'મેં નવ મહિના પહેલા ઈંજેશન લીધું હતું. મારા મોબાઈલમાં ફરી મેસેજ આવ્યો એટલે ફરી ઇન્જેશન મુકાવ્યું છે. આ ઘણું સારું છે.મારી ઉંમર 68 વર્ષની છે. અમારા જેવા વડીલોને આ ઇંજેશન ખૂબ લાભદાયક બનશે'. આ શબ્દો છે ભાયલીના વડીલ મહેશભાઇના...
વડોદરા નજીક ભાયલીના 68 વર્ષની ઉંમરના વડીલ મહેશભાઈએ આજે સરકારી દવાખાનામાં કોરોના રસીનો પ્રિકોશન ડોઝ એટલે કે ત્રીજો ડોઝ સરકારના નિયમો અનુસાર લીધો હતો. તેઓ રસીનો ઉલ્લેખ ગામઠી શૈલીમાં ઇન્જેશન તરીકે કરે છે. તેમને ખબર છે કે, બીજો ડોઝ લીધાના 9 મહિના પછી આ તૃતીય સુરક્ષા ચક્ર લઈ શકાય. આરોગ્ય તંત્રે તેમને મોબાઈલમાં ત્રીજો ડોઝ લેવાનો સંદેશ આપ્યો તેમ પણ તેમનું કહેવું છે.
ભાયલીના આ સરકારી દવાખાના ખાતે અગ્રીમ મેસેજ મળ્યો હોવાથી લાયક વડીલો જાગૃતિનો પરિચય આપતાં સ્વયં પહેલથી રસી લેવા આવ્યા હતા. 68 વર્ષની ઉંમરના અન્ય એક વડીલ મહેશ બંધારાએ કહ્યું હતું કે, આ ઘણું સારું છે અને જે લાયક છે એ દરેક જણ સહેજ પણ ગભરાયા વગર ત્રીજો ડોઝ લઈ લે. અન્ય એક વડીલ હસમુખભાઈએ તેમાં સુર પુરાવતા જણાવ્યું કે બૂસ્ટર ડોઝ લેવો જ જોઈએ.
એક તરફ આ વડીલો છે જેમણે પ્રિકોશન રસીકરણ શરૂ થયાના પહેલા જ દિવસે, પહેલા કલાકોમાં રસી લેવાની જાગૃતિ દાખવી છે. તો બીજી તરફ હજુ થોડા ઘણાં એવા લોકો પણ છે જેમણે પહેલો ડોઝ પણ લીધો નથી અથવા જે બીજા ડોઝ ને પાત્ર થઈ જવા છતાં તે લેવામાં આળસ દાખવી રહ્યા છે.આ વડીલોની જાગૃતિ તેમને સત્વરે રસી લેવા પ્રેરિત કરે તેવી અપેક્ષા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.