લાલબાગ તળાવનું આયુર્વેદિક અને જૈવિક ટ્રીટમેન્ટથી શુદ્ધિકરણ થશે જેની અસર 24 કલાકમાં થશે તેવો દાવો સંસ્થા દવારા કરાયો હતો. જોકે એક મહિનો વીતવા છતાં પરિસ્થિતિ પહેલાં હતી તેવી જ જોવા મળી છે. ઉનાળામાં પાણીની સમસ્યા હોવા છતાં 3.5 લાખ લિટરનો વેડફાટ થયો હોવાનું સપાટી પર આવ્યું છે. પાલિકાએ લાલબાગ તળાવને આયુર્વેદિક અને જૈવિક ટ્રીટમેન્ટની પદ્ધતિથી શુદ્ધિકરણનો પ્લાન બનાવ્યો હતો.
તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે 10 હજાર લિટર પાણીની ક્ષમતા ધરાવતા ટેન્કરના પાણીમાં સંસ્થાના લીકવિડની એક લીટરની બોટલ નાખવામાં આવી હતી. તળાવમાં વધુ પ્રમાણમાં વનસ્પતિ હોઇ એક મહિના સુધી દરરોજ એક ટેન્કર આ પ્રકારે પાણીનો છંટકાવ કરવામાં આવે. ગાયના મળમૂત્રમાંથી બનેલા આ લિક્વિડથી એરોબિક બેક્ટેરિયા એક્ટિવ થાય છે. જે વનસ્પતિને મળતો ખોરાક બંધ કરે છે. જેથી તે સૂકાઈને કિનારે આવી જાય છે.
તદુપરાંત મચ્છરોનો ત્રાસ દૂર થશે અને 24 કલાકમાં તેની અસર જોવા મળશે. જોકે, 1 મહિના ઉપર પાંચ દિવસ વિતવા છતાં લાલબાગ તળાવની પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. આ અંગે થયેલા દાવા મુજબ આ પદ્ધતિમાં સૂર્યપ્રકાશ જરૂરી હોય તે માટે જરૂરી વનસ્પતિ માણસો દ્વારા દૂર કરવામાં આવી છે. જ્યારે બાકીની જે વનસ્પતિ છે તે લિકવિડ દ્વારા સુકાઈને દૂર થઈ જશે. ખંડેરાવ માર્કેટની પાછળના સિદ્ધનાથ તળાવમાં પાલિકાએ રૂ.6 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં તળાવની દુર્દશા જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી તળાવમાં ગંદકી વચ્ચે હવે દુર્ગંધ મારતા પાણીનો ઉમેરો થતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે. છાણી, લક્ષ્મીપુરા, સિધ્ધનાથ સહિતના તળાવમાં પાણી સુકાઇ જવાની સાથે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરી બ્યુટીફીકેશન કર્યા બાદ પણ તળાવો ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહ્યા છે. ઐતિહાસીક વારસો ધરાવતું સિદ્ધનાથ તળાવ બ્યુટીફીકેશન બાદ મૃતપ્રાયઃ હાલતમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ સભામાં રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલા લેવાયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.