આજથી ફરી શાળાઓ શરૂ:વાલીઓ સંતાનોને સ્કૂલે મૂકવા જશે તો સંમતીપત્ર આપવું પડશે, 50% હાજરી થતાં અઠવાડિયું લાગશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 450 સ્કૂલોના ધો.1થી 5નાં 1.15 લાખ વિદ્યાર્થીઓના ઓફલાઇન વર્ગો શરૂ થશે, માસ્ક પહેરવું પડશે
  • ગત વર્ષે 6 માર્ચે સ્કૂલો બંધ થયાના 615 દિવસ બાદ શાળાઓ પુન: જીવંત બનશે
  • ​​​​​​​સ્કૂલોની​​​​​​​ તૈયારી શરૂ વિદ્યાર્થીઓને એક બેન્ચ છોડીને બેસાડાશે

રાજ્યના શિક્ષણમંત્રીની ધો.1થી ધો.5 સુધીના વર્ગો શરૂ કરવાની જાહેરાતના પગલે વડોદરાની 450 શાળાએ વિદ્યાર્થીને સોમવારે આવકારવા અને શિક્ષણકાર્ય શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. આ સ્કૂલોના અંદાજે 1.15 લાખ વિદ્યાર્થી ધો.1થી 5માં અભ્યાસ કરે છે. સ્કૂલવાન અને રિક્ષાની ગેરહાજરીમાં વાલીઓએ સંતાનોને જાતે મૂકવા જવું પડશે. ગત વર્ષે 6 માર્ચે શાળાઓ બંધ થયા બાદ 615 દિવસ બાદ વિદ્યાર્થી શાળામાં જશે. ઘણા ખરા વિદ્યાર્થી શાળામાં જવા ઉત્સુક છે. ધો.6થી 12ના વર્ગો પણ દિવાળી વેકેશન પૂરું થતાં ધમધમતા થઇ જશે. જે વિદ્યાર્થી સાથે તેમના વાલી આવશે તેમણે સંમતિપત્ર ભરીને આપવું પડશે.

સ્કૂલ વાન અને રિક્ષાની ગેરહાજરીથી વિદ્યાર્થીઓને વાલીઓએ શાળાએ મૂકવા-લેવા જવું પડશે. સરકારે શાળાઓએ વાલીઓ પાસેથી ફરજિયાત સંમતિપત્રો મગાવ્યા છે. જે વાલી સંમતિપત્ર લખીને મંજૂરી આપે તે વિદ્યાર્થીને જ ક્લાસમાં પ્રવેશ અપાશે. જેથી આગામી અઠવાડિયા સુધીમાં 50 ટકા હાજરી સુધી વિદ્યાર્થીઓ આવે તેવી શક્યતા છે. શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શીતલ મહેતાએ જણાવ્યું કે, ‘પરિપત્ર મુજબ સોમવારથી સંમતિપત્રો મોકલીશું. જે વિદ્યાર્થીઓ આવશે તે પૈકીના પહેલા 50 ટકાને શાળામાં ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપીશું. જોકે શાળા સુધી એટલા વિદ્યાર્થી પણ આવે તેવી શક્યતા નહીવત્ છે.’ સ્કૂલમાં વિદ્યાર્થીઓને એક બેન્ચ છોડીને બેસાડાશે, માસ્ક ફરજિયાત રહેશે. માય એપલ સ્કૂલના આચાર્ય કિરાત વૈષ્ણવે જણાવ્યું કે, ‘15 દિવસથી સેનેટાઇઝેશનની તૈયારી ચાલુ છે.’

શિક્ષણકાર્ય સિવાય પ્રવૃત્તિ શાળા કરી શકશે નહીં
કોરોના બાદ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જ હોય છે. સાથે જ ઘણા ખરા વિદ્યાર્થીઓની ફી નથી ભરાઇ એ પણ શાળાઓની મુશ્કેલી વધી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ વધુ આવતા થાય તો રાહત થાય તેમ છે. પણ ગાઇડલાઇન મુજબ શાળાએ શિક્ષણકાર્ય સિવાય કોઇ પ્રવૃત્તિ કરવાની નથી. શાળાઓ સમૂહ પ્રાર્થના, રમતગમત પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકશે નહીં.

વાન-રિક્ષા માટે રૂ. 100 વધારે ચૂકવવા પડશે
પેટ્રોલ-ડીઝલ-સીએનજીના વધતા ભાવને લીધે વાન-રિક્ષા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. સ્કૂલવાન ચાલક મંડળના પ્રમુખ જીવણ ભરવાડે જણાવ્યું કે, ‘વાનમાં 14 બાળકને બેસાડવાના છે. આ જોતા રૂા.100 વધુ ચૂકવવા પડશે.

અમે શાળાઓમાં સંતાનોને મોકલીશું, છાત્રો પણ તૈયાર
વાઘોડિયા રોડના જય ખૈરેએ જણાવ્યું કે, ન્યૂ વીઆઇપી રોડની શાળામાં સંતાનને મૂકવા જવું પડશે. શાળાએ સૂચના આપી નથી. તેથી રાહ જોઉં છું. સોમા તળાવના પ્રતીક પટેલે જણાવ્યું કે, પુત્રી મિસ્કાને મૂકવા સ્કૂલે જઇશ. નારાયણ ઇન્ટર. સ્કૂલના વિદ્યાર્થી જય પટેલે કહ્યું કે,સાઇકલ લઇને સ્કૂલે જઇશ. ભવન્સ સ્કૂલના કનિષ્ક શાહ કહે છે કે, ઘરે કંટાળો આવે છે. હું સ્કૂલે જઇશ.

કન્ટેન્ટમેન્ટ ઝોનના બાળકો શાળામાં આવી શકશે નહીં
સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના મહામારીને લીધે કન્ટેન્ટમેન્ટ ઝોન જે વિસ્તારોને જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ શાળામાં આવી શકશે નહીં. વડોદરામાં મહાનગર
પાલિકા દ્વારા હાલમાં કુલ 29 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે. જેમાં ઉત્તર ઝોનમાં 66 ઘરના 343 લોકો, દક્ષિણ ઝોનમાં 64 ઘર અને 363 લોકો, પૂર્વ ઝોનમાં 32 ઘર અને 127 લોકો તથા પશ્ચિમ ઝોનના 211 ઘરની 886 લોકોની વસ્તીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...