વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતો અને સાઇબર સિક્યુરીટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો 19 વર્ષિય સ્ટુડન્ટ પિતાના મોબાઇલ ફોન ઉપર " હું મારા નિર્ણયથી મેં કોલેજ અને ગુજરાત છોડી દીધું છે. મારે ભણવું નથી. મારે મારું જીવન પોતાની રીતે જીવવુ છે. તેવો વોટ્સએપ મેસેજ કરીને કોલેજમાંથી જતો રહ્યો છે. વાઘોડિયા પોલીસે વિદ્યાર્થીના કાકાએ આપેલી ગુમ થયાની અરજીના આધારે શોધખોળ શરૂ કરી છે.
વિદ્યાર્થી કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો
વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાંથી જતા રહેલા વિદ્યાર્થીના કાકાએ વાઘોડીયા પોલીસ મથકમાં આપેલી આપેલી અરજીમાં જણાવ્યું છે કે, હું એકાઉન્ટનું કામ કરું છું. મારા મોટાભાઇનો પુત્ર વાઘોડિયા પારૂલ યુનિવર્સિટીમાં આવેલ ટાગોર ભવન-એ હોસ્ટેલના રૂમ નંબર-469માં રહે છે. અને પારૂલ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરીટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
ગુજરાત છોડી દીધું છે
તેમણે અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, તા.11-1-023ની રાત્રે 11-30 વાગ્યાના સુમારે બેગ લઇને નીકળી ગયેલ છે. મયુર રાઠોડે તા.12-1-023ના રોજ સવારે 7-56 વાગે તેના પિતાના મોબાઇલના વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું છે કે, " હું મારા નિર્ણયથી મેં કોલેજ અને ગુજરાત છોડી દીધું છે. મારે ભણવું નથી. મારે મારું જીવન પોતાની રીતે જીવવુ છે., આમા મારા પરિવારનો કોઇ દોષ નથી"
કોલેજમાંથી નીકળતા દેખાયો
કાકાએ પોલીસ મથકમાં આપેલી અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, મારા મોટાભાઇએ જણાવ્યું હતું કે, મારા મોબાઇલ ઉપર આજે તા. 12-1-023ના રોજ સવારે 7-56 વાગે મને ભત્રિજના આવેલા મેસેજ અંગે જાણ કરતા તુરત જ અમે તેના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, થઇ શક્યો ન હતો. તે બાદ કોલેજમાં તપાસ કરતા પણ તેનો સંપર્ક થઇ શક્યો ન હતો. આથી અમોએ કોલેજમાં જઇ તપાસ કરી હતી અને મિત્ર વર્તુળની પૂછપરછ કરી હતી. પરંતુ, તેની કોઇ માહિતી મળી ન હતી. આથી અમોએ કોલેજના સીસીટીવી ચેક કરતા તા.11-1-023ના રોજ 11-36 કલાકે કોલેજના મુખ્ય ગેટથી બેગ સાથે નીકળતા જણાયો હતો. તે નીકળ્યો ત્યારે તેને ક્રિમ કલરનું અડધી બાયનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.
કોલેજ કેમ્પસમાં ચકચાર
વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરીટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજમાંથી જતો રહ્યો હોવાની જાણ વાયુવેગે કોલેજ કેમ્પસમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ છે. તે સાથે ગૂમ થયાના સ્થાનિક સમાજના સોશ્યલ મીડિયા ગૃપમાં પણ તેના સગડ આપવા અંગેના મેસેજ વાઈરલ થયા છે. બીજી બાજુ તેના પરિવારજનો દ્વારા પણ તેમના નજીકના પરિવારજનો સહિત આસપાસના રાજ્યોમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.
તપાસ ચાલી રહી છે
વાઘોડિયા પોલીસે પણ અરજીના આધારે કોલેજમાંથી જતા રહેલાની શોધખોળ શરૂ કરી છે. આ અંગે વાઘોડિયાના પી.આઇ. પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીમાંથી જતા રહેલ વિદ્યાર્થીની શોધખોળ ચાલી રહી છે. કોલેજમાંથી જતા પહેલાં તેના મિત્રો દ્વારા તેનો મેઇલ આઇ.ડી. સહિતના સંપર્ક સુત્રો બ્લોક કરાવી દીધા હતા. છતાં સી.સી. ટી.વી. ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ સોર્સીસથી તપાસ કરવામાં આવી રહી છે. તેણે છેલ્લે કોના સંપર્કમાં હતો તે જાણવા માટે CDR ની તપાસ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત તેના મિત્ર વર્તુળની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.