અઢી લાખની લાંચનો કેસ:CGSTના 2 અધિકારીને જામીન મળશે તો પુરાવા સાથે ચેડાં કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી લાખની લાંચના કેસમાં જામીન અરજીની સુનાવણી
  • બંને પક્ષે દલીલો બાદ ચુકાદો મંગળવાર પર મુલતવી રખાયો

કંપનીને સીલ નહીં મારવાના બદલામાં રૂા.2.50 લાખની લાંચ લેતાં ઝડપાયેલા 2 સીજીએસટીના અધિકારીએ અત્રેની અદાલતમાં જામીન અરજી મૂકતાં તે અરજીમાં બંને પક્ષે દલીલો પૂરી થઇ હતી.કેસની વિગત એવી છે કે, હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં આવેલી જય કુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લિ. નામની કંપનીમાં સર્ચ કર્યા બાદ કંપનીને સીલ નહીં મારવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક નીતિનકુમાર રામસિંગ ગૌતમે રૂા.10 લાખની લાંચની માગણી કરી હતી અને સ્થળ પરથી રૂા.50 હજાર રોકડા લીધા હતા.

ત્યાર બાદ લાંચની રૂા.2,50 લાખની રકમ તેમણે ઓફિસમાં આવીને ઇન્સ્પેક્ટર શિવરાજ સત્યનારાયણ મીણાને આપી દેવાનું જણાવતાં એસીબીએ છટકું ગોઠવી અધિક્ષક નીતિનકુમાર તેમજ ઇન્સ્પેક્ટર શિવરાજ મીણાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કેસમાં નીતિનકુમાર ગૌતમ તેમજ શિવરાજ મીણાએ જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા.

તેમણે રજૂઆત કરી હતી કે, અરજદારો સામે ભ્રષ્ટાચારનો ગંભીર પ્રકારનો ગુનો છે. અરજદારો સામે પૂરતા પુરાવા છે. જો જામીન અપાશે તો પુરાવા સાથે ચેડાં કરશે અને ફરાર થઇ જશે. અરજદારના વોઇસ સેમ્પલ લેવાનાં બાકી છે. ન્યાયાધીશે બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવાર પર મુલતવી રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...