શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે ત્રી દિવસીય સ્પર્ધાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે મહિલાઓએ કબડ્ડીની રમત રમી હતી. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ડેપ્યુટી મેયરની ટીમો સામસામે મેદાને ઉતરી હતી. બંન્ને ટીમ પુરજોશમાં કબડ્ડી રમી હતી. જેમાં સાંસદની ટીમે ડેપ્યુટી મેયરની ટીમને પછાડી હતી.
મહિલા આગેવાનોની કબડ્ડીમાં ચૂંટણીની જેમ જ હુતુતુતુનો ખેલ ખેલાયો હતો. પોતાની ટીમને જીતાડવા મહિલાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. નોંધનિય છે કે, સાંસદની ટીમને જીતાડવા ખુદ સાંસદ રંજન બેન ત્રણ વખત મેદાને ઉતર્યા હતા. પકડાવાનું તો દૂર પણ સામેની ટીમના ખેમામાં જઇ ત્રણ ખેલાડીઓને આઉટ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
સાંસદ ખેલ મહોત્સવમાં સાંસદની ટીમે જીતીને સાંસદે પોતાની ક્ષમતા બતાવી હતી. જ્યારે સામેની ટીમમાં રમતા વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પ્રફુલા જેઠવા રમત દરમિયાન પડી જતાં સાંસદે જ તેમને ઉઠાવીને સાચવ્યા હતા. તો પુરુષ ટીમમાં કબડ્ડી રમતા પાલિકાના સત્તાપક્ષના દંડક અને મેયર પદના દાવેદાર ચિરાગ બારોટ પડી ગયા હતા. અને તેઓને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ રમતોત્સવનું આયોજન વાડી વિસ્તારના મહારાષ્ટ્ર ક્રિડા મંડળ ખાતે થયું છે. જેમાં કબડ્ડી, ખોખો, એથલેટિક્સ, ટેનિસ, વોલીબોલ સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.