કુન્દનના મગરના આંસુ:PMને પત્ર લખી કહ્યું, મારી સાથે અન્યાય થયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઇન આર્ટસમાં હિન્દુ દેવી દેવતાઓના બિભત્સ ચિત્રો બનાવી મૂક્યા હતા
  • ફેકલ્ટીમાંથી​​​​​​​ ચિત્ર બનાવવાની ના પાડી હોવા છતાં બનાવ્યા અને ડિસ્પ્લેમાં મૂક્યા, હવે કહે છે, મારો ઈરાદો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં એન્યુઅલ ડીસ્પ્લેમાં હિન્દુ દેવી દેવતાઓના બિભસ્ત ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુન્દર કુમારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો છે. વિદ્યાર્થીએ તેનો રાઇટ ટુ એજયુકેશનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હોવાનું જણાવી કોઇની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો ના હોવાનું પત્રમાં જણાવ્યું હતું.

વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી 5 મીનીટ મુલાકાત આપે અને તેની વ્યથા સાંભળે તે માટે પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે, તાજેતરમાં મારા આર્ટ વર્કનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને મારી ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટસ પર હુમલો કરવા માટે એક સાધન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિહારના એક નાનકડા ગામમાં સ્થિત એક અત્યંત ગરીબ પરિવારમાંથી આવું છું. હું એક મજૂરનો પુત્ર છું અને અમારી વાર્ષિક આવક ગરીબી રેખા નીચે આવે છે.

મને સાંભળવામાં આવ્યો ના હતો અને મેં જે ગુન્હો કર્યો ના હતો તેના માટે સજા કરવામાં આવી હતી. હું આ આશા સાથે આ પત્ર લખી રહ્યો છું કે તમે મારો પક્ષ સાંભળશો અને મને તમને રૂબરૂ મળવા માટે થોડો સમય ફાળવશો. મારા શિક્ષણના અધિકાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમએસયુના તમામ વિભાગોમાંથી મને રસ્ટિકેટ કરીને અટકાવવામાં આવ્યો હતો. હું તમને નમ્ર વિનંતી સાથે લખી રહ્યો છું કે મને ફેકલ્ટીમાં મારું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરો. મારો ઈરાદો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો.

મારા આર્ટવર્કના માધ્યમથી આપણા દેશમાં જ્યાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે ત્યાં મહિલાઓ સાથે થતી હિંસા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. બિહારના નાના શહેરનો છોકરો, અહીં પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા વડોદરા આવ્યો હતો. મારા પિતા અભણ છે જેઓ મને શિક્ષિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

એમએસયુમાં કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં બીજા ક્રમે આવ્યો હતો. કૃપા કરીને મને તમારા કિંમતી સમયમાંથી 5 મિનિટ આપો, જેથી હું તમને મળી શકું અને 18મીએ જ્યારે તમે વડોદરાની મુલાકાતે આવો ત્યારે તમને મારી વાત સમજાવી શકું. અથવા કૃપા કરીને મને દિલ્હીમાં તમને મળવાની પરવાનગી આપો. અત્રે ઉલ્લેખનિય છે કે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એન્યુઅલ ડિસ્પ્લે સમયે કુન્દને વાંધાજનક ચિત્રો મુકતાં ભારે હોબાળો મચ્યો હતો. તેને યુનિ.એ રેસ્ટિકેટ કર્યો હતો.

સિન્ડિકેટ સભ્યનો સામો પત્ર : રેસ્ટીકેટનો નિર્ણય યોગ્ય છે
સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ પીએમને ઇ-મેઇલ કરીને અપીલ કરી હતી કે વિદ્યાર્થીએ હિન્દુ દેવી દેવતાઓના જે ચિત્રો બનાવ્યા છે તે ઇરાદા પૂર્વક હતા અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને રસ્ટીકેટ કરવાનો નિર્ણય યોગ્ય છે જેથી તે બદલવામાં ના આવે. સમાજમાં દાખલો બેસે તે પ્રકારનો છે. ફેકલ્ટી ડીન જયરામ પોંડવાલ પણ ઘટનામાં જવાબદાર છે. 2007માં જે ઘટના બની હતી તે સમયે પણ તેઓ કમીટીના રિપોર્ટમાં જવાબદાર હતા.

અન્ય સમાચારો પણ છે...