31મી મે ના રોજ દેશભરમાં ટ્રેનોના પૈડાં થંભી જાય તેવી શકયતા છે, કારણ કે 31મીના રોજ પોતાની જૂની માંગોને લઇને દેશભરના સ્ટેશન માસ્ટરોએ માસ સીએલ પર જવાનો નિર્ણય લીધો છે. જો સરકાર અને સ્ટેશન માસ્ટરો વચ્ચેની વાતચીતનું કોઈ પરિણામ નહી આવે તો વિવિધ સ્ટેશનો ખાતે સ્ટેશન માસ્ટરોની જગ્યાએ અન્ય સ્ટાફને બેસાડવો પડશે જેથી રેલ વ્યવહાર પણ અસર થશે.
આ લડતમાં વડોદરાના 250 સ્ટેશન માસ્તરો સહિત વેસ્ટર્ન રેલવેના 2500 સ્ટેશન માસ્ટરોએ જોડાવા માટે તૈયારી બતાવી છે અને માસ સીએલ માટે અરજી આપી છે. જો કે તંત્રએ કોઇની માસ સીએલ મંજૂર ના કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
ઓલ ઇન્ડીયા સ્ટેશન માસ્ટર એસો.ના વડોદરા ડિવિઝનના ડિવીઝનલ સેક્રેટરી લક્ષ્મીનારાયણ પ્રસાદે જણાવ્યું હતું કે ‘અમારી 7 મુદાની માંગ છે, જેમાં નાઇટ ડયુટી ભથ્થાંની વેતન સીલીંગ લિમીટ રૂા.43600નો આદેશ રદ કરવો, કર્મયારીઓ પાસેથી રીકવરીનો આદેશ પાછો ખેંચાય, ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાય અને સ્ટેશન માસ્ટરને સેફટી અને માનસિક દબાણ ભથ્થું જેવી માંગોનો સમાવેશ થાય છે. 2 વર્ષથી રજૂઆત છતાં રેલવે તરફથી પ્રતિસાદ મળ્યો નથી. જેથી એક દિવસની માસ સીએલનો નિર્ણય કરાયો છે.
વડોદરા ડિવિઝનના 500 પૈકી 250 સ્ટેશન માસ્ટરોએ અત્યાર સુધી માસ સીએલમાં જોડાવા માટે મંજૂરી આપી છે. ડીઆરએમ અમીત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે 31મી મેના રોજ સ્ટેશન માસ્ટરો માસ સીએલ માટે જવાના છે તે બાબતે આવેદન આપેલું છે અને આ બાબતનું અમે નીરીક્ષણ કરી રહ્યા છે.જયારે વેસ્ટર્ન રેલવેના જીએમ દ્વારા વડોદરા રેલવે ડિવિઝનના સતાધીશોને કોઈ પણ સ્ટેશન માસ્ટર, એન્જીન ડ્રાઈવરો અને ગાર્ડને 31મી મેના રોજ માસ સીએલ ન આપવા સુચના આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.