ડિપ્રેશનની અસર:'મેં ભણવાની બહુ કોશિશ કરી, પણ છેલ્લે હારી ગયો છું, સોરી મમ્મી...' માતાને મેસેજ કરી સ્ટુડન્ટ આપઘાત કરવા નીકળ્યો, વડોદરા પોલીસે બચાવ્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આપઘાતનો નિર્ણય લેનાર યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરી સમજાવીને પરિવારને સોંપ્યો - Divya Bhaskar
પોલીસે આપઘાતનો નિર્ણય લેનાર યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરી સમજાવીને પરિવારને સોંપ્યો
  • વહેલી સવારે માસીને કોલેજ જવાનું કહીને વિદ્યાર્થી ઘરેથી નીકળ્યો હતો
  • મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં આપઘાત કરવા જાઉ છું, તેવો મેસેજ માતાને કર્યો
  • પોલીસે કમાટીબાગમાંથી વિદ્યાર્થીને શોધ્યો, આપઘાત ન કરવાનું સમજાવીને પરિવારને સોંપ્યો

"મમ્મી-પપ્પા તમે મારા ભણવા પાછળ કેટલો ખર્ચો કરો છો. પરંતુ, મારું ભણવામાં મન લાગતું નથી, હું ડિપ્રેશનમાં આવી ગયો છું. મારી આ વાત કહેવાની મારામાં હિંમત નથી "તેવો માતાને મરાઠીમાં મેસેજ કરીને વહેલી સવારે કોલેજ જવાના નામે આપઘાત કરવા માટે નીકળેલા યુવાનને પોલીસે બચાવી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આપઘાતનો નિર્ણય લેનાર યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરી સમજાવીને પરિવારને સોંપ્યો હતો.

માતાને આપઘાત કરવા જાઉ છું, તેવો મેસેજ કર્યો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો રાકેશ(નામ બદલ્યું છે) મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને તે વડોદરામાં માસીના ઘરે રહે છે અને વડોદરા નજીક આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વહેલી સવારે કોલેજબેગ લઇને તે કોલેજ જવાનું માસીને કહીને નીકળ્યો હતો. દરમિયાન તેણે પોતાના મહારાષ્ટ્રમાં રહેતી માતાને મોબાઇલ ફોન ઉપર મરાઠી ભાષામાં આપઘાત કરવા માટે જાઉ છું. તેવો લાગણીસભર મેસેજ કર્યો હતો.

હવે મારાથી પ્રોબ્લેમ સહન થતો નથી
એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રાકેશે પોતાની માતાને મરાઠી ભાષામાં કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે "સોરી મમ્મી મારે આ કરવું પડે છે. મારું દીમાગ કામ કરતું નથી. આ વિચાર એટલે આવે છે કે હું તમારા કેટલા પૈસા બગાડુ છું. અને પપ્પા અને તું મારા માટે કેટલું બધું કરો છો. પણ મારાથી આ ભણતર થતું નથી અને આ બધુ કહેવાની તાકાત મારામાં નથી. હું ડિપ્રેશનમાં જતો રહેલ છું. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી. મેં ભણવાની બહું કોશિશ કરી, પણ છેલ્લે હું હારી ગયો છું. બસ આટલું જ કહેવું હતું" વહેલી સવારે પુત્રના આવેલા આ મેસેજથી માતા ચોંકી ઉઠી હતી અને રાકેશે કરેલા મેસેજની જાણ પતિને કરી હતી.

માસીએ પોલીસનો સંપર્ક કર્યો
દરમિયાન વહેલી સવારે પુત્રના આપઘાત કરી લેવાના આવેલા મેસેજથી ચિંતાતૂર બની ગયેલી માતાએ તુરંત જ તેઓની વડોદરા રહેતી બહેનને જાણ કરી હતી અને પુત્રને બચાવી લેવા માટે જણાવ્યું હતું. બહેનનો ફોન આવતા જ તેઓએ સમા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. રાકેશને બચાવી લેવા માટે વિનંતી કરી હતી. સમા પોલીસ સ્ટશનના પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે તુરંત જ મેસેજના આધારે શી ટીમ તેમજ સ્ટાફના માણસો બોલાવી ટીમો તૈયાર કરી રાકેશને શોધવા માટે રવાના કરી દીધી હતી.

મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં આપઘાત કરવા જાઉ છું, તેવો મેસેજ માતાને કર્યો હતો
મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં આપઘાત કરવા જાઉ છું, તેવો મેસેજ માતાને કર્યો હતો

કમાટીબાગમાથી સ્ટુડન્ટ મળ્યો
સમા પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અલગ-અલગ બનાવેલી ટીમો દ્વારા ફાજલપુર મહીસાગર બ્રિજ, રેલવે સ્ટેશન, સયાજીગંજ બસ સ્ટેશન, સેફ્રોન ટાવર, મલ્ટીપ્લેક્ષ, કોમ્પ્લેક્ષો તેમજ બગીચાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસની એક ટીમને રાકેશ કમાટીબાગ ખાતેથી મળી આવ્યો હતો. રાકેશને કમાટીબાગ ખાતેથી શોધી કાઢનાર પોલીસ ટીમ રાકેશને સમજાવી પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી.

પોલીસે સ્ટુડન્ટને તેની માસીને સોંપ્યો
આપઘાત કરવા માટે નીકળેલા રાકેશને બચાવી પોલીસ મથકમાં લઇ આવ્યા બાદ પી.આઇ. એન.એચ. બ્રહ્મભટ્ટે રાકેશનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યો હતો. રાકેશને પોતાની ભૂલ સમજાયા બાદ તેના માસીને પોલીસ સ્ટેશનમાં બોલાવી સોંપ્યો હતો. પોલીસે રાકેશ પાસે તેના માતા-પિતા સાથે પણ ફોન ઉપર વાત કરાવી હતી અને રાકેશ પાસે ભવિષ્યમાં આપઘાતનું પગલું નહીં ભરું તેવી ખાતરી અપાવી હતી. રાકેશે સમા પોલીસને જીવ બચાવવા માટે આભાર માન્યો હતો. તે સાથે રાકેશના માસીએ પણ પોલીસ ટીમનો આભાર માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...