આક્ષેપ:‘મારી ભાજપમાં મોટી ઓળખાણ છે’કહી બિલ્ડરનો પ્રેમિકા સાથે મળી પત્નીને ત્રાસ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અન્ય સ્ત્રી સાથેના મેસેજ જોતાં ભાંડો ફૂટ્યો
  • સસરા ગુજરી ગયા બાદ પતિ પ્રેમિકાને ઘરે રહેવા માટે લઈ આવ્યો હોવાનાે આક્ષેપ

મારી ભાજપમાં મોટી ઓળખાણ છે તેમ કહીને કારેલીબાગના બિલ્ડર પતિ દ્વારા પોતાની પ્રેમિકા સાથે મળીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા પરણિતાએ પોતાના પતિ અને તેની પ્રેમીકા વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરણિતા દ્વારા બિલ્ડર પતિ રોમેશ શાહ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પરણિતાના આક્ષેપ મુજબ તેના લગ્ન નવેમ્બર 1999માં થયા હતાં. 22 વર્ષના લગ્નજીવનમાં દંપત્તીને બે બાળકો પણ છે.

લગ્નના 6 વર્ષ બાદ પતિના વર્તનમાં બદલાવ દેખાયો હતો. તે નજીવી બાબતે ગુસ્સે થતો અને પરણીતા સાથે સંબંધ રાખવાનું પણ બંધ કરી દીધું હતું. પતિના બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાના પગલે પત્નીએ એક દિવસ પતિના મોબાઈલમાં સોશીયલ મીડીયા એપ પર અન્ય સ્ત્રી સાથેના મેસેજ જોયા હતાં. જેમાં પત્નીને ખાતરી થઈ ગઈ હતી કે, પતિના બીજી સ્ત્રી સાથે પ્રેમસંબંધ છે. આ વાતની ખરાઈ માટે પૂછતા પતિએ સ્વીકાર્યું કે,ભરૂચની યુવતી સાથે તેને પ્રેમસંબંધ હતા,ત્યાર બાદ આ યુવતીના લંડન લગ્ન થઈ ગયા હતાં.

વર્ષ 2013 થી તે લંડનથી પરત આવતા એકબીજાને પ્રેમ કરતા થયા હતાં. આમ કહી પતિએ હું પ્રેમીકા સાથે જ રહીશ અને તેને ઘરે લઈ આવવાનો છું, તેમ કહીને પત્નીને તારાથી જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. આ યુવતી વડોદરામાં પોતાના બે બાળકો અને સાસુ સાથે રહેતી હતી,તેનો પતિ લંડન રહેતો હતો. જેથી પતિ વારંવાર પ્રેમીકાને મળવા તેના ઘરે પણ જતો હતો. પતિ ઘણી વખત પ્રેમીકા સાથે જ રાતે સૂતો પણ હતો.

આ દરમિયાન પરણિતાએ પતિની પ્રેમીકાને મળી હતી, જેમાં ‘તું તારા પતિને સંતોષ નથી આપી શકતી, તેથી તારો પતિ મારી પાસે આવે છે’ તેમ જણાવ્યું હતું. પ્રેમીકાએ પરણિતાને લાફા પણ ઝીંકી દિધા હતાં. દરમિયાન પરણિતાના સસરા ગુજરી ગયા બાદ પતિ પ્રેમીકાને ઘરે રહેવા લઈ આવ્યો હતો. પરણિતાના સાસુ મે 2021માં અમેરીકા જતા રહ્યા બાદ પ્રેમીકાની ચઢામણી બાદ પરણિતાની ગેરહાજરીમાં કપડા અને સામાન ઘરની બહાર ફેંકી દિધો હતો.

પરણિતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસે પતિ અને તેની પ્રેમીકાને લઈ ગઈ હતી. પતિ દ્વારા લગ્ન સમયનો પાંચ તોલાનો સોનાનો સેટ સહિત 35 તોલા સોનું લઈ લીધું હતું અને મારી ભાજપમાં મોટી ઓળખાણ છે, તંુ મારું કંઈ બગાડી શકવાની નથી તેવી ધમકી આપી હતી. આ ધમકી બાદ પરણિતાએ પોતાના પતિ અને તેની પ્રેમીકા વિરૂધ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...