તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે વેક્સિન તમારા દ્વારે:150થી વધુ લોકો તૈયાર હશે તો પાલિકા તમારા સ્થળે આવીને રસી મૂકી આપશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુધવારના રોજ થી મકરપુરા GIDCમાં કંપનીમાં જઈને કર્મચારીઓને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
બુધવારના રોજ થી મકરપુરા GIDCમાં કંપનીમાં જઈને કર્મચારીઓને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
  • ત્રીજી લહેરના ખતરા વચ્ચે વેક્સિનેશનનો વ્યાપ વધારવા પાલિકાનો પ્રયાસ : સંસ્થાઓ, સોસાયટીઓ માટે ખાસ વ્યવસ્થા
  • પ્રથમ દિવસે VCCI અને પોલીસની મદદથી GIDCમાં 200 લોકોને રસી અપાઇ, શહેરમાં 62.29 % રસીકરણ પૂર્ણ
  • વર્કપ્લેસ વેક્સિનેશન ઃ મકરપુરા GIDCમાં બે કંપનીમાં રસીકરણ

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ રસીકરણ વધારવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. હવે શહેરમાં જો 150 લોકો એક સ્થળે ભેગા થશે તો પાલિકા તે સ્થળે વેક્સિનેશનની વ્યવસ્થા કરી આપશે. બુધવારે પાલિકાએ વીસીસીઆઈ અને પોલીસની મદદથી મકરપુરા જીઆઇડીસીમાં એક જ સ્થળે કંપનીમાં 200 લોકોને રસીકરણ કર્યુ હતું. શહેરમાં તબક્કાવાર રીતે શરૂ થયેલા વેક્સિનેશનમાં અત્યારે 18થી વધુ વયના લોકોને રસી અપાઇ રહી છે. જેના માટે સૈન્ટર વધારવા છતાં હવે રસીકરણની સંખ્યા ઘટી રહી છે.

જેને લઇને પાલિકા દ્વારા સંસ્થાોઓનો સહયોગ લઇને તેનો વ્યાપ વધારવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 62.29 ટકા વેક્સિનેશન થયું છે.વડોદરા શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવે તેવા તંત્રના પ્રયાસો છે. પાલિકાએ 18 પ્લસને વેક્સિન ઝડપથી મળે તે માટે સેન્ટરો વધારી સ્લોટ વધાર્યા છે. શહેર પોલીસ વિભાગની ટીમ પણ ઠેર ઠેર લોકોને વેક્સિનેશન માટેનું માર્ગદર્શન આપી સ્થળ પર જ રજિસ્ટ્રેશન અને શક્ય હોય તો નજીકના સેન્ટર પર વેક્સિન અપાવે છે.

સામાજિક સંસ્થાઓ પણ અિભયાનમાં જોડાઇ છે. પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં જો 150થી વધુ લોકો રસી લેવા માટે તૈયાર હશે તો પાલિકા તેઓને જે તે સ્થળે વેક્સિન આપવાની વ્યવસ્થા કરી આપશે. સંસ્થાઓ , કંપનીઓ અને સોસાયટીઓ લાભ લઇ શકશે. આ માટે પાલિકા પાસે જે પ્રકારની વ્યવસ્થા હશે તે મુજબ આયોજન કરાશે.રસીકરણ વધારવાની ઝુંબેશ બુધવારથી મકરપુરા જીઆઇડીસીમાં શરૂ કરાઇ હતી. જેમાં વીસીસીઆઈ અને પોલીસના સહયોગથી પાલિકાએ બે કંપનીના 400 કર્મચારીઓના રજિસ્ટ્રેશન અને 200 કર્મચારીઓને રસી મુકાવી હતી.

​​​​​​​વડોદરા શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 7,868 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 3,56,103 લોકોએ વેક્સિન મુકાવી છે. બુધવારે 60 કરતા વધુની ઉંમર વાળાએ 639 લોકોએ પહેલો ડોઝ અને 218 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 45થી વધુ અને 60 વર્ષના 1744 લોકોએ પહેલો ડોઝ અને માત્ર 101 લોકોએ રસીનો બીજો રોઝ મુકાવ્યો હતો.બુધવારે શહેરમાં કુલ 10,641 લોકોએ રસી મુકાવી હતી. આમ, અત્યાર સુધીમાં શહેરમાં કુલ 62.29 ટકા વેક્સિનેશન થયું છે.

રસીનું સ્થળ નક્કી કરવા માટે શું કરવું?
પાલિકાના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, રસીકરણ માટે હોલ,વેઇટિંગ રૂમની સવલત જરૂરી છે અને આ રીતે રસી કરાવવા ઇચ્છુક સંસ્થા કે સોસાયટીએ જે તે આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવાની રહેશે અને તેના આધારે આરોગ્યની ટીમ રસીકરણ માટે જે તે વિસ્તારના નક્કી કરેલા સ્થળ યોગ્ય છે કે કેમ તેનો નિર્ણય લેશે અને ત્યારબાદ નકકી કરેલા દિવસે રસી મુકવા માટે જશે.

રસી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે શી ટીમની ખાસ ઝુંબેશ, પોલીસનું વેક્સિનેશન પેટ્રોલિંગ!
શી ટીમનું 6,805 ફેરિયાનું રજિસ્ટ્રેશન, 4200ને રસી અપાવી

વડોદરા | રસી અંગેની ગેર માન્યતાઓને દૂર કરી લોકોને રસી મુકાવવા માટે શહેર પોલીસે વિભાગે બીડું ઝડપ્યું છે. આ કામગીરીમાં શહેરના કર્મશીલ યુવાનો પણ પોતાનો ફાળો આપી રહ્યા છે. પોલીસે જે લોકોને રજિસ્ટ્રેશન કરાવવાની પરેશાની હોઈ અથવા રસી પ્રત્યે ગેરમાન્યતા હોઈ તો તેને દૂર કરવાની કામગીરી સાથે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ લાવી રહ્યાં છે. શહેરના 22 પોલીસ મથકની શી ટીમ સાથે એક પોલીસ અધિકારી અને પોલીસ મથકનો સ્ટાફ તેમના હદ વિસ્તારમાં ફરી લોકોના રસીકરણ માટેના રજિસ્ટ્રેશન અને તેમને રસી મુકવવા નજીકના સેન્ટર પર લાવવા લઈ જવાનું કામગીરી કરી રહી છે. અત્યાર સુધી પોલીસે શાકભાજીના વેપારીઓ, પથારાધારકો, રીક્ષા ચાલકો અને ફેરિયાઓ મળી 6,805ના રજિસ્ટ્રેશન કર્યા છે. તદુપરાંત 4200 લોકોને રસી અપાવી છે.

અન્ય સમાચારો પણ છે...