માણેજામાં બે ગાયોએ વૃદ્ધાને ભેટી મારી ચગદી નાખતા અરેરાટી વ્યાપી હતી. ઘટના બાદ વિસ્તારમાં પાલિકાએ ઢોરવાડા તોડી ગાયો કબજે લીધી હતી. પરંતુ ઘટનાના જૂજ કલાકોમાં જ ત્યાં ફરીથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળ્યો હતો. બેથી ત્રણ ગાય નાગરિકો પાછળ દોડતી હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી.
વૃદ્ધાને ગાયે ચગદી નાખતા મોત નીપજ્યું હતું. તંત્રે ઢોરવાડા તોડી પાડી 51 ગાયો ઝડપી હતી. જોકે ઘટનાના 24 કલાક બાદ વિસ્તારમાં બેથી ત્રણ ગાયનો ત્રાસ છે. સ્થાનિકો અનુસાર સવારે બેથી ત્રણ ગાય વિસ્તારમાં ફરતી જોવા મળી હતી. હાઉસિંગ સોસાયટીમાંથી પાણી ભરવા આવેલા બે છોકરાઓ પાછળ ગાયો દોડી હતી. તેમજ એક વાહન પાછળ પણ ગાયો દોડતા નાગરિકોમાં ભય ફેલાયો છે.
એકેય રાજનેતા ફરક્યો નહીં
માણેજામાં બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચ્યો હતો. ઘટનાના 24 કલાક બાદ પણ નેતાઓએ મૃતક ગંગાબેનના પરિજનોને સાંત્વના આપવાનું પણ વાજબી લાગ્યું ન હતું. ચૂંટણી ટાણે વોટ માંગવા નીકળતા ધારાસભ્ય અને કાઉન્સિલરો વિસ્તારમાં ના ફરકતાં લોકો નારાજ થયા છે.
શનિવારે 104 પશુ પકડી પાંજરે પૂર્યાં
માણેજાની ઘટના બાદ તંત્રે શહેરમાં સવારથી જ 6 ટીમો ઉતારી હતી. આ ટીમોએ માણેજા, ખોડિયારનગર, ઉંડેરા અને કમલાનગર વિસ્તારમાંથી 52 ઢોર પકડ્યા હતા. જ્યારે બે ઢોરવાડામાંથી પણ 52 ગાય પકડી તેઓને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.