સમસ્યા:21 તળાવ વરસાદી ચેનલથી ઈંટર લિંક કરાય તો પાણીનો ભરાવો અટકે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રી તળાવ - Divya Bhaskar
ગોત્રી તળાવ
  • ગાયકવાડ શાસન દરમિયાન વડોદરા શહેરમાં 178 નાનાં-મોટાં તળાવો અસ્તિત્વ ધરાવતાં હતાં
  • હાલ 21 તળાવો જ હયાત

શહેરમાં વરસાદી પાણીનો ભરાવો તેમજ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે ગાયકવાડ સમયમાં વડોદરા શહેર અને તેની આસપાસ કુલ 178 જેટલાં નાનાં- મોટાં તળાવો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ તળાવો એકબીજા સાથે જોડાયેલાં હતાં. જેથી એક તળાવ ભરાય તો તેનું પાણી બીજા તળાવો મારફતે શહેરની બહાર નદીમાં વહી જતું હતું. હાલ પાલિકાના અધિકારીઓ અને બિલ્ડરોની મીલીભગતથી આ 178 તળાવોમાંથી 78 જેટલા તળાવોને પુરી દઈ તેના પર કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યા છે. બાકીના 25 તળાવો મૃતપાય બન્યાં છે. જ્યારે 21 તળાવો હાલ અસ્તિત્વમાં છે જેને ફરીથી વરસાદી ચેનલ મારફતે ઈંટરલીંક કરીને પુર તેમજ વરસાદી પાણીના ભરાવાથી નિકાલ મેળવી શકાય છે. જોકે હાલ તળાવો વચ્ચે ઈંટરલીંકીગ તુટી જતા પુર તેમજ સામાન્ય વરસાદમાં પણ શહેર પાણીમાં ગરકાવ થઈ જાય છે.

શહેરની સંસ્થા દ્વારા ઇન્ટિગ્રેટેડ અર્બન ફ્લડ મેનેજમેન્ટ પર રિસર્ચ
સેવાસી સ્થિત સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટના રિસર્ચ કન્સલ્ટન્ટ ડો.જયેશ શાહે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ઈન્ટીગ્રેટેડ અર્બન ફ્લડ મેનેજમેન્ટ વિથ હાઈટેક સોલ્યુશન નામથી એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં એન્વાયરોનમેન્ટલ હાઇડ્રોલિક એન્ડ વોટર રિસોર્સ રિસર્ચર કુશાંગ શાહે શહેરના તળાવોના ઈંટર લિંકીંગ પ્રોજેક્ટ પર સર્વે કર્યો છે. કુશાંગ શાહે જણાવ્યું કે, પશ્ચિમ અને પૂર્વના તળાવોને વરસાદી ચેનલ મારફતે યોગ્ય રીતે ઈંટરલીંકીંગ કરાય તો શહેરમાં પુર કે વરસાદી પાણીની સમસ્યા કાયમ માટે ટાળી શકાય છે. અગાઉ ગાયકવાડ શાસનના સમયમાં 178 તળાવોમાંથી વધુ પડતું પાણી કુદરતી કાંસ અને નદીના કોતરોમાંથી બીજા તળાવોમાં પહોચતું હતું. એક તળાવ ઉભરાય ત્યારે એવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી કે તે પાણી બીજા તળાવમાં પહોચી જતું. જેથી શહેરમાં વરસાદી પાણી કે પુર આવતું જ નહોતું.

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તળાવોને લિંક કરી વિશ્વામિત્રીમાં આઉટલેટ આપી શકાય
1) પશ્ચિમનાં તળાવો
સમા તળાવ - ગોરવા તળાવ - ગોત્રી તળાવ - વાસણા તળાવ - તાંદલજા તળાવ - અટલાદરા તળાવમાંથી પાણી દક્ષિણ દિશા તરફથી વિશ્વામીત્રીમાં જતુ કરાય.
2) પૂર્વનાં તળાવો
(પહેલો ભાગ)- હરણીના બે તળાવો - બાપોદ તળાવ - વારસીયા તળાવ - સરસીયા તળાવ - મહાદેવ- સુરસાગર તળાવ - સિધ્ધનાથ તળાવ - કાશી વિશ્વનાથ તળાવ - લાલબાગ તળાવ - માંજલપુર મશીયા તળાવ - મકરપુરા તલાવ - જાંબુવા નદી - વિશ્વામીત્રી નદી
(બીજો ભાગ) અજબ તળાવ- દંતેશ્વર તળાવ - તરસાલી તળાવ -વરસાદી કાંસ મારફતે જાંબુઆ નદી મારફતે વિશ્વામીત્રી નદીમાં આઉટલેટ

કાંસ અને તળાવોમાં દબાણ કરી લોકોએ વોટરબોડીને મૃત:પાય બનાવી
ડો.જયેશ શાહના જણાવ્યા અનુસાર હાલ ગોવિંદરાવ પાર્ક પાછળ કોર્ટયાર્ડ નગરથી રૂપારેલ કાંસ પસાર થાય છે. આ કાસના એક ભાગમાં ગાયકવાડ સરકારે બે દરવાજા બનાવ્યા હતા. જેમાં એક દરવાજામાંથી અજબ તળાવનું પાણી આવતું અને અજબ તળાવનું અને રૂપારેલ કાંસનું પાણી ભેગંુ થઈ બીજા દરવાજા મારફતે સરસિયા તળાવમાં જતું હતું. આ કાંસમાં લોકોએ દબાણની સાથે તેમજ દરવાજા બ્લોક કરી દીધા છે. જ્યારે કોર્ટયાર્ડ નગર પાસે કાંસના માર્ગ પર કચરો સાફ ન થતા પાણી જઈ શકતું નથી. જેના પગલે હવે કોર્ટયાર્ડ નગર ખાતે દર વર્ષે વરસાદમાં પાણી ભરાય છે. આમ લોકોએ કાંસ અને તળાવોમાં દબાણ કરી વોટર બોડીને મૃત:પાય બનાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...