એક્સક્લૂઝિવ:મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે, મેં આજે વેક્સિન લીધી તમે પણ વેક્સિન લઇ લો: વડોદરાની વિદ્યાર્થિનીની ભાવુક અપીલ

વડોદરા19 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • મારા પિતાને કોરોના થયો ત્યારે વેક્સિન નહોતી, આજે વેક્સિન મળે છે તો લઇ લો: શ્રાવણી યેવલા
  • 45 વર્ષના રાહુલ યેવલાનું કોરોનાને કારણે મૃત્યું થતાં બે માસૂમ દીકરીઓએ પિતાની હૂંફ ગુમાવી
  • શ્રાવણી યેવલાએ આજે વડોદરાની ઉર્મિ સ્કૂલ ખાતે વેક્સિન લીધી
  • કોરોનામાં પતિ ગુમાવનાર નિલિમાબેને પણ વેક્સિન લેવા લોકોને અપીલ કરી

દેશમાં 15થી 18 વર્ષના કિશોરો માટે આજથી કોરોના વેક્સિન અભિયાનની શરૂઆત થઇ છે, ત્યારે વડોદરામાં કોરોનાકાળમાં પિતા ગુમાવનાર એક માસૂમ વિદ્યાર્થિનીએ કોરોના સામે લડાઇ લડવા માટે વેક્સિન લઇને સૌ કોઇને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી છે. શ્રાવણી નામની આ વિદ્યાર્થિનીએ અપીલ કરી હતી કે, મેં કોરોનામાં પિતા ગુમાવ્યા છે, તે સમયે વેક્સિન ન હતી. મેં આજે વેક્સિન લીધી તમે પણ વેક્સિન લઇ લો.

વેક્સિન લેવાથી કશું નુકસાન થવાનું નથીઃ વિદ્યાર્થિની
વડોદરાના માંજલપુર વિસ્તાર રહેતી અને સમા-સાવલી રોડ પર આવેલી ઉર્મિ સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષિય વિદ્યાર્થિની શ્રાવણી યેવલાએ આજે કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્કૂલમાં જઇને વેક્સિન લીધી હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શ્રાવણીએ જણાવ્યું હતું કે, મેં આજે વેક્સિન લીધી છે. હું બધા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે બધાએ વેક્સિન લેવી જોઇએ. તમે જેટલા વહેલી વેક્સિન લેશો તેટલું સારુ રહેશે. વેક્સિન લેવાથી કશું નુકસાન થવાનું નથી, વેક્સિન તમારા ભલા માટે છે. સરકારે સ્કૂલમાં વેક્સિન માટે સારુ આયોજન કરવામાં આવ્યું છે તેથી 15થી 18 વર્ષના બધાએ વેક્સિન લેવી જોઇએ. મેં વેક્સિન લીધી છે મને સામાન્ય હાથ દુખે છે પણ તે એક બે દિવસ જ દુખશે પણ સારુ થઇ જશે.

નાની બહેન અને માતા સાથે શ્રાવણી યેવલા
નાની બહેન અને માતા સાથે શ્રાવણી યેવલા

કોરોનામાં મે મારા પિતા ગુમાવ્યા
શ્રાવણીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે મારા પિતા (રાહુલ યેવલા) નું મૃત્યું થયું હતું. મારા પિતાને જ્યારે કોરોના થયો ત્યારે વેક્સિન પણ નહોતી. તેથી તમારે વેક્સિન જરૂર લેવી જોઇએ. વેક્સિન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે. મે કોરોનામાં મારા પિતા ગુમાવ્યા છે. હાલ વેક્સિન ઉપલબ્ધ છે તો તમે વેક્સિન જરૂર લો.

મૃતકના પત્ની વાત કરતા કરતા ભાવુક થયા
શ્રાવણીની માતા નિલિમા યેવલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2020માં મારા પતિ રાહુલ શાંતારામ યેવલા વડોદરા ખાતે ખાનગી કંપનીમાંથી નોકરી છોડીને મુંબઇની એક ખાનગી કંપનીમાં નોકરી લાગ્યા હતાં. અમે મુંબઇના વાસી વિસ્તારમાં રહેતા હતાં. દરમિયાન ઓક્ટોબર 2020માં મારા પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ભાવુક થયેલા નિલિમાબેને કહ્યું હતું કે, કોરોનાને કારણે મારા પતિને અમે રવિવારે હોસ્પિટલમાં દાખલ કર્યાં અને શુક્રવારે સવારે તો તેમનું મૃત્યું થઇ ગયું. જેથી અમે વડોદરા પરત રહેવા આવી ગયા. મુંબઇ ખાતેની કંપનીએ પતિનું મૃત્યું થતાં એકપણ રૂપિયાની સહાય કરી નથી.

મૃતક રાહુલ યેવલા સહિત પરિવારની ફાઇલ તસવીર
મૃતક રાહુલ યેવલા સહિત પરિવારની ફાઇલ તસવીર

પિતાનું મૃત્યું થતાં બે દીકરીઓએ પિતા ગુમાવ્યા
રાહુલ યેવલાનું મુંબઇ ખાતે કોરોનાને કારણે મૃત્યું થતાં તેની 17 વર્ષની દીકરી શ્રાવણી અને 13 વર્ષની દીકરી સૃષ્ટીએ પિતાની છત્રછાયા અને હુંફ ગુમાવી છે. શ્રાવણી હાલ ધોરણ 12 સાયન્સમાં વડોદરાના સમા-સાવલી રોડ પર આવલે ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે સૃષ્ટી માંજલપુરમાં આવેલ અંબે સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે.

કોરોનામાં પતિ ગુમાવનાર નિલિમાબેને પણ અપીલ કરી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ગૃહઉદ્યોગ થકી બે દીકરીઓને ભણાવી પરિવારનું ભરણપોષણ કરતા રાહુલભાઇના પત્નીએ ભાવુક થઇને કહ્યું હતું કે, મે કોરોનાના બંને ડોઝ લીધા છે. વેક્સિનથી કોરોના સામે લડવા ઇમ્યુનિટી પાવર મળશે. આપણે ફરી કોરોના થાય તો પણ તેની સામે લડવા તાકાત મળશે. તેથી બધાએ વેક્સિન લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...