અટકળો:મારા દીકરાને પાછલી બારીએથી ટિકિટ અપાવીશ: મધુ શ્રીવાસ્તવ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી ઘણી પાર્ટી હોવાનું કહેનાર ધારાસભ્ય પાણીમાં બેઠા
  • ગોપી તલાટી અને દિપક અપક્ષ તરીકે સાથે ઝંપલાવે તેવી અટકળો

ભાજપ મોવડી મંડળ દ્વારા સગા-વ્હાલાઓને ટિકિટ નહીં આપવાના નિર્ણયના પગલે પુત્ર દિપકની ટીકીટ કપાઈ જતા નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પક્ષ સાથે વાતચીત કરી પાછલી બારીથી પુત્રને ટીકીટ અપાવીશ તેમ કહી રહ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હજુ શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

ત્યારે છેલ્લા દિવસે નવાજુની થશે. મારા દિકરાને ટિકિટ અપાવવા હું પાર્ટીની પાછલી બારીઅેથી પ્રયત્ન કરી રહ્યો છું. મારા પુત્રને ભાજપમાંથી ટીકીટ મળશે જ. ટિકિટ નહીં મળે તો દિકરાને અપક્ષ કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવશો? પ્રશ્નના જવાબમાં કહ્યું કે,બીજી કોઈ પાર્ટી કે અપક્ષમાંથી દિકરાને ચૂંટણી લડાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.દિવસભર ગોપી તલાટી અને દિપક શ્રીવાસ્તવ વોર્ડ 15માંથી અપક્ષ તરીકે ઝંપલાવે તેવી ચર્ચા થઇ રહી છે.

ગોપીની સ્પષ્ટ વાત, હું અપક્ષ નહીં લડું
અપક્ષ ઉમેદવારી અંગે ગોપી તલાટીએ જણાવ્યું હતું કે, આ વાત તદ્દન પાયાવિહોણી છે. પાર્ટીએ મને વોર્ડ 15માંથી ટિકિટ આપવા સામેથી જણાવ્યું હતું.પરંતું હું વોર્ડ 8 માં ટૂંક સમયમાં રહેવા જવાનો હોવાથી મેં સામેથી વોર્ડ નંબર 15માંથી ટિકિટ નથી જોઈતી તેમ પક્ષને જણાવી દીધું હતું. હું ભાજપનો સૈનિક છું,અને ભાજપને જ વફાદાર રહીશ.

પોસ્ટ ‌વાઇરલ થતા નિલમ શ્રીવાસ્તવે સોશિયલ મીડિયાની પ્રોફાઈલ લોક કરી

મધુ શ્રીવાસ્તવે પોતાની દિકરી નિલમના લગ્ન થઈ ગયા હોવાથી તે પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ અટક નથી લગાવતી,તેમ જણાવી પુત્રી નિલમને ટિકિટ મળશે તેમ જણાવ્યું હતું. જોકે મધુ શ્રીવાસ્તવના આ નિવેદન બાદ નિલમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની નિલમ શ્રીવાસ્તવ નામ સાથે લખેલી પોસ્ટ શુક્રવારે વાયરલ થઈ હતી. જેના પગલે નિલમે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ લોક કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...