ષકને મળો, બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે તે જુઓ. અમે અમારી શાળાઓને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બતાવીએ છીએ. પરંતુ ગુજરાત સરકારને શરમ આવી, જેના કારણે તેઓએ અહીં ગુજરાતની એકપણ શાળા બતાવી નહીં. હું કહેવા માંગુ છુ કે, ગુજરાતની જનતા પાસે પસંદગી છે. ગુજરાતમાં શિક્ષણનું વધુ સારું મોડલ કોણ લાગુ કરી શકે.
ડેપ્યુટી CMએ વાલીઓ સાથે સંવાદ કર્યો
મનિષ સિસોદિયાએ વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં વડોદરા સહિત સુરત અને અમરેલીથી પણ વાલીઓ આવ્યા હતા. જેમાં ગુજરાતમાં સરકારી પરીક્ષાઓના પેપર ફૂટવા, નેતાઓની ખાનગી સ્કૂલો અને સ્કૂલ ફી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગુજરાતની 15 જેટલી સરકારી સ્કૂલોના ફોટો મુકવામાં આવ્યા છે અને તેની સામે દિલ્હીની મોડેલ સ્કૂલો ના ફોટો એક્ઝિબિશન પ્રદર્શન રખાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.