બૂટલેગરનો VIDEO VIRAL:'હું બિયરની 12 બોટલ લઈને જતો હતો ને બે પોલીસકર્મીએ મને રોક્યો, દોઢ લાખ માગ્યા, 50 હજાર લઈને મને છોડ્યો'

વડોદરાએક મહિનો પહેલા

31 ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે બૂટલેગરને બિયરની 12 બોટલ સાથે ઝડપ્યો હતો. એ બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બૂટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થયો છે. એને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસે બૂટલેગર પાસે દોઢ લાખની માગણી કરી હતી. અંતે, 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો વીડિયો વાઇરલ થયો છે. એમાં પોલીસે બિયર ભરેલી બોટલ પણ લઇ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, વાયરલ વીડિયોમાં દેખાતો નગીન જાદવ લિસ્ટેડ બુટલેગર છે. તેના વિરૂદ્ધ અગાઉ પણ 4 ગુના દાખલ થયેલા છે. હાલમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોય અને પોલીસ વિરૂદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે. જેમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે એક્ટિવા અને મોબાઈલ જપ્ત કર્યો
અગાઉ દારૂ વેચતા અનેકવાર ઝડપાયેલો નગીન ભીખાભાઈ જાદવ નામના બૂટલેગરનો વીડિયો વાઇરલ થયો છે અને પોલીસે રૂપિયા લીધા બાદ પણ એક્ટિવા અને મોબાઈલ જપ્ત કરી લીધો હોવાનું જણાવતાં પોલીસબેડામાં પણ ચકચાર મચી ગઈ છે.

બૂટલેગર નગીન ભીખાભાઈ જાદવ.
બૂટલેગર નગીન ભીખાભાઈ જાદવ.

બિયરની 12 બોટલો સાથે મને ઝડપ્યો વીડિયોમાં બૂટલેગર નગીન જણાવી રહ્યો છે કે હું દંતેશ્વર તરફથી એક્ટિવાની ડેકીમાં બિયરની 12 બોટલ લઈને આવી રહ્યો હતો, ત્યારે વાડી પોલીસ મથકની હદમાં આનંદસિંહ અને જંબા બાપુ નામના પોલીસકર્મચારીઓએ ચેકિંગ માટે મને અટકાવ્યો હતો અને બિયરની બોટલો જપ્ત કરી લીધી હતી. મેં છોડી દેવા જણાવતાં મને વ્યવહાર કરવો પડશે એમ જણાવ્યું હતું. તેમણે મારી પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી. જો માગેલી રકમ આપશે તો એક જ બિયર બોટલનો કેસ કરી મોબાઈલ અને એક્ટિવા પણ જપ્ત નહીં કરે, એમ તેમણે જણાવ્યું હતું.

વાડી પોલીસ સ્ટેશન.
વાડી પોલીસ સ્ટેશન.

50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા
રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી થતાં મેં રૂપિયા આપી દીધા બાદ પણ પોલીસે એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા હતા. મારી પાસેથી બિયરની 12 બોટલ પણ લઈ લીધી હોવાથી મને ગુસ્સો ચડતાં મેં વીડિયો આ વાઇરલ કર્યો છે, એમ બૂટલેગરે જણાવ્યું હતું.

બૂટલેગરે વીડિયોમાં પોલીસ સામે આક્ષેપો કર્યા.
બૂટલેગરે વીડિયોમાં પોલીસ સામે આક્ષેપો કર્યા.

તમામ આરોપોની તપાસ કરીશું : એસીપી
એસીપી ઇ ડિવિઝન જી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે બૂટલેગર પાસેથી વાડી પોલીસે રૂપિયા લઈ છોડી દીધો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. બૂટલેગરે લગાવેલા આરોપોની તપાસ થશે. હાલ વીડિયોની ચકાસણી ચાલી રહી હોવાનું એસીપીએ જણાવ્યું હતું.

અગાઉ હુસૈન સુન્નીનો વીડિયો વાઇરલ થયો હતો
એક વર્ષ પહેલાં વડોદરામાં બૂટલેગર હુસૈન સુન્નીનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેણે કહ્યું હતું કે 'મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, પીઆઇની પણ 50 ટકા ભાગીદારી છે, તમને હોમ ડિલિવરી પણ મળશે.' પંકજભાઇ, પીઆઇ સાહેબ, વનરાજભાઇ, તરુણભાઇ, મનોજભાઇ કહાર અને ચંદુભાઇ અને અમે ત્રણ લોકોએ મળીને દારૂનો ધંધો ચાલુ કર્યો છે. મારી દારૂની પેટીઓ પકડાઇ છે. આ અમે પોલીસને સામે ચાલીને કામ આપ્યા છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો. તમને જે જોઈએ એની હોમ ડિલિવરી પણ મળશે.

પોલીસ પર આક્ષેપ કરતો બૂટલેગર હુસૈન સુન્નીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસ પર આક્ષેપ કરતો બૂટલેગર હુસૈન સુન્નીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં ચકચાર મચી ગઈ હતી.

પીઆઇ સાહેબે પરમિશન આપી જ દીધી છે
બૂટલેગરે આરોપ લગાવતાં જણાવ્યું છે કે હું આ વીડિયો એટલે અપલોડ કરું છુ કે હું પોલીસને કામ આપી આપીને થાકી ગયો છું. પોલીસ મને હજી કહે છે કે તું 50-100 કેસ તારા નામ પર કરાવી લે. પછી અમે તને મોટી પરમિશન આપી દઇએ છીએ. પીઆઇ સાહેબે પરમિશન આપી જ દીધી છે. તમારે કોઇ ટેન્શન લેવાની જરૂર નથી. મનોજભાઇ, ચંદુભાઇ અને હુસૈનભાઇએ, મારું નામ હુસૈનભાઇ છે. અમે ત્રણ જણાએ સંપ કરી લીધો છે. ત્રણ લોકોએ ખુલ્લેઆમ ભાગમાં ધંધો ચાલુ કરી દીધો છે, જેમાં પંકજભાઇ અને પીઆઇ સાહેબ પૂરેપૂરા ભાગમાં છે 50 ટકામાં. તમે બિનધાસ્ત મારે ત્યાં દારૂ લેવા આવો. તમને કોઇ પકડે નહીં. આ હુસૈનનો દાવો છે.

પોલીસે બૂટલેગર હુસૈન સુન્ની અને તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ પઠાણની ધરપકડ કરી હતી.
પોલીસે બૂટલેગર હુસૈન સુન્ની અને તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ પઠાણની ધરપકડ કરી હતી.

હુસૈન સુન્ની સામે 65 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
વીડિયો વાઇરલ કરીને પોલીસ સામે આક્ષેપો કરનાર બૂટલેગર હુસૈન સુન્ની અને તેના સાગરીત ઇમરાન ઉર્ફે લાલુ પઠાણની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હુસૈન સુન્ની સામે 65 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કચરામાં નામચીન બૂટલેગર હુસૈન સુન્નીએ છુપાવેલી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી હતી. પોતાનો દારૂ પકડાતાં સમસમી ઊઠેલા હુસૈને પોલીસ પર આરોપ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...