તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર-MLA આમને સામને:વડોદરામાં પાણીના મુદ્દે ભાજપના કોર્પોરેટરે કહ્યુ, ‘અધિકારી રાજીનામું નહીં આપે તો હું આપીશ’, મેયર બોલ્યા - કૂવામાં હોય તો હવાડામાં આવે ને!

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટર નિલેશ રાઠોડની તસવીર - Divya Bhaskar
કોર્પોરેટર નિલેશ રાઠોડની તસવીર
  • દક્ષિણ ઝોનમાં પાણીના પ્રશ્ન અંગે મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તડાફડી
  • વડોદરાને 550 એમએલડી પાણી મળે છે તો દક્ષિણ ઝોનમાં જ શા માટે અછત?
  • નિલેશ રાઠોડ કૂવા પણ ખોદાવો અને હવાડા પણ ખોદાવો પરંતુ પાણી આપો કહીને મેયરને પણ સંભળાવી દીધું

શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણીની ભારે કડાકૂટ સર્જાઇ છે અને તેના પડઘા મેયર સાથેની બેઠકમાં પડ્યા હતા. એક સિનિયર કોર્પોરેટરે જો અઠવાડિયામાં પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો હું જ કશું કરી બેસીશ તેવી ચીમકી આપી હતી. ઉનાળાની શરૂઆત થતાં જ દૂષિત પાણી અને ઓછા પ્રેશરની સમસ્યા શરૂ થઇ છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પ્રશ્ને પોકાર થાય છે, જેને ધ્યાનમાં રાખી મેયરની અધ્યક્ષતામાં પાણી પ્રશ્ને મિટિંગ રખાઈ હતી. જેમાં પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગાર, પાણી પુરવઠાના એડી. સિટી એન્જિનિયર અમૃત મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ મિટિંગ બાદ મેયરે જણાવ્યું હતું કે, છેલ્લાં 3-4 વર્ષથી દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિંધરોટ ઉપરાંત ખાસ તો મહીથી પાણીની નવી લાઇન દક્ષિણ ઝોન માટે નાખવાનું કામ પૂર્ણ થશે ત્યારે પ્રશ્ન હલ થશે.

બીજી તરફ વડોદરામાં દક્ષિણ ઝોનને સૌથી ઓછું પાણી મળે છે. 550 એમએલડી પાણી વડોદરાને મળે છે તો પછી દક્ષિણ ઝોનને પાણી કેમ સૌથી ઓછું મળે છે ? તેવો સવાલ સ્થાયી સમિતિના સભ્ય નિલેશ રાઠોડે બેઠકમાં ઉઠાવ્યો હતો. પાણી છે, પરંતુ ઉનાળો આવે એટલે પાણીનો વપરાશ વધે તેવા બહાનાં અધિકારીઓ કાઢે છે તેવો આક્ષેપ કરી તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન 2-4 દિવસ નહીં પણ 2 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યો છે અને હજી સુધી ઉકેલ આવી રહ્યો નથી તે આશ્ચર્યની બાબત છે. આ સંજોગોમાં જો ઉકેલ હવે અઠવાડિયામાં નહીં આવે તો મારે જ કશું કરવું પડશે તેવી ચીમકી સાથે તેમણે હું રાજીનામું આપું અથવા અધિકારીઓ રાજીનામાં આપે તેવો મેયરની હાજરીમાં પડકાર ફેંક્યો હતો.

એક તબક્કે મેયર કેયૂર રોકડિયાએ કૂવામાં હોય તો હવાડામાં આવે ને તેવી વાત કરતાં નિલેશ રાઠોડે સામો પ્રહાર કરીને કૂવા પણ ખોદાવો અને હવાડા પણ ખોદાવો પણ પાણી તો આપવું જ પડશે એમ સ્પષ્ટપણે મોઢા પર સંભળાવી દીધું હતું.

પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષે અધિકારી પાસે જવાબ માગ્યા
પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ મનીષ પગારે પાણીની સ્થિતિ અંગે બેઠક લીધી હતી અને તેના આધારે પાણી પુરવઠા વિભાગના વડા ઇજનેર અમૃત મકવાણાને 48 પ્રશ્નની યાદી આપી તેના જવાબ માગ્યા છે. જેમાં પાણીની આવકના સ્ત્રોત કેટલા, રોજ કેટલા એમએલડી પાણી મળે છે, ટાંકીઓની ક્ષમતા કેટલી છે, શહેરમાં કુલ કેટલા સંપ છે, લીકેજની ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થાય છે, સૌથી વધુ ટીડીએસવાળું પાણી ક્યાં આવે છે, પાણી માટે સરકારની કોઈ ગ્રાન્ટ આવે છે કે કેમ, પાણીના મોટા વેરા બિલ બાકી છે કે કેમ, ટાંકી પાસે જ ટ્યૂબવેલ છે કે કેમ, કયા ઝોનમાં સૌથી વધુ ફરિયાદ આવી અને કયા ઝોનમાં સૌથી ઓછી ફરિયાદ આવી જેવા સવાલો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...