ભાસ્કર એક્સક્લુઝિવ:‘નરાધમ ASI નાસીરની સામે જો ગુનો નહીં નોંધાય તો મારે આત્મહત્યા કરી લેવી પડશે’

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ASI નાસીરના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ હૈયાવરાળ ઠાલવી

એ નરાધમ નાસીર સામે પોલીસ ગુનો નહી નોંધે તો ના છૂટકે મારે આત્મહત્યા કરવી પડશે. એમ એએસઆઇના દુષ્કર્મનો ત્રણ-ત્રણ વાર ભોગ બનેલી મહિલાએ સૌ પ્રથમ વાર બહાર આવીને દિવ્ય ભાસ્કર સમક્ષ આપવીતી જણાવી હતી. તેણે પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેણે અદાલતમાં 164 મુજબના નિવેદન નોંધવા માંગ કરી છે.

પાણીગેટ પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા અને હાલમાં એસઓજી બાદ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાયેલા એએસઆઇ મહંમદ નાસીર અનવરમિયાં બક્કલ નંબર 893 સામે પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં મને નાસીરે ધમકી આપી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કહ્યું હતું. જેની તપાસ પાણીગેટ બાદમાં ઇ-ડિવિઝનના એસીપી જી.ડી.પલસાણાને સોંપવામાં આવી હતી.

ગંભીર પ્રકારની ફરિયાદ હોવા છતાં પોલીસ મને વારંવાર ધક્કા ખવડાવી જેમતેમ સમજાવી નિવેદન બદલી કરતી હતી. જો નરાધમ નાસીર સામે ગુનો નહી નોંધીને તેને જેલમાં ધકેલવામાં નહીં આવે તો મારું અને પરીવારનું જીવવું તે હરામ કરી નાખશે. એના કરતા હું જાતે મરી જવાનું પસંદ કરીશ. પોલીસ અધિકારીઓ મારી સાથે યોગ્ય વર્તન કરી રહ્યાં નથી. દુષ્કર્મ ગુજારનાર પોલીસ વિભાગનો જ હોવાથી એને બચાવવા માટે નિવેદનને તોડી મરોડીને લખાવવા માટે મને દબાણ કરવામાં આવે છે. તેને માત્ર સસ્પેન્ડ કરીને ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નરાધમ નાસીર જેટલીવાર ઘરે આવતો હતો તેટલી વાર મને કહેતો હતો કે, પીઆઇ પણ મારા ઇશારે જ કાર્યવાહી કરે છે. આખું પોલીસ સ્ટેશન હું જ ચલાવી રહ્યો છું. આવું કહીને તે મને ધમકી આપીને મારી ઉપર દુષ્કર્મ ગુજારતો હતો. મારી ફરિયાદ બાદ પણ એ ધમપછાડા કરતો હોવાની જાણકારી પણ મને મળી હતી. ત્યારે હવે જો એ સસ્પેન્ડ થઈને ખુલ્લો ફરશે તો મારી અને મારા પરિવારની જાનને જોખમ છે. તેથી એએસઆઇ નાસીરની સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેને જેલના હવાલે કરવો જરૂરી છે.

તમને ન્યાય મળશે, અમે નાસીરને સસ્પેન્ડ કરીને શિક્ષા આપીશું એવું નિવેદન લેનારે મને જણાવ્યું હતું. પણ મને ગુનો નોંધાવો અને સસ્પેન્ડ કરવા આ બન્ને વચ્ચેનો તફાવત ખબર ન હતો. જેને કારણે નાસીરનો બચાવ થઇ જાય તે પ્રકારનું નિવેદન મારી પાસે લખાવીને સહી કરાવી લેવામાં આવી હતી. જેનો ખ્યાલ ઘરે જઈને મને અને મારા પતિને આવ્યો હતો. હવે હું એસીપી સમક્ષ જઇને મારું નિવેદન બદલવા માટે અરજી કરવાની છું. જેથી નાસીરને યોગ્ય સજા મળી શકે. ( નિરજ પટેલ સાથે થયેલી વાતચિતને આધારે)

પીડિતા નિવેદન બદલવા માટે એસીપી સમક્ષ પહોંચી
નાસીરને માત્ર સસ્પેન્ડ કરી બચાવી લેવાનો તખ્તો ઘડી સમજ આપ્યા વિના ઉતાવળે નિવેદન લઈ સહી કરાવી લીધી હોવાની જાણકારી મળતાં જ મહિલા પતિ સાથે આજે નિવેદન બદલી એની સામે ગુનો નોંધવાની વાત કરી હતી. પરંતુ એસીપીએ સારું પછી તમને ફોન કરીને બોલાવીશું એમ કહી રવાના કરી દેતા મહિલાએ હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.

હું તાત્કાલિક તપાસ કરાવું છું
ડીસીપી યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, તપાસ એસીપી પલસાણા કરે છે. જેમને મહિલાએ નિવેદનમાં કહ્યું કે, સસ્પેન્ડ કરો તો વાંધો નથી. છતાં મહિલા ગુનો નોંધવા માંગ કરશે અને ગુનો બનતો હશે તો નોંધાઇ શકે છે. આ બાબત ગંભીર છે. તપાસ કરાવું છું.

અન્ય સમાચારો પણ છે...