મને રોજરોજ ગૌ માંસ ખાવા માટે ફરજ પડાતી હતી. નમાજ પઢવા મજબૂર કરાતી હતી. બુરખો પહેર્યા વગર ઘરની બહાર નીકળવાની છૂટ ન હતી. રોજે રોજ મારવાનો ક્રમ બની ગયો હતો. મને જાતિ વિષયક અપશબ્દો બોલતા અને જમીન ઉપર સૂવડાવતા હતા... આ શબ્દો લવ જેહાદનો ભોગ બન્યા બાદ નવા કાયદા હેઠળ રાજ્યની સૌ પ્રથમ ફરિયાદી દલિત યુવતીના છે.
અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી આ યુવતીએ કાકલૂદી કરતાં દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ધમકીથી ડરીને મેં કોર્ટમાં કરેલું સોગંદનામું એ મારી જિંદગીની મોટી ભૂલ હતી. યુવતી હાથ જોડી સરકાર, ન્યાય તંત્ર અને પોલીસને વિંનતી કરે છે કે મારી અગાઉની ફરિયાદ ફરીથી ખોલાય અને મારી ઉપર ત્રાસ ગુજારનાર અને મારા આવનારા બાળકની હત્યા કરનાર પતિ અને સાસરિયાંને દાખલો બેસે એવી કડક સજા થાય એવી મારી માંગ છે. લવ જેહાદનો કડક કાયદો બન્યા બાદ ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ પતિ સમીર કુરેશી, સસરા અબ્દુલ કુરેશી, સાસુ ફરીદા કુરેશી, નણંદ રુક્ષાર રહે .આદર્શ નગર ,તરસાલી હાઇવે તથા ઈર્શાદ શેખ રહે. હાલોલ સહિત અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં લગ્ન બાદ જબરજસ્તી ધર્મ પરિવર્તનની ફરજ ઉપરાંત અને માર મારવાનો આરોપ હતો. લવ જેહાદની આ પ્રથમ ફરિયાદ હોવાથી ચકચારી બની હતી. જોકે હાઈકોર્ટમાં યુવતી સોગંદનામું કરી ફરી ગઈ હતી. આ અંગે તેણે જણાવ્યું હતું કે હું પતિ અને સાસરિયાએ મારા માબાપને મારી નાખવાની આપેલી ધમકીથી ગભરાઈ ગઈ હતી એટલે આવું સોગંદનામું કર્યું હતું. પરંતુ ત્યાર બાદ મારી જિંદગી નર્ક બની ગઈ હતી. હાઈકોર્ટમાં સોગંદનામા પછી કેસ પતી જતાં સાસરિયાનું સાચું સ્વરૂપ બહાર આવ્યું હતું.
ત્રાસ તો હું રોજ સહન કરતી હતી પરંતુ છઠ્ઠી જાન્યુઆરીએ હું ગર્ભવતી છું એની જાણ થતાં ગુસ્સામાં આવી મારા પતિ અને સસરાએ પેટના ભાગે અને ગુપ્ત ભાગે જોર જોરથી લાતો મારી હતી. મારી સાસુએ પણ મને સાવરણીથી મારી હતી. ગંદી ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હતું. માંડ માંડ મેં ફોન કરી પોલીસને બોલાવી હતી અને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઇ હતી જ્યાં મારો ગર્ભપાત થઇ ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેને લઇ હું હવે મારા પતિ અને સાસરિયાં સામે ફરિયાદ કરવા મક્કમ બની છું અને મારી વિનંતી છે કે મને ન્યાય અપાવી પતિ અને સાસરિયાંને કડક સજા મળે એવી કાર્યવાહી થાય. વકીલ નીરજ જૈને આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં પોલીસે ઊંડી તપાસ કરવી જોઈએ.
મારા ગર્ભમાં રહેલા બાળકની હત્યા અંગે પણ કાર્યવાહી થવી જોઈએ
યુવતીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે કેસમાં સાસરિયા છૂટી ગયા બાદ મારી સાથે વર્તન બદલાયું હતું. હું ગર્ભવતી બની એની જાણ થતાં મને બાળકને લઇને તું તારા બાપને ત્યાં જતી રહેજે એવું કહી મને પેટના ભાગે પતિએ લાતો મારી હતી અને સસરાએ પીઠના ભાગે મારી હતી. ગોત્રી હોસ્પિટલમાં ઇજાની સારવાર દરમિયાન મને ગર્ભપાત થઇ ગયો હતો જે અસહ્ય મારના કારણે થયો હોવાનું તબીબોએ જણાવ્યું છે તો પોલીસે ફરિયાદમાં મારા બાળકની હત્યાની કલામ ઉમેરવી જોઈએ એવી મારી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.